- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- હળવાશ અનુભવવાની આપણી ક્ષમતામાં અને આવડતમાં જબરદસ્ત ઘટાડો થયો છે. નાની નાની બાબતોમાં આપણે રઘવાયા થઈ જઈએ છીએ, અતિસક્રિય થઈને ઉકેલ માટે કે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા દોડાદોડ કરી મૂકીએ છીએ અને ના જોઈતી ચિંતાઓ કરવા માંડીએ છીએ!
વા ત લગભગ પચ્ચીસ વર્ષ પહેલાની છે. કાળી ચૌદસની રાત્રે, હકડેઠઠ ભરેલી અને જેટલા અંદર હતા એના કરતા વધુ છાપરે બેઠેલા એવી, રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસમાં અમે ચાર જણ ગોઠવાયેલા, હું-મારો મિત્ર અને અમારી પત્નીઓ. ના, કોઇ હોરર સ્ટોરીની વાત નથી માંડી રહ્યો, પણ બસમાં ભીડની ગૂંગળામણ કોઈ હોરરથી સહેજ પણ ઉતરતી નહતી ! આવી બસમાં કોઈ કઇં થાય તો શું થાય ?! - આવી ચિંતા જ્યારે આ મુસાફરીની વાત વાગોળું છું ત્યારે થાય છે, બાકી એ સમયે તો મને કે એમાં બેઠેલા એકપણ સહપ્રવાસીને આ વાતની ચિંતા નહીં હોય ! મોબાઈલ કે બીજા ગેજેટ્સ વગરના એ જમાનામાં કેટલાક મઝાથી ઊંધતા હતા, કેટલાક અમારી જેમ ગપ્પે ચઢ્યા હતા અને બાકીના ખુલ્લી બારીમાંથી આવતા પવનની સાથે પોતાના વિચારોમાં મગ્ન હતા. સવારે સવા પાંચ વાગે અમે જોધપુરના એસટી સ્ટેન્ડ પર ઉતર્યા અને જોધપુર-જેસલમેરના અમારા દિવાળી વેકેશનની શરૂઆત થઈ. પહેલું કામ રહેવા માટે હોટલ શોધવાનું હતું અને એ માટે રીક્ષા કરી હોટલોમાં ફરવાનું, રૂમ જોવાના, ભાડું જોવાનું અને બધું અનુકુળ આવે પછી એમાં ગોઠવવાનું ! એ સમયે રેટિંગ્સ અને રીવ્યુ વાંચીને સીધા ગોઠવાઈ શકાય એવું સ્વપ્ન પણ કોઈને આવ્યું નહીં હોય. અમે સવારના પહોરમાં માવા-કચોરી ખાઈને અમારી શોધ શરૂ કરી અને નવ વાગતા સુધીમાં તો હોટલમાં ગોઠવાઈ ગયા. બે દિવસ જોધપુર ફરીને ત્રીજા દિવસે, એ જ રીતે ત્યાંથી કોઈપણ રિઝર્વેશન વગર જેસલમેર ! આખી ટ્રીપ જોયું જશે અને પડે તેવી દેવાશે તેવી માનસિકતાથી પુરી !! પણ, મઝા, એવી આવી કે આજેય તેનું વર્ણન કરતા મન પ્રસન્ન થઈ જાય છે.
