- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- વ્યક્તિનું મન પૂરતું ગ્રહણશીલ હોય, (જેની બાળવયમાં વધુ શક્યતા છે) ત્યારે એક રસાયણ માફક એના ચિત્તમાં અમુક વિચાર રોપાય તો એ ''નોળવેલ'' જેમ કામ કરે
ક્યા રેક વિચારો ''નોળવેલ''નું કામ કરે. દાદા મને લગભગ નવ દશ વર્ષની વયે વૈચારિક પુસ્તકો વંચાવતા. એમના સ્નેહીઓ એમને પૂછતાઃ ''આ વયે તો કશું સમજાય નહીં, છતાં આપ શા માટે આવી 'શુષ્ક' વાતો વંચાવો છો ?'' મને યાદ છે કે દાદા એ વખતે ''નોળવેલ''નો દાખલો આપતા જંગલમાં અમુક પ્રાણીઓને તબિયતમાં ગડબડ થાય, એટલે નરી અંતઃસ્ફુરણાથી એ ''નોળવેલ'' નામની વનસ્પતિ શોધી કાઢે, સૂંઘે કે ખાય ! ઉદાહરણની તાર્કિક કે માહિતિગત તરતપાસ મહત્વની નથી, પણ ધ્વનિ મહત્વનો છે.
વ્યક્તિનું મન પૂરતું ગ્રહણશીલ હોય, (જેની બાળવયમાં વધુ શક્યતા છે) ત્યારે એક રસાયણ માફક એના ચિત્તમાં અમુક વિચાર રોપાય તો એ ''નોળવેલ'' જેમ કામ કરે. જ્યારે રોપાય ત્યારે એને ખબર પણ ન હોય, પણ જિન્દગીના કોઈ મુંઝવણના તબક્કે એ વિચાર અચાનક પ્રકાશનો ઝળહળાટ કરી દે ! ખૂબ - ભૌતિક સમૃદ્ધિ ધરાવતાં દેશો કે પરિવારોમાં તમને ભયંકર બેચેની કે સતત તૃષ્ણાની આગ શા માટે દેખાય છે ? જો તર્ક, ગણતરી કે સપાટી પરની ભૌતિકતાથી જ જીવનમાં તૃપ્તિ કે શાન્તિ મળી જતાં હોય તો વિચાર-બીજનો કોઈ મહિમા નથી, પણ એવું હોય છે ખરૂં?
ભગવાન મહાવીરે કહ્યું કે ''જે દુઃખ તને થાય છે, એવું જ દુઃખ અન્ય જીવને પણ થાય છે'' આ એક વિચારબીજ થયું, નોળવેલ થઈ ! શાકાહાર, માંસાહાર, હિંસા, અહિંસાનાં ચોકઠાંની જ ચર્ચામાં ઘણા પડી જતા હોય. ફલાણી વસ્તુમાં જીવ હોય કે નહીં, એ ખવાય કે નહીં, એના કાયદાનાં લિસ્ટ તો ''પ્રવૃત્તિ'' થઈ ! પણ ભગવાન મહાવીરનો મૂળભૂત વિચાર મનમાં ઝબકે ત્યારે એની સીધી અસર વૃત્તિ પર થાય, વલણ પર થાય !
''હું અને મારૂં'' એક વિચારબીજ થયું. કલ્પના કરો, એ વિચારબીજનું ઝેરકોચલાંનું ઝાડ મોટું થાય, એને ફળો આવે, ત્યારે એની અસર પરિવાર, સમાજ અને છેવટે વ્યક્તિનાં પોતાનાં અંગત શાન્તિ અને સુખ પર કેવી થાય ? આવા વિચારોની અસર કે ફળો જોવા દૂર જવાની જરૂર નથી, આપણી આજુબાજુમાં જ જોઈ શકાય છે.
અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, શાળાઓ, અન્ય નજરે દેખી શકાય એવી પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે, પણ વૃત્તિ પર તો વિચાર જ અસર કરે, જે લાંબે ગાળે ખુલતી - લોટરી છે, જે નોળવેલ છે, જીવનમાં કોઈ ક્ષણે તમારી આન્તરિક સ્વસ્થતા માટે ચમત્કાર સર્જે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iX0F5Un
ConversionConversion EmoticonEmoticon