વિફરેલી ગાયની અડફેટે આવેલા નાપાડના આધેડનું સારવારમાં મોત


- શહેરમાં રખડતા પશુઓને કારણે અવારનવાર સર્જાતા અકસ્માત

- આણંદ શહેરમાં ગુજરાતી ચોક નજીક ગાયે શિંગડે લેતા સારવાર માટે વડોદરા લઇ જવાયા હતા

આણંદ : આણંદ શહેરમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. છેલ્લા ઘણાં સમયથી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો હોઈ પાલિકાનું નઘરોળ તંત્ર આ મામલે આળસુ નીતિ દાખવતા નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 

લગભગ એક સપ્તાહ પૂર્વે આણંદ તાલુકાના નાપાડ ગામના આધેડને શહેરના ગુજરાતી ચોક નજીક રખડતા પશુએ શિંગડે ભરવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. વડોદરા ખાતે સારવાર દરમ્યાન તેઓનું કરૂણ મોત નીપજતાં આણંદ શહેર પોલીસ દફતરે અપમૃત્યુની નોંધ નોંધાવવા પામી છે.

છેલ્લા ઘણાં સમયથી આણંદ શહેર ગોકુળીયું ગામ બન્યું છે. શહેરના લોટીયા ભાગોળ, મહેન્દ્ર શાહની હોસ્પિટલ, નવા બસ મથક, ગ્રીડ ચોકડી, આણંદ-વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી, મંગળપુરા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ બેફામ બન્યો છે. શહેરના જાહેર માર્ગો ઉપર રખડતાં પશુઓના કારણે અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે. ગત તા.૨ જી જુલાઈ, ૨૦૨૧ના રોજ શહેરના વોર્ડ નં.૬માં આવેલ શિખોડ તળાવ નજીક વિફરેલી એક ગાયે એક આધેડને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ થોડા સમય માટે પાલિકા તંત્રની ટીમ જાગી હતી અને રખડતા પશુઓને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી.

છેલ્લા ઘણાં સમયથી શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત રહી છે ત્યારે આણંદ તાલુકાના નાપાડ ગામે રહેતા ૫૦ વર્ષીય ચંદુભાઈ કેસરીસિંહ રાઠોડ ગત તા.૨૭મી ફેબુ્રઆરીના રોજ સાંજના સુમારે આણંદ શહેરની મહેન્દ્ર શાહ ચોકડીથી ગુજરાતી ચોક તરફના માર્ગે પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન એક વિફરેલી ગાયે તેઓને શિંગડે ભરાવતા ચંદુભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને સારવાર અર્થે તુરંજ જ આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત વધુ ગંભીર હોઈ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા બાદ ગઈકાલ રાત્રિના સુમારે તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wVEIgXK
Previous
Next Post »