
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- ગુરુદેવે બાઉલને 'જીવનદેવતા' નામ આપ્યું
માનવ સંસ્કૃતિના પ્રત્યેક પગથારે નિતનવીન કળા ખીલી છે. પાંગરી છે. તેનાં સ્વરૂપ બદલાયાં જ કર્યાં છે. ક્યારેક તેના અંતરના અવાજે કળા સ્વયમ્ કળાકારના કાનમાં કોઈ એવો મંત્ર ફૂંકી દે છે કે કળાકાર જાણે કે સફાળો સચેત થઈ જાય છે અને કંઈક ''નવું'' કરી બતાવે છે જે સભાનપણે નહિ જ પણ સહજતાથી સ્ફૂટ થાય છે. અરે ! ક્યારેક તો કળા, સાહિત્ય અને જીવન એકમેકમાં ઓતપ્રોત થઈ એક જ સ્વરૂપે - એક જ પિંડ હોય તેમ વર્ત છે ત્યારે ''અહો આશ્ચર્ય''ની ભાવના અને ઔત્સુક્ય જાગે છે. પંદરમી સદીમાં ઓળખાયેલ બાઉલ ગીત, સંગીત, નૃત્ય અને કથાએ પૂર્વ ભારતમાં પગલાં પાડયાં. વર્ષો સુધી એ લોકકળાએ આગવું સ્વરૂપ જાળવી રાખ્યું. જમાનાની બદલાતી ચાલ અને રફતારમાં માનવીના પરસ્પર સંબંધો સીમા પાર કોઈ અજાણી ક્ષિતિજે એકમેકમાં ઓગળવા લાગ્યા ત્યારે માઈલોનાં ભૌગોલિક અંતરો કપાવા માંડયા અને એમનાં અંતર મનમેળ સાધી એકબીજામાં ગૂંથાવા મંડયાં. કલાક્ષેત્રે થયેલા આ ફેરફાર કોઈ ચમત્કારથી કમ ન્હોતા. જુદી જુદી ભાષાઓની લોકકથાઓ, તેમનાં પોતીકાં લોકગીતો અને લોકનૃત્યો આમ તો એક મંચ પર આવતાં અતિ અઘરાં પરંતુ તેના પ્રસાર અને પ્રચારને કારણે આ કળાઓએ પણ પર સીમા પ્રવેશો કર્યા અને આહા કળા આસમાને વિહાર કરવા માંડી. પશ્ચિમ બંગાળમાં બાઉલ ગીતોની અસરોને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પણ ઝીલી અને રસળતી કરી. બાઉલ ગાનને તેમણે આધાર ગણી તેના મૂળ ઢાળ અને સ્વરોને પોતાના સંગીતમાં ઢાળ્યાં. શાસ્ત્રીય સંગીતને પ્રાદેશિક લોકસંગીત સાથે તો જોડયા જ પરંતુ પાશ્ચાત્ય સંગીત સંગ મિશ્ર પ્રભાવથી તેમણે આગવું સંગીત સર્જ્યું. 'રવીન્દ્ર સંગીત' પણ લોકપ્રિય બન્યું.
સુનતે પાઈ સાધુર મુખે...
