
બજારની વાત
ટ્વિટરનાં નવાં સીઈઓ લિંડાનો પગાર 1 કરોડ ડોલર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા સીઈ એઓ તરીકે લિન્ડા યાકારિનોની નિમણૂકના સમાચારે હલચલ મચાવી દીધી છે. ઈટાલિયન મૂળમાં લિન્ડા યાકારિનો ૬ અઠવાડિયામાં એટલે કે જૂનના અંતમાં કંપનીમાં જોડાશે. ટ્વિટરના માલિક એલન મસ્ક ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કામ કરશે જ્યારે લિન્ડા સીઈઓ હશે. લિન્ડાનો પગાર કેટલો હશે એ અંગે અટકળો ચાલી રહી છે ત્યારે મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, લિન્ડાને એક કરોડ ડોલરનું વાર્ષિક પેકેજ મળ્યું છે. એનબીસી યુનિવર્સલમાં ગ્લોબલ એડવર્ટાઈઝિંગમાં લિન્ડા યાકારિનો પગાર ૪૦ લાખ ડોલર હતો. યાકારિનોએ ગયા મહિને મિયામીમાં એડવર્ટાઈજિંગ કોન્ફરન્સમાં મસ્કનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે મસ્કના વર્ક એથિકની પ્રશંસા કરી હતી. એ વખતે જ મસ્કે લિંડાને ઓફર કરી હોવાનું કહેવાય છે.
આલિયા દીપિકાને પછાડી 'ગુચ્ચી'ની બ્રાન્ડ એમ્બેસેડર બની
દીપિકા પદુકોણે અને આલિયા ભટ્ટ વચ્ચે ઈન્ટરનેશલન લેવલે પોતાનું વર્ચસ્વ જમાવવાની સ્પર્ધા ચાલી રહી છે. સામાન્ય રીતે દીપિકા તેમાં મેદાન મારે છે પણ આ વખતે આલિયા ભટ્ટે મેદાન માર્યું છે. ઈટાલીના હાઈ-એન્ડ લક્ઝુરીયસ ફેશન હાઉસ 'ગુચ્ચી'એ આલિયાને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. 'ગુચ્ચી'એ પહેલી વાર કોઈ ભારતીયની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ઓસ્કાર એવોર્ડ્સમાં 'આરઆરઆર'ના ગીતનો ડંકો વાગ્યો તેથી ફિલ્મને મળેલી પબ્લિસિટી આલિયાને ફળી છે. તેના કારણે વૈશ્વિક બ્રાન્ડ્સનું તેના તરફ ધ્યાન ખેંચાયું છે. નેટફ્લિક્સની 'હાર્ટ ઓફ સ્ટોન' મૂવીમાં પણ આલિયાને મહત્વનો રોલ મળે છે. આ વરસે ૧૧ ઓગસ્ટે રીલીઝ થનારી અમેરિકન સ્પાય થ્રીલર 'હાર્ટ ઓફ સ્ટોન'માં આલિયા કેયા ધવનનો રોલ કરવાની છે.
હોલીવુડ સુપરસ્ટાર ૭૯ની ઉંમરે સાતમા સંતાનનો પિતા બન્યો
'ધ ગોડફાધર' સહિત અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરનારા હોલીવુડ સુપરસ્ટાર રોબર્ટ દ નીરો ૭૯ વર્ષની વયે સાતમા સંતાનના પિતા બન્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઈન્ટરવ્યુ લેનારે તેમનાં છ સંતાનોનો ઉલ્લેખ કર્યો ત્યારે નીરોએ તેમાં સુધારો કરતાં કહ્યું કે, થોડા સમય પહેલાં જ હું સાતમા સંતાનનો પિતા બન્યો છું. નીરોએ પોતાના સાતમા સંતાનની માતા કોણ છે એ વિશે સ્પષ્ટતા કરી નથી પણ ટિફની ચેંગ યિન-મેન લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ છે. ૩૮ વર્ષની ટિફની માર્શલ આર્ટ ઈન્સ્ટ્રક્ટર છે. બંને વચ્ચે ૨૦૧૫થી સંબંધો છે તેથી નીરોના સાતમા સંતાનની માતા ટિફની હોવાની પ્રબળ શક્યતા છે. નીરોએ નવું અફેર કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
એક ડોલર સામે 300 પાકિસ્તાની રૂપિયા
પાકિસ્તાનનું અર્થતંત્ર ખરાબ હાલતમાં છે ત્યારે પાકિસ્તાની રૂપિયો અમેરિકાના ડોલર સામે બહુ જલદી ૩૦૦ રૂપિયાની સપાટી વટાવી દેશે એવું લાગે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં અરાજકતાની સ્થિતી છે. લોકો રસ્તા પર આવી જતાં પાકિસ્તાની રૂપિયો ઝડપથી ગગડવા માંડયો છે. પાકિસ્તાની રૂપિયામાં સતત વેચવાલી જોવા મળી રહી છે તેથી શનિવાર સાંજ સુધીમાં પાકિસ્તાની રૂપિયો યુએસ ડોલર સામે ૨૯૬ પર પહોંચી ગયો હતો. એક પાઉન્ડના ૩૬૮ પાકિસ્તાની રૂપિયા અને યુરોના ૩૨૪ રૂપિયા છે. એક ભારતીય રૂપિયાના બદલામાં ૩.૫૯ પાકિસ્તાની રૂપિયા મળે છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર ૩૬ ટકા ઉપર છે જ્યારે આઈએમએફના અનુમાન પ્રમાણે આ વરસે જીડીપી ગ્રોથ રેટ માત્ર ૦.૨ ટકા રહેશે.
