- મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસનું પુનરાવર્તન
- પ્રેમી હત્યાને અંજામ આપી ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર હેઠળ : પ્રેમી યુવાનના કારણે યુવતીના છુટાછેડા થતાં પિયરમાં રહેતી હતી
વિરપુર તાલુકાના કોયડમ તાબેના દુધલા ગામે ચતુરભાઇ ભુલાભાઇ રાવળ રહે છે. તે મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં સૌથી મોટી દિકરી તારાબેન, વચેટ રમીલાબેન અને નાની પારુલબેન તથા નાનો દિકરો બળવંતભાઇ છે. તારાબેનના લગ્ન થઇ ગયેલ છે.૨૧ વર્ષના રમીલાબેનને ગામના શૈલેષભાઇ ફુલાભાઇ પગી સાથે પ્રેમસંબંધ હતો.પરંતુ કોઇ કારણોસર રમીલાબેનના લગ્ન ગયા વર્ષે વીરણીયા ગામના અજયભાઇ રાવળ સાથે થયા હતા. પરંતુ અજયભાઇને રમીલાબેનના શૈલેશ સાથેના પ્રેમસંબંધની જાણ થતા છેલ્લાં ચાર મહિનાથી છૂટાછેડા બાદ રમીલાબેન પિયરમાં રહેતા હતા. રમીલાબેનના પિયર આવ્યા બાદ શૈલેષભાઇ વારંવાર રમીલાબેનને પ્રેમસંબંધ બાંધવા પ્રયત્ન કરતો હતો. પરંતુ રમીલાબેન આ માટે ના પાડતા હતા.
ગત્ રોજ સવારના સાડા આઠેક વાગે ગામના કોદરભાઇ સુરાભાઇ પગીના ખેતરમાં ઘઉં કાપવાના હોવાથી તેમનો દિકરો જશવંતભાઇ મોટર સાકલ લઇને ચતુરભાઇના ઘરે આવ્યા હતા અને રમીલાબેનને લઇને ખેતરે ગયા હતા.
ત્યારબાદ ચતુરભાઇ બાજુના દાંતિયા ગામે કડિયાકામની મજૂરીએ ગયા હતા. રમીલાબેન ખેતરમાં કામ કરતા હતા તે દરમ્યાન શૈલેષ ત્યાં આવ્યો હતો અને રમીલાબેનને ખેંચીને ખેતરથી દૂર લઇ ગયો હતો. જ્યાં શૈલેષ પગીએ રમીલાબેનને પ્રેમસંબંધ બાંધવા જણાવ્યું હતું. પરંતુ રમીલાબેને ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
જે ઝઘડામાં પરિણમ્યો હતો અને ઉશ્કેરાઇ ગયેલા શૈલેષે રમીલાબેનના છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ શૈલેષ ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. પરંતુ રમીલાબેનની બૂમાબૂમ સાંભળી આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો રમીલાબેનનું મૃત્યુ થઇ ચૂક્યુ ંહતું. આ બનાવ અંગે વિરપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી રમીલાબેનના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. આ બનાવ અંગે પોલીસે રમીલાબેનના પિતા ચતુરભાઇની ફરિયાદના આધારે શૈલેશભાઇ પગી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મારી દીકરીનો ઘરસંસાર પ્રેમ સંબંધની અફવાના કારણે ભાંગી ગયોઃ પિતા
જુવાનજોધ દિકરીની કરપીણ હત્યા બાદ તૂટી ગયેલા પિતા ચતુરભાઇની આંખમાંથી આંસુ સુકાતા નથી. તેઓ જણાવે છે મારી ૨૧ વર્ષની દિકરીના લગ્ન વીરણીયા ગામના અજયભાઇ સાથે ગયા વર્ષે જ થયા હતા. પરંતુ રમીલાને ગામના શૈલેષ પગી સાથે પ્રેમસંબંધ હોવાની અફવાઓને કારણે રમીલાના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેમની સાથે રમીલાને શૈલેષ વારંવાર હેરાન કરતો હતો. તે રમીલા સાથે પ્રેમસંબંધ રાખવા માંગતો હતો અને રમીલા તે માટે ઇનકાર કરતી હતી. આથી આ વાતનો ગુસ્સો રાખી શૈલેષે મારી દિકરીની હત્યા કરી છે.
બનાવના કારણે દુધેલા ગામમાં ચકચાર મચી
થોડા દિવસો અગાઉ સુરતમાં માસુમ ગ્રીષ્માની માતા અને ભાઇની નજર સામે જ પ્રેમીએ કરેલ કરપીણ હત્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વિરપુર પંથકમાં આવો જ બનાવ બનતા ચકચાર મચી છે. દુધેલા ગામની રમીલાએ પ્રેમી શૈલેષ પગીને પ્રેમ સંબંધ બાંધવાની ના પાડતા શૈલેષે જાહેરમાં જ રમીલાને ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. અને આ હત્યા બાદ પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ શલેષે પણ ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અત્યારે વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oujhcs5
ConversionConversion EmoticonEmoticon