આણંદમાં લગ્ન પ્રસંગમાં ધ્વનિ પ્રદુષણના 3 બનાવ : 6 વ્યકિત સામે પોલીસ ફરિયાદ


- શહેરમાં એન્ટી ડી.જે. સ્કવોડની કાર્યવાહી

- ડી.જે.નો સરસામાન જપ્ત કર્યો : ડી.જે.ના સંચાલકો અને લગ્નના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો 

આણંદ : આણંદ શહેરમાંથી એન્ટી ડી.જે. સ્કવોડની ટીમ દ્વારા રાત્રી દરમ્યાન લગ્ન પ્રસંગમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લગ્નના આયોજકો તેમજ ડી.જે.ના સંચાલકો મળી ત્રણ અલગ-અલગ બનાવમાં કુલ-૬ શખ્સો વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેરની બોરસદ ચોકડી પાસે મોટા અવાજે ડી.જે. વાગતું હોવાથી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેથી પોલીસે લગ્નનું આયોજન કોનું છે અને સ્પીકર માલિક કોણ છે તે બાબતે પૂછપરછ કરતા સ્પીકર અર્જુનભાઈ શકાભાઈ દેવીપૂજકના હોવાનું તથા કિશનભાઈ ગોબરભાઈ દેવીપૂજક લગ્નના આયોજક હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે રાત્રીના સુમારે મોટા અવાજે ડી.જે. વગાડી ધ્વનિ પ્રદૂષણ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ડી.જે.નો સામાન કબજે લઈ બંને શખ્સો વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય બનાવમાં એન્ટી ડી.જે. સ્કવોડની ટીમ ગામડી વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી દરમિયાન પરીખભુવન વિસ્તારમાં મોટા અવાજે ડી.જે. વાગતું હોવાથી સ્થળ પર જઈ તપાસ કરતા લગ્ન પ્રસંગ ચાલતો હોવાનું માલૂમ પડયું હતું. જેથી પોલીસે લગ્નના આયોજક તેમજ ડી.જે.ના સંચાલકના નામઠામ અંગે પૂછપરછ કરતા લગ્નના આયોજક વિનુભાઈ મંગળભાઈ રાઠોડ અને ડી.જે.ના સંચાલક આંકલાવ તાલુકાના ખડોલ(હ) તાબે માધવપુરાના પ્રકાશભાઈ સુરેશભાઈ પઢિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને શખ્સો વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ડી.જે.ના સાધનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં ડી.જે. સ્કવોડની ટીમ ગામડી વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉંડા ફળીયા પાસે આવતા મોટા અવાજે ડી.જે. વાગી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. પોલીસે લગ્નના આયોજક અને ડી.જે.ના સંચાલક બાબતે તપાસ કરતા લગ્નના આયોજક પૂનમભાઈ ધુળાભાઈ પરમાર તથા ડી.જે.ના સંચાલક ખાંધલી ગામના દિલીપભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે બંને શખ્સો વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ડી.જે.ના સાધનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5XuMGBx
Previous
Next Post »