
- એક જ દે ચિનગારી-શશિન્
- એન્થેસ નગરમાં ડાયોજિનસ ભર બપોરે ફાનસ લઈ નીકળતો. અને કહેતો: ''હે મનુષ્યો, મારી વાત સાંભળો.!' લોકો ટોળે વળતાં ત્યારે તે કહેતો: 'મેં તો 'મનુષ્યો'ને બોલાવ્યા હતા, મનુષ્યત્વના મહોરાધારીઓને નહીં.''
ધ ર્માલયની દીવાલ પર લખેલું એક લખાણ એક માણસ તન્મયતાપૂર્વક વાંચી રહ્યો હતો. એટલામાં આરતી શરૂ થઈ. બીજા લોકોએ પેલા માણસને બેધ્યાન જોઈ કહ્યું: ''ભલા માણસ, મંદિરે આવ્યા છો ને તમને દેવદર્શન કે આરતીમાં રસ નથી. તો પછી અહીં આવ્યા શું કામ ? પેલા માણસે કહ્યુંઃ ''હું તો દર્શનાર્થીઓમાં માણસના દર્શન કાજે આવ્યો છું. ભગવાન સુલભ છે, દુર્લભ તો છે સાચુકલો માણસ, સત્વશીલ માણસ, ચારિત્ર્યશીલ માણસ.
ધર્માલયની એક ભીંત પર લખવામાં આવ્યું હતું: એનન નામના ચિંતકનું મહાન લખાણ. 'હે ઇશ્વર! અમોને મનુષ્ય આપો. હાલના જેવા સમયમાં દ્રઢ મન, વિશાળ અંતઃકરણ, સાચી શ્રદ્ધા, અને કામ કરવાની તત્પરતા ધરાવનાર માણસોની જરૂર છે. જે માણસોને સત્તાનો લોભ મારે નહીં, જેમને સત્તાથી પ્રાપ્ત થતું દ્રવ્ય ખરીદી શકે નહીં, જે સ્વતંત્ર અભિપ્રાય અને ઇચ્છાશક્તિ ધરાવે છે, જેઓ માનસહિત જીવન ગાળવા ઈચ્છે છે, જે માણસ અસત્ય બોલતો નથી, જેઓ ઉચ્ચ દરજ્જાવાળા માણસોની સમક્ષ ઉભા રહી શકે છે, એને જરા પણ ડર્યા વગર તેની ખુશામત પ્રત્યે તિરસ્કાર દર્શાવી શકે છે, સાર્વજનિક અને ખાનગી વિચારની બાબતમાં જેઓ ધુમ્મસની ઉપર સૂર્ય પ્રકાશમાં રહે છે, એવા ઊંચેરા માણસની હાલના સમયમાં જરૂર છે. લોકો દેવદર્શન કરીને બહાર આવી રહ્યા હતા ત્યારે પેલો પોતાની ડાયરીમાં એનને લખેલો ફકરો ઉતારી રહ્યો હતો. એને જોઈને લોકો અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા: 'કેવો મૂર્ખ માણસ ! ભગવાનની આરતી ટાળીને માણસની વાતમાં રસ લઈ રહ્યો છે. બીજો માણસ કહી રહ્યો હતો, આવા નાસ્તિકોના કારણે જ ભગવાનની કૃપા ઓછી થઈ રહી છે. ત્રીજો કહી રહ્યો હતો માણસ દેવાલયના પવિત્ર સંતનાં દર્શન ન કરી દેવોનું અપમાન કરી રહ્યો છે.
વસ્તીથી ઉભરાતા દેશો, નવી-નવી વસ્તુઓના બજારમાં ખડકાતા ઢગલા, હિંસા કરતા ક્ષણનોય વિચારો ન કરે એવી હિંસક મનોવૃત્તિ ધરાવતા લોકો, ધન ખાતર ધર્મ (મનુષ્યત્વ)ને ગળે ટૂંપો દેનાર લોકો, લોકો છે પણ ઈન્સાનો નથી ! ઝળહળતા વીજળી ગોળા છે પણ માણસના અંતઃકરણમાં ઘટાટોપ અંધકાર છે ! ખરો માનવ બનવા ઇચ્છતા માણસને લોકો મૂર્ખ માને છે.
એક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે યુવકોને બોલાવ્યા હતા. ઉમેદવારો સરસ મજાનો બાયોડેટા તૈયાર કરીને લઈ ગયા હતા પણ કંપનીનો ચેરમેન કહેતો: ''મને તમારા કાગળ પર ચિતરેલા બાયોડેટામાં રસ નથી પણ તમારી પર્સનાલિટીનો વણલખ્યો બાયોડેટા વાંચવામાં રસ છે. તમને મોટા પગારવાળી અને ઓછા કામવાળી નોકરી આપવામાં આવે તો શું કરો ? ઘણા બધાંનો જવાબ એક જ હતો: ''કશો જ વિચાર કર્યા સિવાય ઓફર સ્વીકારી લેવાનો પણ છેલ્લે બોલાવવામાં આવેલા યુવકે કહ્યું: મારી મોટા પગારની અપેક્ષા નથી, પણ સખત કામ દ્વારા મારી જિંદગી ઘડે એવા પડકારો વાળી નોકરીની જરૂર છે. આપણે આ ધરતી પર નોકરીઆત બનવા નહીં, પણ માણસ બનવા જન્મ્યા છીએ.
