કોરા કોરા રુદિયાંમાં, પૂરજો રંગોળી : આવી રે આવી, ફાગણના ફળિયામાં હોળી


આ પણી ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધર્મોના વૈવિધ્યપૂર્ણ વ્રતો,ઉત્સવો,તહેવારો, અને ઉત્સવોની ઉજવણી કરવાનું અનેરું મહત્વ છે, અને એના કારણે જ આજે આપણી સંસ્કૃતિને પોષણ મળવાને કારણે ટકી પણ રહી છે.

હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવતી હોવાથી આ ઉત્સવને ફાલ્ગુનિક પણ કહેવાય છે. જુદા જુદા રાજ્યોમાં તેને જુદા નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હોળીને શિમગોના તહેવાર તરીકે પણ ઉજવાય છે.

હોળીના ઉત્સવમાં એકબીજાને રંગોથી રંગવામાં આવે છે. ગુલાલ અને કેસુંડાના જળ છાંટવામાં આવે છે. સાથે સાથે ગીતો પણ ગવાય છે.

કોરા કોરા રુદિયામાં, પૂરજો રંગોળી :

આવી રે આવી, ફાગણના ફળિયામાં હોળી :

આ હોળીનો ઉત્સવ આપણને અસત્ય ઉપર સત્યનો સદાય વિજય થાય છે, તેવો સંદેશો પણ પાઠવે છે.

હોળીના તહેવારની સાથે ભક્ત પ્રહલાદના વિજયની ગાથા જોડાયેલી છે.

શતાબ્દિઓ પૂર્વે નારણપુર રાજ્યમાં હિરણ્યકશિપુ નામનો રાજા હતો. તેના પુત્રનું નામ હતું પ્રહલાદ.

પ્રહલાદ અખંડ ભગવાનની ભક્તિમાં મસ્ત રહેતા. તેમના પિતાને પુત્ર ભક્તિ કરે તે પસંદ નહતું. તેથી તેમણે તેની ભક્તિ છોડાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. પરંતુ ભક્ત પ્રહલાદે ભક્તિ મૂકી નહી. આ રાજાની બહેનનું નામ હોલિકા હતું. તેને વરદાન પ્રાપ્ત થયું હતું કે, અગ્નિ પણ તેને બાળી ના શકે. તેથી આ હિરણ્યકશિપુએ તેના બહેનના ખોળમાં પ્રહલાદજીને બેસાડયા અને અગ્નિ પેટાવ્યો.

પરંતુ ભગવાન તેની રક્ષા માટે પધાર્યા. તેથી ભક્ત પ્રહલાદનો આબાદ રીતે બચાવ થયો અનેે હોલિકા બળી ગઈ. ભક્તરાજ પ્રહલાદનો વિજય થયો.

આ રીતે હોળીનો ઉત્સવ આપણને હંમેશા ભક્તિ કરવામાં ટેક રાખવાનું શીખવે છે. અસત્યનો નહિ, પણ સત્યનો હંમેશા વિજય થાય છે તેની યાદ તાજી કરાવે છે.

આ હોળીના પર્વ ઉપરથી આપણે પણ અસત્ય સામે લડવું પડે, તો લડી લેવું, તેવો બોધ ગ્રહણ કરીએ અને સત્ય, સંયમ, સદાચાર મય જીવન જીવવાની નેમ લઈએ.

આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના આધ્યાત્મિક રંગો પૂરાય અને આપણું સૌનું જીવન આદર્શમય બને, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાના ઉતરે તેવા પાત્ર બનવા માટે પ્રયત્નશીલ બનીએ.

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Wq4McFC
Previous
Next Post »