યુકેની કંપનીમાં એઆઈના કારણે 250 કર્મચારી નવરા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે લોકો નવરા થઈ જશે એવી ચેતવણી અપાઈ રહી છે ત્યારે તેનું ટ્રેલર બ્રિટનમાં જોવા મળ્યું છે. બ્રિટનમાં ઓક્ટોપસ એનર્જીએ ગ્રાહકોના ઈમેલનો જવાબ આપવા માટે ૨૫૦ માણસોને નોકરીએ રાખ્યા હતા.
થોડા સમય પછી કંપનીઓ આ કામ માટે એઆઈનો ઉપયોગ શરૂ કર્યો. શરૂઆતમાં તેનો ઉપયોગ માત્ર થોડા ઈ-મેલના જવાબ આપવા માટે કરાતો હતો. હવે એઆઈ કંપનીના મોટાભાગના ગ્રાહકોના ઈમેલનો જવાબ આપે છે અને ૨૫૦ ટ્રેઈન્ડ કર્મચારીઓ નવરા થઈ ગયા છે અને ગમે ત્યારે ઘરભેગા થશે.
રસપ્રદ વાત એ છે કે, કંપનીના ૮૦ ટકા ગ્રાહકો એઆઈના કામથી ખુશ છે. પહેલાં કર્મચારીઓ એ જ કામ કરતા હતા, ત્યારે માત્ર ૬૫ ટકા ગ્રાહકો સંતુષ્ટ હતા.
આધાર નંબર જાણવાથી બેંક એકાઉન્ટ હેક થાય?
છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ પર મેસેજ ફરી રહ્યો છે કે, તમારા આધાર નંબરને આધારે બેંક એકાઉન્ટને હેક કરી શકાય છે તેથી આધાર નંબર કોઈને કહેશો નહીં. આ મેસેજના કારણે લોકો ફફડેલાં છે ત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI એ સ્પષ્ટતા કરવી પડી છે કે, આ વાતમાં દમ નથી. કોઈ વ્યક્તિ એટીએમ કાર્ડ નંબર જાણતી હોય તો એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી ના શકે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ તમારું બેંક એકાઉન્ટ માત્ર આધાર નંબર જાણીને હેક ના કરી શકે. બેંક દ્વારા આપવામાં આવેલ તમારો પિન કે ઓટીપી બીજા કોઈને ના આપો તો તમારું બેંક ખાતું સુરક્ષિત છે. માત્ર આધાર નંબરનો ઉપયોગ બેંકિંગ કે બીજા સેવા માટે કરી શકાતો નથી.
કેન્દ્ર સરકાર પણ ફૂડ ડીલિવરીના બિઝનેસમાં
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોકપ્રિય થઈ રહ્યાં છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ બિઝનેસમાં ઝંપલાવીને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નામે પ્લેટફોર્મ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ દ્વારા શરૂ કરાયેલું આ પ્લેટફોર્મ નફો કમાવવા માટે નહીં પણ લોકોને લૂંટથી બચાવવા શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે નોન-પ્રોફિટ કંપની તરીકે ઓએનડીસીની શરૂઆત કરી છે તેથી બીજાં પ્લેટફોર્મ કરતાં તેના પર બહુ સસ્તું ખાવાનું મળે છે.
આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે, આ પ્લેટફોર્મ પરથી ફૂડ ઉપરાંત યુઝર્સ કપડાં, કિરાણાનો સામાન, મૂવી ટિકિટ, ઈલેક્ટ્રિક સામાન અને કેબ પણ બુક કરાવી શકાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/R06Xw93
ConversionConversion EmoticonEmoticon