જીવન ૫ણ બાળકને કશુંક શીખવશે એ યાદ રાખવું જોઈએ


- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- સ્ક્રીન આધારિત શિક્ષણમાં સામાજિકતા નથી. બાળકો સ્ક્રીન સાથે નિરંતર રહી શકે છે. પણ પાડોશી સાથે પળ વિતાવી નથી શકતા.. 

એ ક વખત પૂ. ગાંધીજી કોઈ શાળામાં જઈ ચડેલા. ત્યાંના  બધા શિક્ષકો હરોળબધ્ધ વંદન કરી ઉભા રહ્યા. એક પછી એક પોતાનો પરિચય આપવા લાગ્યા. હું વિજ્ઞાાન ભણાવું છું, હું ગણિત ભણાવું છું, હું અંગ્રેજી ભણાવું છું... એમ, તો પૂ. બાપુ બોલ્યા, 'તો અહીં વિદ્યાર્થીને કોણ ભણાવે છે? મારે તેમને મળવું છે.' 

આજના વર્ગખંડો ધીમે ધીમે કમ્પ્યુટર ખંડો બની રહ્યા છે ત્યારે પૂ. બાપુએ આ વર્ગો જોયા હોત તો? ખેર... આજે તો દરેક મા-બાપને મારું સંતાન આગળ રહેવું જોઈએ તેવી હોંશ છે. તેથી દરેક નિશાળ તેના પાંચ વરસના ટેણીઆને પણ બાળ-પ્રતિભા બનાવવા મથે છે. અરે, પશ્ચિમના દેશોમાં તો વર્ષના અંતે પાંચ વરસના બાળકના અભ્યાસ-નિરીક્ષણ પછી પાંચસો પાનાનો અહેવાલ તેના પર લખાય છે. બાળકોના માતા-પિતાને પ્રવેશ સમયે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓની ટુલ-કિટ ઓફર થાય છેઃ તમારે બાળકને શું બનાવવું છે?  બિથોવન કે પિકાસો, ઝકરબર્ગ કે રોનાલ્ડો? સરવાળે બાળક મા કરતાં મશીન પાસે વધારે રહે છે. ક્યારેક આવી અસામાન્ય સ્કૂલ્સના ખર્ચને પહોંચી વળવા મા-બાપમાંથી કોઈ એકે રળવા સતત બહાર રહેવું પડે છે. જાણે, સીંગલ પેરેન્ટ.

જોન ફ્રિમેન નામના એક મનોવૈજ્ઞાાનિકે બસ્સો દસ બાળ-પ્રતિભાનો અભ્યાસ કરેલો. જેમાંથી માત્ર છ બાળકો જ સફળ થયેલા. તો એક અન્ય સંશોધન-અભ્યાસ હાઈ- એચીંવીંગ સ્કુલ અંગેનું છે, તે કહે છે કે કોમ્પ્યુટર્સનો વપરાશ વિવેકપૂર્ણ છે ત્યાં પરિણામ વધારે સારું છે. આ અભ્યાસ સીતેર દેશોને આવરી લે છે. ટોની લીટલ કહે છે કે 'ઓવર સ્કુલીંગ ઈઝ ઇકવલ ટુ અંડર એડયુકેટીંગ, ઓવર શિડયુલ્ડ ઈઝ ઇકવલ ટુ ઓવર લીમીટેડ.'

અર્થાત, જીવન પણ બાળકને કશુંક શીખવશે તેવી આસ્થાનો સદંતર અભાવ. આજના શિક્ષણમાં  ભૂલોની કોઈ ગુંજાઈશ નથી (જે સ્વયં એક મોટી ભૂલ છે.) અને હા, નિષ્ફળતાની કોઈ તૈયારી જ નથી. વ્યક્તિત્વ ઘડવા માટે બધું દાવ પર લગાવીએ છીએ તેથી ચારિત્ર્ય કાચું-પોચું રહી જાય છે. સ્ક્રીન આધારિત શિક્ષણથી બાળકનું સામાજીકરણ ખાસ નથી થતું. તેથી આવા બાળકો સ્ક્રીન સાથે નિરંતર રહી શકે છે. પણ પાડોશી સાથે પળ વિતાવી નથી શકતા.. આખરે, સંબંધ, સ્પર્શ, સ્નેહ, સંવાદ, સામીપ્ય, વગેરે મશીનગત નથી માનવગત છે. બાળક શિક્ષકને એટેન્ડ નથી કરતું કારણ તે બધું ડાઉનલોડ કરે છે. કેલીફોર્નીઆની સિલિકોન વેલીના એપલ કે ગૂગલવાળાના બાળકો 'વોલ્ડ્રોફ સ્કુલ ઓફ ધ પેનીન્સ્યુલા'માં ભણે છે, બ્લેકબોર્ડ અને ચોકથી. વિસ્મય થાય છે ને? આ વિસ્મય પણ માનવનો વિશિષ્ઠ અધિકાર છે. 

માત્ર ઓસ્કર અને નોબેલ પ્રાઈઝ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી, ટેકનોક્રેટ્સ અને સાઈન્ટીસ્ટસના સેલિબ્રિટી સોશિયલ કલ્ચર વચ્ચે પ્રેમાળ શિક્ષકો, કરુણાવાન નર્સો, જીવન પ્રેમી બાગાયતી, ખેલદિલ ડ્રાઈવરો, પરોપકારી ખેડૂતો, નીષ્ઠાવાન શ્રમિકોની તંગી તો ઉભી નહીં થાય ને?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JMHFUTC
Previous
Next Post »