આણંદની 31 એસ.ટી. બસ અમદાવાદ ફાળવી દેવાતા 116 રૂટ ખોરવાયા


- વડાપ્રધાનના રોડ શો સહિતના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા 

- વિદ્યાર્થીઓનો હલ્લાબોલ સાથે વિરોધ  : સરકારી કચેરીઓ સુમસામ બનતા અરજદારોને ધરમ ધક્કા

આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે પધારતા વડાપ્રધાનના આ કાર્યક્રમમાં આણંદ ખાતેથી ૩૧ જેટલી એસ.ટી.બસો ફાળવી દેવાતા જિલ્લાના અનેક રૂટોને અસર પહોંચી હતી. લગભગ ૧૧૬ જેટલા રૂટ ખોરવાતા શાળા-કોલેજે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેને લઈ શહેરના નવા બસ મથક ખાતે આજે સવારના સુમારે કેટલાક વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો.

સરકાર દ્વારા યોજવામાં આવેલ ખેલ મહાકુંભ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન સાથે સુરત ખાતેના ગૃહમંત્રીના કાર્યક્રમને લઈ આ કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા વિવિધ ડેપોમાંથી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લામાંથી પણ ૩૦ થી ૪૦ જેટલી બસો સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના અનેક રૂટો પ્રભાવિત થયા છે. જિલ્લાના આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાત સહિતના અનેક રૂટો ઉપર દોડતી કેટલીક એસ.ટી. બસોના રૂટ રદ કરવામાં આવતા આજે આણંદ શહેરના નવા બસ મથકે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. એસ.ટી. બસોના પાસ કઢાવ્યા હોવા છતાં એસ.ટી. બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને ના છુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો. કેટલીક કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી હોઈ એસ.ટી.તંત્ર દ્વારા એસ.ટી.ના રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ એક-બે એસ.ટી. બસ મુકાતા વિદ્યાર્થીઓ પડાપડી કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગ્રામ્ય વિસ્તારના રૂટો કેન્સલ થતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી હતી અને વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી એસ.ટી. તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

આણંદ જિલ્લામાંથી ભાજપના પાંચ હજાર કાર્યકર અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આણંદ જિલ્લામાંથી ભાજપ અગ્રણીઓ સહિત આશરે ૫ હજાર જેટલા કાર્યકરો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ભાજપ કાર્યકરોની સાથે સાથે ભાજપ શાસિત જિલ્લા પંચાયત સહિતની કચેરીઓના શાસકો પણ આજે અમદાવાદ ખાતેના મોદીના કાર્યક્રમમાં પહોંચતા કેટલીક કચેરીઓ સાવ સુમસામ જોવા મળી હતી અને કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jVvMwgW
Previous
Next Post »