બોરીયાવીમાં સુચિત વેરા વધારા સામે પાલિકાને ઘેરાવ


- દોઢથી 3 ગણા સુચિત વેરા વધારાના નિર્ણય સામે રામધૂન યોજી વિરોધ કરાયો 

- રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા સંકુલમાં થાળી વેલણ વગાડી બંગડીઓ ઉછાળી વિરોધ નોંધાવ્યો : વેરો પરત નહીં ખેંચાય ત્યા સુધી વિરોધ ચાલુ રખાશે 

 આણંદ : આણંદ પાસેની બોરીયાવી નગરપાલિકા દ્વારા વિવિધ કરવેરાઓમાં રાતોરાત દોઢથી ત્રણ ગણો સૂચિત વધારો ઝીંકવામાં આવતા નગરજનોએ આજે પાલિકાનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓએ પાલિકા સંકુલ ખાતે થાળી-વેલણ વગાડી તેમજ બંગડીઓ ઉછાળી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે નગરજનો દ્વારા રામધૂન સાથે પાલિકાના નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો.

 આણંદ પાસેની બોરીયાવી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલે છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફીસર દ્વારા રાતોરાત વિવિધ વેરાઓમાં વધારો ઝીંકી દેવામાં આવતા નગરજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. નગરજનોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૯માં કરવેરાઓમાં વધારો કર્યા બાદ માત્ર ત્રણ વર્ષમાં પુનઃ એકવાર વેરાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તેની સામે યોગ્ય સુવિધા મળતી નથી. પાલિકાના સત્તાધીશો દ્વારા પાણી વેરો બમણો કરાયો છે. જ્યારે સામાન્ય ગટર સહીતના અન્ય વેરામાં પણ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. દીવાબત્તી અને સફાઈ વેરામાં પણ વધારો કરવામાં આવતા નગરજનો ઉપર આર્થિક બોજ વધ્યો છે. પાલિકા તંત્ર દ્વારા રાતોરાત વેરામાં વધારો ઝીંકવામાં આવતા બોરીયાવી ગામના નગરજનોમાં રોષ ભભૂક્યો હતો અને વિવિધ વિસ્તારોમાંથી મહીલાઓ તથા આગેવાનો એકત્ર થઈ આજે સવારના સુમારે પાલિકા સંકુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રામધૂન સાથે હોબાળો મચાવી પાલિકાનો ઘેરાવો કર્યો હતો. મહિલાઓએ થાળી વેલણ ખખાડી પાલિકા સંકુલમાં બંગડીઓ ઉછાળી વિરોધ વ્યક્ત કરી પાલિકાના ચીફ ઓફીસરને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોટી સંખ્યામાં એકત્ર થયેલા નગરજનોનો વિરોધ જોઈ પાલિકા સત્તાધીશો પણ મંૂઝવણમાં મુકાઈ ગયા હતા અને આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જો કે મહીલાઓએ સખત વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. પાલિકા સત્તાધીશો દ્વારા વેરા વધારો પરત નહીં ખેંચાય ત્યાં સુધી નગરજનો દ્વારા વિરોધ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવતા પાલિકા સત્તાધીશોમાં હડકંપ મચી ગયો છે.

વિકાસના કામો કરી શકાય તે માટે વેરા વધારાનો નિર્ણય કરાયો 

આ અંગે પાલિકાના વહીવટદાર ચાર્મી રાવલે જણાવ્યું હતું કે પાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને કરવેરાની આવકમાંથી વિકાસના કામો કરી શકાય તે માટે વેરાઓમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ હજી સુધી વધારો કરાયો નથી. જનતા પાસેથી વધારો કરવા અંગે સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લીધા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજાજનોની ફરીયાદો અંગે પણ ઝડપથી નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/j2YFwpi
Previous
Next Post »