જીવન, મૃત્યુ, ધર્મ, સામાજિક તત્વો - બધા જ મુદ્દા ઉપર ચર્ચા કરતા ગુરુઓ કહેતા કે સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રીને ઓળખવા મન-હૃદય સાથે ચર્ચા કરવી. પાર્વતી બાઉલ એમની છટાદાર પ્રસ્તુતિમાં કહે છે કે નિર્ગુણ પુરુષ નિર્લિપ્ત અને નિર્વિચારી હોઈ શકે પરંતુ 'પ્રકૃતિ આપોન હોતે...' 'જો પુરુષ નાયે તો પ્રકૃતિ કોતે...?' બ્રહ્માંડનું આ સત્ય છે. પાર્વતી આવાં પદ રજુ કરતાં હળવાંફૂલ બની બે પગે અધ્ધર થઈ ઠેકડો મારે, કથક નૃત્યની ચકરી જેવી - છતાં તેનાથી હળવી ચકરી લે, સસ્મિત ગીત ગાતાં પગના ઘૂંઘરૂને જાણે કે રમાડે અને એકતારા સાથેનું ગાન નાદ વિશ્વ સર્જે. કદીક નદી કિનારે કે ક્યારેક ભરી બજારે બાઉલ માનવ ભીડમાં ભળી જઈ કહે કે માણસને માન આપો, પૂજો અને ગાય 'આમિ તો આનંદો બજારે ચોલે જાઉં...' સુંદર મુખભાવ સહ કરે 'ગંગા-જમુના નિરમલ પાની... પીબો શીતલ જલ...' લક્ષ્મણદાસ બાઉલ ફિલોસોફીને વરેલાને મુક્ત નૃત્યમાં માનતા. શરીર ડોલે અને કહે ''પૈસા તો ચોર ચોરી જાય, જ્ઞાન-ગાન કોણ ચોરી શકે ?'' વળી બોલી ઉઠે ''ચોલો, ગુરુ જાઈબો જોલ પારે...'' આમ ગુરુ મહિમા પણ અપાર છે બાઉલ વૃંદમાં. ગુજરાતના સાહિત્યપ્રેમીઓ અને રસિકોનાં દિલ સુધી બાઉલનો વિસ્તૃત પરિચય લઈને આવેલા જામનગરના 'સદાપ્રવાસી' શ્રી સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' પાસે એક બહોળો પરિવાર છે બાઉલનો. એમના અંતરંગ જીવનમાં અને કવનમાં ડોકિયું કરી સતીશભાઈએ આપણને - સૌ ભાવકોને બાઉલની સાથે એક બૃહદ સમાજમાં જોડયા છે. આ વણખેડાયેલ વિષયમાં પ્રવેશીને સતીશભાઈએ અઢળક સાહિત્યની ભેટ મા ગુર્જરીને ચરણે ધરી છે. એમના બાઉલ મિત્ર મધુસુદનજી કહે છે કે ''ઓ માઝીભાઈ. આમિ સપન દેસે જાબો... પાર તુલે છે.'' હાથમાં ડુગડુગી ને પગે ઘૂઘરામાં આખું ઓરકેસ્ટ્રા આવી જાય. તાલ વાદ્યની કચેરી જોઈ લો ! નર્તન, ડોલન, ગાયનનાં શાસ્ત્રીય સંગીતની ઝલક. લાડથી આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરતા ભાસે.
ઝળહળતા તેજવંતા બાઉલ ગાન-જ્ઞાન
સમય જતાં બાંગલાદેશના અને આપણા પશ્ચિમ બંગાળના સિધ્ધ-પ્રસિધ્ધ થઈ ગયેલા બાઉલ કલાકારોએ કાઠું કાઢ્યું. માથે 'કલા'નો ભાર રાખ્યા વિના અદ્વૈતવાદ, એકાત્મવાદ, પુરુષ-પ્રકૃતિ સંવાદિતા, જાત સાથે સંવાદ અને ઈશ્વર સાથે તંતુ સધાય એનું ધ્યાન રાખી તેઓ 'ધ્યાન' પણ કરે. દિલમાં ડોકિયું કરી જાત સાથે એકરૂપ થવાની ભાવના એમને સંસારની માયાથી દૂર રાખે છતાં તેઓ સૌથી પરિચિત રહે. સૌ વચ્ચે રહે. બાઉલ પ્રગટ બોધ ન કરે પરંતુ આત્મનિવેદનમાં સઘળું સમાઈ જાય. નવા યુગમાં પૂર્વજોની કલાનું સંવર્ધન કરતાં કરતાં પૂરણદાસ બાઉલના પુત્રો શુભેન્દુ અને દિવેન્દુ ફ્યૂઝન બેન્ડની પણ રચના કરે. વિશ્વબંધુત્વની ભાવના રાખે અને કોઈ એક પ્રભુના સ્મરણમાં રાચવાને બદલે સર્વે દેવી-દેવતાને માન આપે એવા વલણથી આજકાલ બાઉલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચ પર બાઉલ ગાન, નૃત્ય અને કથાને માન-સન્માન અપાવી રહ્યા છે. કવિ ગગન હારકારાએ લલકારેલું... ''આમિકોથાઈ પાબો તારે, આમાર મોનેર માનુષ જે રે...'' તો ''દિલ દરિયા રે માઝી...''ને પોકાર કર્યો પૂરણદાસે. સંત નિતાઈ ખ્યાપાએ કહ્યું હતું કે ''અચ્છે માનુષ માનુષે તે...'' એટલે કે માનવ શરીરમાં અંદરનો માણસ ખેલે છે. જે ઓળખી શકે તે જ પામે. આ અવતાર વારંવાર ન મળે. માનવતાનાં ગાન ગાઈએ. આપણે તો દરેક સંબંધ સાથે પ્રેમનું પોત વણ્યું છે. અતળ ઊંડાણમાં દિવ્યતા હોય તો તે મનને આનંદ અને સંતોષ આપે. પેલો આંતરિક માણસ દીવો ધરે કારણ કે એ તો અનેરા જાદુથી ઘડાયેલો હોય છે. એ દેખાય નહિ, પણ હોય. એ જ તો બાઉલનો હેતુ છે. હાથમાં વાદ્ય અને પગમાં ઘૂઘરા બાઉલને દીવાનગીની હદે લઈ જાય; પણ એને એ કબૂલ છે.
