
બજારની વાત
એઆઈ ઈફેક્ટ, બીટી કંપની 55 હજારને છૂટા કરશે
આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે વધુ એક કંપનીમાંથી મોટા પાયે છટણીનો તખ્તો તૈયાર છે. આ કંપની છે, યુકેની ટેલિકોમ જાયન્ટ બીટી કે જે ૨૦૩૦ સુધીમાં ૫૫,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. કંપનીએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે.
કંપની પાસે હાલમાં વિશ્વભરમાં આશરે ૧.૩૦ લાખ કર્મચારીઓ છે, જેમાં આશરે ૩૦ હજાર થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ હેઠળ અને ૮૦,૦૦૦ કંપનીના પોતાના કર્મચારી છે કે જે યુકેમાં કામ કરે છે. બીટી ડિજિટાઈઝેશન અપનાવીને કોલ હેન્ડલિંગ અને નેટવર્ક ડાયગ્નોસ્ટિક્સ માટે આટફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેના કારણે ઓછા માણસોની જરૂર પડશે. કંપની સમગ્ર યુકેમાં નેક્સ્ટ જનરેશન ફુલ-ફાઇબર અને 5G નેટવર્ક લોન્ચ કરશે. આ નેટવર્ક તૈયાર થાય પછી કંપનીને ઓછા એન્જિનિયરોની જરૂર પડશે.
દેવોલિનાએ મુસ્લિમ પતિ સાથે 'ધ કેરલ સ્ટોરી' જોઈને શું લખ્યું?
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજીની ટ્વિટ વાયરલ થઈ છે. દેવોલિનાની ટ્વિટ સામે સોશિયલ મીડિયા પર અલગ અલગ રીએક્શન આવી રહ્યાં છે. દેવોલીના ભટ્ટાચારજી પોતાના પતિ શાહનવાઝ શેખ સાથે ફિલ્મ જોવા ગઈ હતી અને એ પછી તેણે ટ્વિટ કરી. દેવોલિનાએ લખ્યું છે કે, મારા પતિ એક મુસ્લિમ છે અને મારી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા. તેમણે ફિલ્મનાં વખાણ પણ કર્યાં. શાહનવાઝને આ ફિલ્મને કારણે પોતાની લાગણી દૂભાતી હોય કે ફિલ્મ તેમના ધર્મની વિરૂદ્ધ છે એવું જરાય ના લાગ્યું. મને લાગે છે કે, દરેક ભારતીયને આવી જ લાગણી થવી જોઈએ.
કોરીયન વોર ગેઈમ પબજીની ભારતમાં ફરી એન્ટ્રી
ભારતમાં એક સમયે યુવાનોને ઘેલું લગાડનારી પબજી(PUBG) મોબાઈલ ગેમની ભારતમાં ફરી એન્ટ્રી થઈ રહી છે. બે વર્ષ પહેલાં સુરક્ષાના કારણોસર આ ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ ગેમ બનાવનારી દક્ષિણ કોરીયાની ક્રાફ્ટોન કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરતાં કંપનીને ૩ મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે કંપની પર કેટલીક શરતો લાદી છે. આ શરતો અનુસાર ખેલાડીઓ પોતાને નુકસાન ન કરે, કોઈ વ્યસન ન થાય એ સહિતની બાબતો પર નજર રાખવામાં આવશે. આ માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. આ શરતોનું પાલન નહીં કરાય તો ત્રણ મહિના પછી પબજી ફરી બંધ થઈ જશે.