આવી એક નહીં અનેક ટ્રીપ અમે કરી છે, પણ અમારી આવી વાતો સાંભળતા જ અમારા સંતાન અમને કહે છે કે તમારો જમાનો જુદો હતો, અત્યારે તો આવું શક્ય જ નથી. રિઝર્વેશન કે બુકીંગ વગર ઘરની બહાર પગ જ ના મુકાય. એમની વાત સાચી છે કે એ જમાનો જુદો હતો, પરંતુ વાત રિજર્વેશન કે બુકીંગની નથી, વાત 'જોયું જશે' અને 'પડે તેવી દેવાશે' તેવી માનસિકતાની છે. યુવાની તો બેફીકરાઈની અવસ્થા છે અને એ અવસ્થાના અનેક મંત્રો પૈકીના આ મંત્ર છે 'જોયુ જશે' અને 'પડશે તેવી દેવાશે'! મારી વાતનો મૂળ મુદ્દો એ છે કે જેટલી બેફિકરાઈથી અમે અમારી યુવાની જીવી એટલી બેફિકરાઈથી અમારી પછીની આ પેઢી જીવી નથી શકતી ! વધુ કમનસીબ બાબત તો એ છે કે સાધનો અને સવલતોની સાથે પણ આજની યુવા પેઢી ચિંતા-ફિકરથી લદાયેલું જીવન જીવતી જાય છે. લાઈક્સ મેળવવા જેવી ક્ષુલ્લક બાબતોથી શરૂ કરીને તબિયત-કારકિર્દી-આવક-સંબંધો જેવી દરેક બાબતોની ચિંતા વત્તે-ઓછે અંશે તેમના મગજનો કબજો લઈને બેઠી છે! મનોવિજ્ઞાાન કહે છે કે જે બાબતો તેમને અંદરથી રિબાવતી હોય તેનાથી બિલકુલ વિરુદ્ધનું વર્તન કે વાતો કરવા તમે પ્રેરાતા હોવ છો, જેમ કે લાંચીયા ઈમાનદારીની વાતો કરતો ફરે કે લોભિયો પૈસાને હાથનો મેલ ગણાવતો ફરે! સ્વાભાવિક છે અંદરથી સતત નાની-મોટી ચિંતાઓ કે સમસ્યાઓથી લદાયેલી પેઢી 'કુલ' હોવાનો દેખાડો કરવાનો એકપણ મોકો જતો ના કરે! સીધેસીધી વાત એ છે કે આજની યુવાપેઢી ગઈકાલની યુવાપેઢી કરતા વધુ ચિંતિત અને તણાવગ્રસ્ત છે, સુખ-સગવડ-સાધન-સવલત વધ્યા હોવા છતાં, તકો-ઉપલબ્ધીઓ વધી હોવા છતાં ! માત્ર યુવાપેઢી જ નહીં, દરેક પેઢી તેમની અગાઉની પેઢી કરતા આજે વધુ ચિંતાગ્રસ્ત છે અને તે પણ તેમનું જીવન વધુ સરળ, સલામત અને અનુમાન લગાવી શકાય એવું હોવા છતાં!
છેલ્લા ત્રીસ વર્ષમાં માનવજાતે બસ્સો વર્ષમાં નહતી કરી એટલી પ્રગતિ તમામક્ષેત્રે કરી છે એ જોતા આપણું જીવન સરળ અને આનંદમય થવું જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે જીવન સરળ બન્યું છે પણ આનંદમય નથી બન્યું, ઉપરથી પહેલા ક્યારે'ય નહતી એવી ચિંતાઓ આપણને સતાવે છે. બાળકોને દરેક બાબતમાં પોતાના પર્ફોર્મન્સની ચિંતા સતાવે છે, એ પછી અભ્યાસ હોય કે ઈતર-પ્રવૃત્તિઓ હોય, એક દબાવ સતત મંડરાયેલો રહે છે. કિશોરાવસ્થામાં પોતાના દેખાવ અંગેની અને સ્વીકૃતિની ચિંતાઓ વધી છે, થેંક્સ ટુ સોશિયલ મીડિયા. યુવાનીમાં કારકિર્દી, કમાણી, વિજાતીય સંબંધો ઉજાગરા કરાવે છે. ત્રીસીમાં પ્રવેશતા તો સંસારની પળોજણ શરૂ થઈ જ જાય છે એટલે વિવિધ તણાવો આવતા જતા રહેવાના. મુદ્દાની વાત એ છે કે બાળપણ, કિશોરાવસ્થા અનેયુવાની જે ચિંતા-મુક્ત મઝાની અવસ્થાઓ હતી એ આજે ના જોઈતા તણાવો અને ચિંતાઓથી ઘેરાઈ ગઈ છે! નાની ઉંમરે બાળકો-કિશોરો-યુવાનો ભારેખમ થઈ ગયા છે. અધૂરામાં પૂરું જે ચિંતાઓ ચાલીસીમાં સતાવતી હતી તે હવે વીસીમાં સતાવવા માંડી છે. ડોક્ટર હોવા છતાં મને નથી યાદ કે યુવાવયે અમે ક્યારેય વજન, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, હાર્ટ-એટેક કે કોઈપણ રોગ થઈ જવા અંગે ચિંતા અનુભવી હોય અને આજે પોતાને કોઇ રોગ થઈ જશે કે કંઈક અનિચ્છનીય બની જશે એવી ચિંતાઓથી પીડાતા અનેક યુવાનો મનોચિકિત્સકોની સારવાર લઈ રહ્યા છે!