તો તમને કેવો માણસ ગમે ? નોકરી દાતાએ એ યુવકને પૂછ્યું. યુવકે કહ્યું: ''નેક માણસ, નિર્ભય માણસ, નિંદકની વાણીથી નિસ્ત્તેજ ન થાય એવો ચહેરો ધરાવનાર માણસ, ઘટસ્ફોટ થવાની ભીતિથી જેની છાતી ધડકે નહીં, એવો માણસ. એક સાચુંકલા માણસ આગળ આત્મવંચકો શી વિસાતમાં છે ? પૂર્ણત્વની પ્રાપ્તિ માટે મથનાર માણસ સાચો માણસ છે. મેં નક્કી કર્યું છે કે હું અપ્રમાણિકતા કે ભ્રષ્ટતાનો છૂપો વિચાર કરું એને મારી નોકરીનો અંતિમ દિવસ ગણી જાતે જ રાજીનામું આપી નોકરી છોડી દઈશ. પેલા ઉમેદવારે કહ્યું: નોકરીદાતા ખુશખુશાલ થઈ ગયા. અને તેને તાત્કાલિક જ નિમણૂક પત્ર આપી દીધો.
માણસને કોઈ હરાવતું નથી, પણ પોતે જ પોતાની ખામીઓથી હારે છે માણસે શુદ્ધ મનસ્વી નહીં પણ કેવળ યશસ્વી અને ધનસ્વી બનવું છે. ચિંતક યંગ એટલે જ કહે છે. સાચુકલા માણસ બનવા માટે તારું હૃદય ખુલ્લું કર, તારી ઇચ્છાઓને વિશાળ કર અને બહાદુરી તથા સુખને અંદર પ્રવેશવા દે. શૂન્યની ઇશ્વર પર્યંતના વિચારો જે અમર્યાદ સમૂહ છે તેને તારા હૃદયમાં દાખલ કર, આવી જ રીતે ખરો મનુષ્ય બને છે.
માણસોની વસ્તી વધતી જાય તેની સાથે સાથે સારા માણસોની વસ્તી ઘટતી જાય તો આપણે જેની કલ્પના કરીએ છીએ, એવું નરકાગાર આ ધરતી જ બની જાય. એટલે જ કહેવામાં આવ્યું છે કે ''હાલની યોગ્ય અને ડાહી સમાજ વ્યવસ્થા જોઈતી નથી.
સખત બાહ્યાચાર પળાવનારા ધર્મો નથી જોઈતા,
કુબેરના ભંડાર નથી જોઈતા,
મહાન સત્તા જોઈતી નથી.
પ્રબળ લેખિની પણ નથી જોઈતી,
પરંતુ ખરો માણસ જોઈએ છે. આવો ખરો માણસ ક્યાં શોધવો ? એ બહાર નહીં જડે, કારણ કે એવો માણસ ક્યાંય દૂર નહીં તમારી અંદર છે, તમે પોતે જ છો. તમે એને સ્વાર્થના પડદા વડે ઢાંકી દીધો છે.
આપણે જાતજાતના પર્વો અને ઉત્સવો ઉજવીએ છીએ, તેની મોજ માણીએ છીએ, પણ એક દિવસ આપણી જાતને આપીએ, જે દિવસે ૨૪ કલાક એક જ વિચાર કરીએ કે હું સાચો અને પવિત્ર ઇન્સાન કેમ બનું ? એન્થેસ નગરમાં ડાયોજિનસ ભર બપોરે ફાનસ લઈને નીકળતો અને કહેતો ''હે મનુષ્યો મારી વાત સાંભળો. લોકો ટોળે વળતા. ત્યારે તે કહેતો: ''મેં તો મનુષ્યોને બોલાવ્યા હતા. મનુષ્યત્વના મહોરાધારીઓને નહીં. ઇશ્વર પાસે શું માગશો ? ધન, વૈભવ કે માણસાઈ ?
જીવનમાં માણસાઈના દીવા પ્રગટાવવાના છ માર્ગો કયા ?
૧. વાણીમાં મિઠાશ અને નમ્રતા.
૨. ખુશામતખોરીથી દૂર રહેવાની વૃત્તિ, કામ, ક્રોધ વગેરે ષડરિપુઓપર નિયંત્રણ.
૩. દરરોજ આત્મ સુધારણા માટેનું ચિંતન, ક્ષમા અને સહિષ્ણુતા.
૪. નિર્મળ ચારિત્ર્ય, દરિયાદિલી અને સ્વમાનપ્રિયતા.
૫. મન અને હૃદય નરકાગાર ન બને તેવી જીવનશૈલી.
૬. તમારા સર્જન બદલ ઈશ્વરને પસ્તાવો ન થાય એવું શાનદાન વર્તન.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IfOFV9M
ConversionConversion EmoticonEmoticon