ખંભાતના તામશા ગામના પિતા-પુત્રની કારને અકસ્માત નડયો, પિતાનું મોત


સોજિત્રા-તારાપુર માર્ગ પર હાડવેસ્ટર કટરે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

પુત્રને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો, આણંદથી પરત ફરતા અકસ્માત થયો

આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા-તારાપુર માર્ગ ઉપર આવેલ પલોલ ગામ નજીક ગઈકાલ સમી સાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક હાર્વેસ્ટર કટરે કારને અડફેટે લેતા કારમાં સવાર પિતા-પુત્ર પૈકી પિતાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રને ઈજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

 ખંભાત તાલુકાના તામશા ગામે હસનપુરામાં રહેતા સંજયભાઈ જોરૂભાઈ ગોહેલ ગતરોજ સવારના સુમારે પિતા જોરૂભાઈ ધીરૂભાઈ ગોહેલ તથા પુત્ર માધવકુમાર સાથે ફોરવ્હીલર ગાડી લઈ કામકાજ અર્થે આણંદ આવવા નીકળ્યા હતા. જ્યાં આણંદ ખાતે કામકાજ પતાવ્યા બાદ બપોરના સુમારે તેઓ આણંદથી તામશા પરત જવા નીકળ્યા હતા.  દરમ્યાન સોજિત્રા ચોકડી વટાવી તેઓની કાર ડાલી ગામ પસાર કરી પલોલ ચોકડી ક્રોસ કરી આગળ માધવનંદ આશ્રમ સામેથી પસાર થઈ રહી હતી ત્યારે માધવનંદ આશ્રમની બાજુમાં આવેલ નળીમાંથી અચાનક હાર્વેસ્ટર કટરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી એકદમ રોડ ઉપર આવી જતા કાર કટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં જોરૂભાઈ ધીરૂભાઈ ગોહેલને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈ ગોહેલને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.  આ બનાવ અંગે સંજયભાઈ ગોહેલે સોજિત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કટરના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4sekYin
Previous
Next Post »