માતર ભાજપના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી 21.49 લાખનો વિદેશી દારૂ પકડાયો


- ભલાડા ગામે પોલીસે દરોડા પાડતા નાસભાગ  : દારૂની 7140 બોટલો કબજે લેવાઇ 

- બુટલેગર વિજય ઉર્ફે પ્રિતેશ પરમાર સહિત 2 શખ્સોની ધરપકડ : ગાંધીનગરના ત્રણ, રાજસ્થાનના 1 સહિત 12 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

નડિયાદ : માતરના ભાજપ ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઇ પરમારના ભલાડા ગામના ઘરેથી ખેડા એલસીબીએ રૂ. ૨૧.૪૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો છે. આ મામલે પોલીસે ધારાસભ્યના ભત્રીજા સહિત બે વ્યકિતની ધરપકડ કરી છે. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ૧૨ વ્યકિત સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ખેડા એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે  ભલાડા ગામે હરસિઘ્ધપુરામાં રહેતા વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમારના ઘર આગળ વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારેલો છે. આ જથ્થો સગેવગે કરવા હિલચાલ થઈ રહી છે જેથી પોલીસે રેડ કરતા પોલીસને જોઈ નાસવા જતા બે શખ્સોેને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમાર (રહે. હરસિઘ્ધપુરા, ભલાડા) તેમજ ગોવિંદભાઈ દાનાજી પ્રજાપતિ (રહે. વાવોલ તા. ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે બંનેની અંગજડતી કરતાં રૂ. ૧૫૨૦ રોકડ મળી આવી હતી. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૭૧૪૦  બોટલો  કિંમત રૂ. ૨૧,૪૯,૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમારની પૂછપરછ કરતાં ગોવિંદ દાનાજી પ્રજાપતિ તથા દિનેશ ઉર્ફે ગોપાલ પ્રજાપતિ (રહે. સિદ્ધત રેસિડન્સી, વાવોલ, ગાંધીનગર તથા દિનેશ ઉર્ફે ગોપાલના માસીના દીકરા રમેશ પ્રજાપતિ (રહે. શ્રીનગર સોસાયટી, સેક્ટર ૨૪, ગાંધીનગર) એ ભેગા મળી દિનેશ ઉર્ફે ગોપાલની  ગાડી લઈને કન્ટેનરમાં દારૂ ભરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું. 

આ વિદેશી દારૂની ૭૦ પેટીઓ અનીશ ઉર્ફે ગઠો દિલીપભાઈ વ્હોરા (રહે. તારાપુર) ને તેમજ રમેશ મનહરભાઈ શર્મા (રહે.  બાંટવા,તા. સોજીત્રા) ને આપવાની હતી. આ વિદેશી દારૂ મેળવવા દિનેશ ઉર્ફે ગોપાલ પ્રજાપતિએ તેના મિત્ર ભગવાનલાલ રમણલાલ ડાંગી (રહે. ઝંખેલા, તા.માવલી,રાજસ્થાન) નો વોઇસ કોલ કરાવી સંપર્ક કરાવ્યો હતો. આ દારૂની પેટી નંગ ૬૦ અજીત ઉર્ફે દૂધી રમેશભાઈ પરમાર (રહે.ભલાડા) ને જ્યારે ૩૦ પેટીઓ જયેશ ઉર્ફે જલિયો ભૂપત સોલંકી (રહે. સીંજીવાડા)ને તેમજ ૭૦ પેટીઓ અનીસ ઉર્ફે ગઠા (રહે. તારાપુર) ને આપવાની હતી. આ ઉપરાંત વધેલી વિદેશી દારૂની પેટીઓ છૂટક વેચાણ કરવા રાખવાની હોવાનું જણાવ્યું હતું. જોકે,  ભાજપના ધારાસભ્યના ગામમાંથી ઝડપી પાડેલા વિદેશી દારૂ ધારાસભ્યના ભત્રીજાનો હોવાનો બનાવ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.  આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે વિજય ઉર્ફે પ્રિતેશ લક્ષ્મણભાઈ પરમાર સહિત ૧૨ શખ્સો સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મારે મારા ભાઈ કે ભત્રીજા સાથે કોઈ વ્યવહાર નથી : ધારાસભ્ય

માતર ધારાસભ્યના સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મારે મારા ભાઈ કે ભત્રીજા સાથે વ્યવહાર નથી. તેમ જ તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ એ લોકો ઉપર કેસ થયા છે અને મારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fopb5n6
Previous
Next Post »