થામાઈયો રે ઢોલ, ઢુલીભાઈ!
બંગાળના પરિવ્રાજક બાઉલની અસંખ્ય પ્રત્યક્ષ મુલાકાતોના પરિપાક રૂપે સતીશભાઈ આપણને ન માત્ર બાઉલની માહિતી આપે છે પણ આપણને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનો પૂર્ણતયા પરિચય સુધ્ધાં કરાવે છે. સુંદરવનને કાંપાળો દ્વીપ બનાવતી ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદીના અક્ષુણ્ણ ઐશ્વર્યનો પણ પરિચય તેઓ કરાવે છે. બાઉલ સંવાદ પ્રવીણ હોય છે અને એમની પાસે પાર વગરનાં ઉદાહરણો હોય છે એને ટાંકીને વાંચકોને રસતરબોળ કરી દેતા લેખક બાઉલના જ્ઞાનનો વિશદ પરિચય કરાવે છે. મનેખના માંહ્યલાના જાણતલ બાઉલ કહે છે કે ''હલેસું સલામત હોય તો હોડી ચોરાય નહિ.'' ''પ્રકૃતિમાં ટાઢ-તાપ, ભરતી-ઓટ આદિ પ્રકૃતિને ગતિમાં લાવે છે.'' ''એપિઠ ઓપીઠ ઉલટો કથા... દુઈયે મિલે સત્યપાતા'' એટલે કે ''આ બાજુ, પેલી બાજુ, બધું ખોટું. બેય મળી જાય ત્યારે જ સાચું.'' માઝીએ તો નૌકાને ધીરે વહાવવી પડે અને પેલી કાંસા જોડીના રણકારને બંધ કરી દેવો પડે. કોઈપણ પોથી પર આધારિત નહિ એવી આ ''અપૂંથિયા'' પરંપરાને જાળવતા બાઉલ કહે છે કે ''અધૂરું જ્ઞાન એ બોજ છે. પૂરું જ્ઞાન એ જ મોજ છે.'' બંગાળના અંતરિયાળ સ્થાનોમાંથી મોતી વીણી લાવેલા સતીશભાઈને બાઉલ ગુરુ કહે છે કે ''સાબેર ભૂમિ ગોપાલેર...ગોપાલ સાબેર સમાજેર!'' - સઘળી ધરા ગોપાળની... ગોપાળ આખ્ખા સમાજનો ! તત્વજ્ઞાનથી ભરપૂર-સાહજિક્તાથી કહેવાયેલી વાતોનો મર્મ નિરાળો છે જેને સમજીએ તો જ્ઞાનગંગામાં ડૂબકી માર્યાનો એ પ્રસાદ છે એવું લેગા !
લસરકો
આમિ મુક્તિ દીતે કાતર નઈ;
શુધ્ધુ ભક્તિ દીતે કાતર હઈ !
દઈશું મુક્તિ તો ખૂબ રાજી થઈ;
(પણ) શુધ્ધ ભક્તિ ન એમનેમ દઈ !
(અંતરનો અવાજ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Xb4DlES
ConversionConversion EmoticonEmoticon