વિજ્ઞાાન અને ટેકનોલોજીની જબરદસ્ત પ્રગતિ પછી આપણે હળવા થવાને બદલે દિવસેને દિવસે વધુ ચિંતાવાળા અને હાયપર કેમ થતા જઈએ છીએ?! આપણને કોણ ચિંતા કરાવે છે?! વધુ પડતી માહિતી-જાણકારી, મીડિયા, જાહેરાતો, ભય ફેલાવીને ધંધો કરતા ધંધાદારીઓ, સોશિયલ મીડિયા, આપણી આજુબાજુના લોકો વગેરે આપણને ચિંતા કરાવે છે! આ બધા પરિબળોએ ભેગા થઈને હળવાશ અનુભવવાની આપણી ક્ષમતામાં અને આવડતમાં જબરદસ્ત ઘટાડો કરી મુક્યો છે.
નાની નાની બાબતોમાં આપણે રઘવાયા થઈ જઈએ છીએ, અતિસક્રિય થઈને ઉકેલ માટે કે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા દોડાદોડ કરી મૂકીએ છીએ અને ના જોઈતી ચિંતાઓ કરવા માંડીએ છીએ! એમાંય યુવાનોને જ્યારે આવી મનઃસ્થિતિમાં જીવતા જોઈએ ત્યારે જીવ બળી જાય. નાની ઉંમરે થતી આત્મહત્યાઓ, વ્યસનો કે અસાધ્ય બીમારીઓ પાછળ આ ચિંતાઓ સીધી કે આડકતરી રીતે સંકળાયેલી રહે છે.
દિવસેને દિવસે ચિંતા કરાવનારા વધવાના છે એ સંજોગોમાં આપણી ના જોઈતી કે ફાલતું ચિતાઓનો ઉપાય પણ આપણે જ કરવો પડશે. આ માટે સૌથી મહત્વનું નકારાત્મક વિચારોથી અને નકારાત્મક માણસોથી દૂર રહેવાનું છે. તમારું મગજ કચરા ટોપલી જેવું ના રાખો કે જેમાં ગમે તે આવીને વૈચારિક કચરો ઠાલવી જાય. માધ્યમો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારી પ્રસન્નતા અને હળવાશ માટે કરો. જે કરીને, જોઈને કે સાંભળીને દુઃખી કે ચિંતિત થતા હોઈએ અથવા થવાના હોઈએ તેનાથી આપણને કુતુહલતા કે પંચાત થતી હોય તો પણ દૂર રહેવું.
પૂર્ણવિરામઃ
જીવનમાં જે બાબતોની આપણે ચિંતા કરતા હોઈએ છીએ તે પૈકી મોટાભાગની બાબતો તો માત્ર આપણા માનસપટ ઉપર જ ઘટતી હોય છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/23mDH0n
ConversionConversion EmoticonEmoticon