મુકેશ અંબાણી ચાઈનીઝ કાર કંપની ખરીદવાની રેસમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી કાર બિઝનેસમાં ઝંપલાવે એવાં એંધાણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સ્તરે જાણીતી કાર કંપની એમજી મોટરના ભારતીય બિઝનેસને ખરીદવા માટે પ્રયત્નશીલ છે. એમજી મોટર ચીનની સરકારી કાર કંપની એસએઆઈસી મોટર કોર્પ લિમિટેડની બ્રાન્ડ છે. ભારતમાં ચીનની કંપનીઓ પર નિયંત્રણો વધી રહ્યાં હોવાથી કંપની ભારતમાં તેના કાર બિઝનેસમાં મેજોરિટી સ્ટેક વેચવા માંગે છે. એમજી બે-ત્રણ વર્ષમાં ભારતીય રોકાણકારો પાસેથી રૂ. ૫,૦૦૦ કરોડથી વધુ રકમ એકઠી કરવા માગે છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત હીરો ગુ્રપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગુ્રપ પણ એમજી મોટરનો ભારતીય બિઝનેસ ખરીદવામાં રસ ધરાવે છે પણ રીલાયન્સની આર્થિક તાકાત જોતાં આ કંપનીઓ અંબાણીને નહીં પહોંચી વળે એવું લાગે છે.
મસ્ક અંતે નમ્યા, 'મેઈડ ઈન ઈન્ડિયા' કાર બનાવવા તૈયાર
અમેરિકાની ઈલેક્ટ્રિક વ્હીકલ જાયન્ટ કંપની ટેસ્લા 'મેઈડ ઈન ઈન્ડિયા' ઈલેક્ટ્રિક કાર બનાવવા તૈયાર છે. એલન મસ્કની કંપની ટેસ્લાએ ભારત સરકાર સમક્ષ ભારતમાં ફેક્ટરી બનાવવાની દરખાસ્ત મૂકી છે. આ ફેક્ટરીમાં ભારત તથા અન્ય દેશોમાં વેચાણ માટે કાર બનાવવાની મસ્કની યોજના છે. આ પહેલાં મસ્ક ભારતમાં ફેક્ટરી સ્થાપવા તૈયાર નહોતા. મસ્કે ટેસ્લાની કાર પર ઈમ્પોર્ટ ડયુટી ઓછી કરાવવા બહુ મથામણ કરી પણ મોદી સરકાર ના માનતાં છેવટે મસ્કે નમવું પડયું છે. ટેસ્લા ચીનમાં બનતી ઈલેક્ટ્રિક કાર ભારતમાં વેચવા માંગતા હતા પણ ભારતે સ્પષ્ટ કહેલું કે, ભારતમાં કાર વેચવી હોય તો કાર ભારતમાં જ બનેલી હોવી જોઈએ. 'મેક ઈન ઈન્ડિયા' સિવાય બીજા કશાને ભારત મંજૂરી નહીં આપે.
સુંદર પિચાઈનું ઘર તમિલ ફિલ્મ નિર્માતાએ ખરીદ્યું
ગુગલના સીઈઓ સુંદર પિચાઈનું ચેન્નાઈમાં આવેલું પૈતૃક ઘર વેચાઈ ગયું છે. પિચાઈનું બાળપણ જ્યાં વિતેલું એ ઘર તમિલ અભિનેતા અને નિર્માતા સી. મણિકંદને ખરીદ્યું છે. પિચાઈનો જન્મ મદુરાઈમાં થયેલો પણ તેમનાં માતાપિતા રઘુનાથ પિચાઈ અને લક્ષ્મી ચેન્નાઈ આવી જતાં સુંદરનું બાળપણ ચેન્નાઈના અશોકનગરમાં વિત્યું હતું. સુંદર પિચાઈ આઈઆઈટી ખડગપુરમાં ગયા એ પહેલાં આ ઘરમાં જ રહીને ભણ્યા હતા. આ ઘર ખખડધજ થઈ જતાં સુંદરના પિતાએ તેને તોડી પાડયું હતું. મણિકંદને જમીનનો પ્લોટ ખરીદ્યો છે કે જેના પર તે પોતાની રીતે નવું મકાન બનાવશે. પિચાઈનો સમગ્ર પરિવાર હવે અમેરિકામાં જ રહેતો હોવાથી અહીં રહેનાર કોઈ નથી તેથી આ ઘર વેચી દેવાયું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/p6szkbe
ConversionConversion EmoticonEmoticon