મૃણાલ ઠાકુરનું ખાખી રંગ પહેરીને તરખાટ સર્જવાનું સપનું અધૂરું જ છે...


- 'ગુસ્સો કરીને શા માટે ટાઇમ અને એનર્જી બગાડવા જોઈએ? એને બદલે હું એવા કાસ્ટિંગ ડિરેક્ટરોના ટચમાં રહું છું, જે  એક્ટર પાસે કંઈક અલગ કરાવવા માગતા હોય.'

મૃ ણાલ ઠાકુર જેવી નાજુક નમણી એક્ટ્રેસને આપણે પોલીસ ઓફિસરના રુપમાં કલ્પી શકતા નથી, ખરું? પણ દરેક હીરોને જ નહીં, હિરોઈનની પણ ખ્વાહિશ હોય છે કે ક્યારેક તો પડદા પર પોલીસ બનવું જ છે! મૃણાલની આ ઇચ્છા પૂરી થઈ છે. 'ગુમરાહ' નામની ફિલ્મમાં એણે પહેલી વાર ખાખી વર્દી ધારણ કરી છે. આદિત્ય રોય કપૂર શોનો હીરો છે, જેણે ડબલ રોલ કર્યા છે. 

મૃણાલે અગાઉ કઈ એક્ટ્રેસનો પોલીસ અવતાર ખૂબ પસંદ પડયો હતો? એ કહે છે, 'એકચ્યુઅલી, તબુ ('દૃશ્યમ્ - ૧ અને ૨) ઔર રાની મુખર્જી ('મર્દાની' - ૧ અને ૨) - આ બંને મારી પ્રેરણા છે. આ અક્ટ્રેસોને પણ કરીઅરની શરૂઆતમાં આવા રોલ કરવાની તક નહોતી મળી. મને આવો સ્ટ્રોંગ રોલ કરવાની તક પ્રમાણમાં વહેલી મળી છે તે વાતની ખુશી છે. અરે, એક વાત તો ભૂલી ગઈ. શેફાલી શાહે 'દિલ્હી ક્રાઈમ' વેબ શોની બન્ને સિઝનમાં પોલીસ ઓફિસર તરીકે કમાલનું કામ કર્યું છે. 'ગુમરાહ'માં શિવાનીના પાત્રની તૈયારી કરતી વખતે મેં આ બધી અભિનેત્રીઓનાં પરફોર્મન્સીસમાંથી પ્રેરણા લીધી હતી. આશા રાખું છું કે હું દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી હોઉં.'

મૃણાલે અત્યાર સુધી લવ સ્ટોરી કરી છે, પીડિતાની ભૂમિકાઓ ભજવી છે, પણ થ્રિલરથી હજુ સુધી દૂર રહી હતી. થ્રિલર ફિલ્મો કરવામાં એ સંકોચ અનુભવતી હતી કે શું? આ પ્રશ્ન સાંભળી મરાઠી મુલગીને હસવું આવી જાય છે, 'તમે જાણો છો કે હ્યુમન ડ્રામામાં એક્ટર તરીકે હું ખીલી ઉઠું છું. હું કેમેરા સામે લાગણીઓ વ્યક્ત કરવામાં માહિર છું, પરંતુ શિવાનીનું કેરેક્ટર એનાથી બિલકુલ વિરુદ્ધ છે. એ લગભગ આખી ફિલ્મ દરમિયાન એક મર્ડર મિસ્ટરીમાં ખૂંપેલી રહે છે. અહીં તમારી સાથે એક સિક્રેટ શેયર કરીશ. હું 'ગુમરાહ'ના સ્ક્રિપ્ટ નરેશન માટે ગઈ ત્યારે મનોમન ના પાડવાનું નક્કી કરી રાખ્યું હતું. એટલા માટે કે એ મેં ન જોયેલી ફિલ્મનું તે હિન્દી એડોપ્ટેશન હતું, પરંતુ ફિલ્મનો પ્લોટ જાણ્યા પછી મને એમાં રસ પડયો. બે હમશકલ યુવાનો હોય અને બંને એક મર્ડરમાં શકમંદ હોય - આવી સ્ટોરીમાં કોને રસ ન પડે? ઈન શોર્ટ, 'ગુમરાહ' એ 'દૃશ્યમ્' જેવી જ ફેમિલી થ્રિલર છે. તેથી આ નવા જૉનરથી પરિચિત થવા મેં થોડું રિસ્ડ લેવાનું ઉચિત ગણ્યું.'

કાસ્ટિંગ ડિરેક્ટરો સામે એવી એક સામાન્ય ફરિયાદ હોય છે કે તેઓ એક્ટરોને એક જ બ્રેકેટમાં મૂકી એમને ટાઇપકાસ્ટ કરી દે છે. મૃણાલ સાથે આવું થાય ત્યારે એનો મિજાજ જાય ખરો? મૃણાલ એકદમ શાંતિથી જવાબ આપે છે, 'નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવાનું મને ગમતું નથી. ગુસ્સો કરીને શા માટે ટાઇમ અને એનર્જી બગાડવી જોઈએ? એને બદલે હું એવા કાસ્ટિંગ ડિરેક્ટરોના ટચમાં રહું છું, જે  એક્ટર પાસે કંઈક અલગ કરાવવા માગતા હોય. હું એવા લોકોને શોધતી રહું છું, જેઓ મને એક્ટર તરીકે જુદી રીતે જોતા હોય.' 

હવે છેલ્લો સવાલ. શું બોક્સ ઓફિસના આંકડાથી મૃણાલને ક્યારેય ચિંતા થાય છે ખરી?' મૃણાલનો ઉત્તર એકદમ પ્રેક્ટિકલ છે, 'લોકો ફક્ત ૧૦૦ કરોડનું કલેક્શન જુએ છે, ફિલ્મની પ્રોડક્શન કોસ્ટનો કોઈ વિચાર કરતું નથી. ૨૦ કરોડમાં બનેલી મારી ફિલ્મ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે તો એણે તોતિંગ પ્રોફિટ કર્યો કહેવાય, પરંતુ ૯૦ કરોડની કોસ્ટમાં બનેલી ફિલ્મ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે તો એ કમર્શિયલ સક્સેસ ન ગણાય. પ્રોબ્લેમ એ છે કે સારી ફિલ્મ, સમીક્ષકોએ વખાણેલી ફિલ્મ, કમર્શિયલ ફિલ્મ અને બ્લોકબ્લસ્ટર ફિલ્મ - આ ચારેય જુદી વસ્તુઓ છે, પણ લોકો ચારેયને ભેગી કરીને ભેળપુરી બનાવી નાખે છે.'

વાત તો સાચી. 

બાય ધ વે, 'ગુમરાહ' ફિલ્મ બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે. એટલે ટૂંકમાં, ખાખી વર્દી પહેરીને છાકો પાડી દેવાનું મૃણાલનું મિશન હજુ અધૂરું જ છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SyeGOU2
Previous
Next Post »