સહિયર સમીક્ષા .

- હું એક યુવકના પ્રેમમાં હતી જેણે મને ઘણી ખરાબ રીતે છોડી દીધી હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધ હતો નહીં. જેની મારા ભાવિ પતિને જાણ નથી.


હું  ૬૭ વર્ષની સિનિયર સિટીઝન મહિલા છું મને મોંઢા અને દાઢી પર સફેદ વાળ આવ્યા કરે છે. તેને ચૂંટીને કાઢવા છતાં પણ વાળ ઉગ્યા કરે છે. આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો.

એક મહિલા (ગુજરાત)

ઉંમર વધતા હોર્મોન્સની ઉણપને કારણે આમ થાય છે. મેનાપોઝ પછી મોટા ભાગની મહિલાઓને આ સમસ્યા પરેશાન કરે છે. તમે કોઈ નિષ્ણાત બ્યુટિશિયનની સલાહ લઈ થ્રેડિંગ કે ઇલેકટ્રોલાઈસીસ કરાવી શકો છો. આ ઉપરાંત કોઈ સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ પણ લઈ શકો છે. આ માટે લેસર થેરપી પણ ઉપયોગી થઈ શકે છે. 

હું ૨૪ વરસની અપરિણીત યુવતી છું. હું કોલેજમાં ભણું છું. ચાર વર્ષથી હું એક ૩૫ વરસના પુરુષના પ્રેમમાં છું. તે પરિણીત છે અને તેને દસ-બાર વર્ષની એક પુત્રી પણ છે. તે મને ઘણો પ્રેમ કરે છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. મારે તેની સાથે લગ્ન કરવા છે. તેનો પરિવાર હોવાથી તે મારી સાથે ઘણી ઓછી વાત કરે છે. પરંતુ મેં તેને મારો સર્વસ્વ માન્યો છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી(અમદાવાદ)

તેને પત્ની અને સંતાન હોવાથી આ પુરુષ તેમને છોડીને તમારી સાથે લગ્ન કરે એ શક્ય નથી અને શા માટે તમે કોઈનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો છો? મારી સલાહ માનવાના હો તો આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા જીવનમાં આગળ વધી જાવ. અને કોઈ યોગ્ય જીવન સાથી શોધી લગ્ન કરી લો. આ સંબંધમાં તમારું કોઈ ભવિષ્ય નથી. તમારા પત્ર પરથી લાગે છે કે તમારી સાથે આગળ સંબંધ વધારવાનો આ પુરુષનો ઇરાદો નથી. આથી લાગણીવેડા છોડીને તમારા ભવિષ્યનો વિચાર કરો.

મારા મમ્મી - પપ્પાએ પસંદ કરેલા યુવક સાથે તાજેતરમાં જ મારા વેવિશાળ થયા છે. આ છોકરો શાલિન છે. મને તે ગમે પણ છે પરંતુ આ પૂર્વે હું એક યુવકના પ્રેમમાં હતી જેણે મને ઘણી ખરાબ રીતે છોડી દીધી હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધ હતો નહીં. જેની મારા ભાવિ પતિને જાણ નથી. મારે તેને આ બધુ જણાવવું છે, પરંતુ તે મને છોડી દેશે એનો મને ડર લાગે છે તો મારું શું કરવું?

એક યુવતી (મુંબઈ)

સૌપ્રથમ તો તમારા ભાવિ પતિનો પરિચય વધારો તેનો સ્વભાવ જાણવાનો પ્રયત્ન કરો. તે સમજું અને પ્રેમાળ છે કે તેનો સ્વભાવ ક્રોધી છે? તમારા સ્વભાવમાં મેળ પડે છે એ પણ જુઓ. તમારા પ્રેમી સાથે શારીરિક સંબંધ નહોતો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ કોઈ યુવક સાથે મૈત્રી હોવાની વાત તેને જણાવવી જરૂરી છે જેથી પાછળથી તેને કોઈ પાસેથી આ વાત જાણવા મળે તો તેને પોતા સાથે વિશ્વાસઘાત થયો હોવાનું લાગે નહીં.

હું ૨૧ વરસની છું. મારા પરિવારમાં મારા લગ્નની કોઈને ચિંતા નથી. હું શિક્ષિત અને ઘઉં વર્ણી છું. મારી મોટી બહેનના લગ્ન થઈ ગયા છે, પરંતુ તે તેના સાસરામાં ખુશ નથી. તેના સાસરિયા તેને ઘણો ત્રાસ આપે છે. આ કારણે મને પણ લગ્ન કરતા ડર લાગે છે. મને પણ સાસરામાં માન-સન્માન મળશે કે નહીં એની મને ચિંતા થાય છે. ઘર છોડીને જતાં રહેવાનું કે આત્મહત્યા કરવાનું મન થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (જુનાગઢ)

સમસ્યાઓથી દૂર ભાગવું કે આત્મહત્યાનો વિચાર કરવો એ કાયરતાની નિશાની છે. આવા વિચારો છોડી દો. જિંદગીના પોઝિટિવ પાસા વિશે વિચારો. જિંદગીમાં ઉતાર-ચઢાવ તો આવ્યા જ કરે છે. આથી ગભરાવાની જરૂર નથી. તમારી બહેનને લગ્ન જીવનમાં મુશ્કેલી સહન કરવી પડે છે એનો અર્થ એ નથી કે તમે પણ આ પરિસ્થિતિમાંથી જ પસાર થશો. તમારા પરિવારજનોને તમારા લગ્નમાં રસ હોય નહીં  તો તમે પરિવારના કોઈ સમજુ વ્યક્તિને તમારા મનની મૂંઝવણ કહો. આશા છે કે તેઓ તમને સહાય કરશે. અથવા તો તમે લગ્ન માટેના વિજ્ઞાાપનોનો પણ આધાર લઈ શકો છો. જોકે આ બાબતે બરાબર ચોક્કસ થયા પછી જ આગળ વધજો. 

- નયના



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JaqS0R
Previous
Next Post »