શ્રી રામકૃષ્ણદેવની ચિંતનસભર વાતો..


- વિશ્વને સ્વામી  વિવેકાનંદ આપનાર શ્રી રામકૃષ્ણ પરમહંસ

વં દન કરો એ યુગપુરુષ શ્રીરામકૃષ્ણદેવને કે જેમણે દીવાદાંડીરૂપ બની જગતને સન્માર્ગ બતાવ્યો છે. તેઓ આત્મજ્ઞાાની પુરુષ હતા. તેની ચિંતનસભર વાતો અહીં પ્રસ્તુત છે. 

શ્રીરામકૃષ્ણદેવ પૂજા પહેલાં દરરોજ ખૂબ મનોયોગથી પોતાનો લોટો માંજયા કરતા હતા. એકવાર તેમના શિષ્યોએ તેમને આ બાબતમાં પૂછયું તો રામકૃષ્ણદેવે કહ્યું: 'આ લોટાને સાફ કરતાં કરતાં હું મારા મનને સાફ કરવાની વાત યાદ કરું છું. આ લોટો તો માત્ર પ્રતીક છે. પરંતુ જે દશા આની છે તે જ આપણા અંતર્મનની છે. આ સંસારમાં રહેતાં મન પર કુસંસ્કારોનો પ્રભાવ પડે છે અને તે પણ લોટાની જેમ મેલું થઈ જાય છે. એટલે આપણે દરરોજ સદ્વિચારોથી આપણા અંતર્મનને પણ માંજતા રહેવું જોઈએ. જેથી મન પર કુસંસ્કારરૂપી મેલ ટકવા ન પામે.

એકવાર શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વરની કાલીને જનોઈ પહેરાવી દીધી. બધા પૂજારી ભડક્યા: 'કાલી મહિલા છે. તેને શા માટે જનોઈ પહેરાવી ?' શ્રી રામકૃષ્ણ બોલ્યા: 'કાલી, મહિલા ક્યારથી થઈ ગઈ ? પરમાત્મા તો નારી અને નરથી પર છે. એ તો શક્તિ છે.' એક દિવસ તેઓ સ્વામી વિવેકાનંદને કાલી પાસે લઈ આવ્યા. તેમણે કાલીના નાક પાસે તેનો હાથ રખાવીને કહ્યું: ' જો, જાગૃત, જીવંત મા છે. શ્વાસ ચાલે છે ને ?' સ્વામીજીએ જોયું તો તે સાક્ષાત્ મા હતી અને તેના શ્વાસ ચાલી રહ્યા હતા. શ્રી રામકૃષ્ણની ભક્તિએ પથ્થરની મૂર્તિમાં ભગવાન પ્રગટ કરાવી દીધા.

એક દિવસ શ્રીરામકૃષ્ણેદેવે પત્ની શારદામણિ દેવીને પ્રશ્ન કર્યો: ' શું તમે મને ગૃહસ્થીની ગાડીમાં જોડવા આવ્યાં છો ?' ત્યારે શારદામાએ કહ્યું: ના, હું આપના ઇષ્ટ માર્ગ પર વધવામાં આપને સહાયતા કરવા આવી છું. આપની સેવા કરવા આવી છું.' એકવાર શ્રીમાએ પણ તેમને પૂછયું:' તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો ? તેમણે પણ કહ્યું: ' જે મા મંદિરમાં બેઠેલી છે તેણે જ આ શરીરને જન્મ આપ્યો છે અને આ સમયે નોબતખાનામાં પણ એ જ છે, તે જ અત્યારે મારા પગ દબાવી રહી છે. હું સાક્ષાત્ આનંદમયી માતૃસત્તા રૂપે તમને જોઉં છું.'

એક દિવસ એક ધનાઢય માણસ શ્રી રામકૃષ્ણદેવને એક હજાર સોનામહોરો ભેટ આપવા આવ્યો. તેની સોનામહોરો જોઈને રામકૃષ્ણ જોરથી હસી પડયા અને બોલ્યા: ' જાઓ આ તમારો કચરો ગંગામાં ફેંકી આવો.' ઘણીવાર સુધી તે પાછો ન આવ્યો ત્યારે દેવ પોતે તેને જોવા ગંગાકાંઠે ગયા. તેમણે જોયું કે તે માણસ એક એક કરીને એ સોનામહોરો ગંગામાં ફેંકી રહ્યો હતો. તેની આ દશા જોઈ શ્રીરામકૃષ્ણ દેવે કહ્યું: ' જે પહોંચવા માટે તું નકામાં દશ હજાર પગલાં ઉપાડી રહ્યો છે.' વાત સત્યની સમજ અને અનુભૂતિની છે. કારણકે અજ્ઞાાન જ્યાં દશ હજાર પગલામાં પણ નથી પહોંચતું ત્યાં જ્ઞાાન એક જ પગલામાં પહોંચી જાય છે.'

શ્રી રામકૃષ્ણદેવ લોકોને ઉપદેશ આપતાં કહેતા: 'પુત્ર નથી, ધન નથી, સ્વાસ્થ્ય નથી. જેવાં રોદણાં રડતા ઘણા લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યે જ એવા વિરલા જોવા મળશે કે જે રોદણાં રડતા હોય કે 'પ્રકાશ નથી ભગવાન નથી સત્કર્મ નથી.' જો આને માટે લોકો રડવા લાગે તો એમને કોઈ વાતની કમી ન રહે. જે સંસારત્યાગી છે એ તો ઇશ્વરને યાદ કરે જ. તેમાં બહાદુરી શી ? પરંતુ સંસારમાં રહેવા છતાં જે ઇશ્વરનું સ્મરણ કરે એ જ ધન્ય. એ વ્યક્તિ વીસ મણનો પથ્થર માથે ઉઠાવીને વરઘોડો જુએ છે.'

- કનૈયાલાલ રાવલ 

(૧૮૩૬-૧૮૮૬)

રામકૃષ્ઁણ પરમહંસ જયંતિ

નરેન્દ્ર નામના યુવકને શ્રી રામકૃષ્ણનો સ્પર્શ થયો અને મહાન વિભુતી સ્વામી વિવેકાનંદ બની ગયા. બંગાળના કામારપુર ગામે ધર્મનિષ્ઠ બ્રામણ કુળમાં શ્રી રામ કૃષ્ણનો જન્મ થયો. કોલકાતામાં દક્ષિણશ્વરના કાલીમાતાના મંદિરના પુજારી થયા. મુર્તિમાં શ્રધ્ધા એટલી વધી કે તમને આત્મબલીની તૈયારી કરવાનો વિચાર આવ્યો. શ્રધ્ધા અને આસ્થાથી માતા કાલીએ તત્કાલ સાક્ષાત પ્રકટ થઈ દર્શન આપ્યા તેમને સંસારમાં નાખવા પરિવારે સમઝાવી દીધા પણ પત્ની શારદામણિદેવીને ભક્તિ દ્વારા સમજાવી દીધા. પોતાની ભક્તિનો પરિચય આપ્યો.

રામકૃષ્ણ મિશનની તેમણે સ્થાપના કરી. ધર્મ અને સેવાની સુવાસ આ મિશન દ્વારા ફેલાવી. અંતે ગંગાનદીમાં સમાધિ લઈ દેહત્યાગ કર્યો.

-બંસીલાલ જી. શાહ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xfvz9Cu
Previous
Next Post »