- યાત્રાધામ આમલકી એકાદશીની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી
- 7 રંગોની રસછોળો ઉડાડી ધૂળેટીના વધામણાં કરાયા : મંજૂરી ન મળવાથી વર્ષોથી ગજરાજ પર નીકળતી શ્રીજીની સવારી મોકૂફ રખાઇ
નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ધમધમાટ વચ્ચે તા.૧૪મી માર્ચને સોમવારના રોજ ફાગણ સુદ એકાદસીના દિવસે શ્રીરણછોડરાયજીના મંદિરમાં આમલકી એકાદશીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.સાંજે ઉત્પાથન આરતી બાદ પાંચ વાગ્યાના સુમારે સપ્તરંગી રસછોડ ઉડાડી સૌપ્રથમ વખત સોનાની પાલખી ઉપર શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી.ભક્તોએ સાત રંગોની રસછોળો વચ્ચે ધૂળેટીના વધામણાં કર્યા હતા. મામલતદારની મંજૂરી ન મળવાથી વર્ષોથી પરંપરાગત ગજરાજ પર નીકળતી શ્રીજીની શાહી સવારી આ વર્ષે રદ ક રવામાં આવી છે. આજથી ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો આરંભ થયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. બે વર્ષ બાદ ઉજવાઇ રહેલ આ અગિયારસ નિમિત્તે શ્રીજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
ડાકોરના મંદિરમાં આમલી અગિયાસરના પર્વનું અનેરુ મહાત્મય છે. સવારથી મંદિરમાં શ્રીજી સમક્ષ દરેક ભોગ બાદ અબીલ-ગુલાલની રસછોળો અને પીચકારીમાં કેસૂડાના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વૈષ્ણવ સમુદાયમાં આમલકી એકાદશી ધામધુમથી ઉજવવામાં છે. ડાકોરના શ્રીરણછોડરાયજી મહારાજના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અનુસાર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રીજીને વિવિધ આભૂષણોના સુંદર શણગાર સજવામાં આવ્યા હતા. સવારે ત્રણ ભોગ ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવી હતી. આ વખતે પિચકારીમાં કેસૂડાના જળ ભરી શ્રીજી સન્મુખ તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ અબીલ-ગુલાલ સાથે સાત રંગોની રસછોળો ઉડાડી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગે ઉત્પાથન આરતી બાદ ગોપાલલાલજી મહારાજને સુંદર શણગાર કરી નિજ મંદિરથી બહાર લાવવામાં આવ્યા હતા. જ્યાં વૈષ્ણવો દ્વારા બનાવવામાં આવેલ કુંજમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને તેમને સપ્ત રંગોથી રંગવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીજીને સોનાની પાલખીમાં ઢોલ-નગારા અને બંસરીની ધૂન વચ્ચે વાજતેગાજતે શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી.
આજ્ઞા માળા ધારણ કરાવી ગોપાલલાલજીને પાલખીમાં બેસાડી સવારી લાલબાગ પહોંચી હતી. જ્યાં રંગોની રસછોળો ઉડાડી હોળીના લોકગીતોની રમઝટ વચ્ચે ધૂળેટીના વધામણાં કરવામાં આવ્યા હતા. રાત્રે આ સવારી મહાલક્ષ્મી માતાના મંદિર પહોંચી હતી. જ્યાં શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી. એ પછી વાજતેગાજતે આ સવારી નિજમંદિર પરત આવી હતી. આમલકી અગિયારસના આ વરઘોડાનું મહત્વ એ છે કે સવારીમાં જોડાયેલા યુવકો દ્વારા અબીલ-ગુલાલની છોળો ઉડાડવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ શોભાયાત્રામાં હજારો ભક્તો અને અગિયારસવાળા નેમધારીઓ ઉમટી પડયા હતા. અને તે પણ ઠાકોરજીની સાથે સાથે હોળીના અબીલ ગુલાલના રંગોથી રંગાયા હતા. વ્રજમાં ભગવાન હોળી રમ્યા હતા. આ પ્રસંગને યાદ કરી ભક્તિરસની હેલી વચ્ચે લોકોએ આજે અબીલ ગુલાલ અને કેસૂડાના પાણીએ રંગાઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ફાગણી પૂનમનો મહાઉત્સવ હવે નજીકમાં છે ત્યારે સોમવારે રાત્રે આ ઉત્સવ સંપન્ન થયા બાદ ફાગણી પૂનમની ઉજવણીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ થશે. ડાકોર મંદિરમાં આમ તો વસંત પંચમીના ઉત્સવથી શ્રીજી સન્મુખ સવારે શણગાર ભોગ બાદ રંગોનો છંટકાવ કરવામાં આવે છે.
કોરોનાના કારણે ગજરાજ પર સવારીની મંજૂરી ન મળી
પરંપરાગત વર્ષોથી આમલકી અગિયારસના દિવસે શ્રીજીની ગજરાજ પર શાહી સવારી નીકળતી હતી. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મામલતદારની મંજૂરી ન મળી હોવાથી રણછોડરાયજીને સોનાની પાલખીમાં બેસાડીને સવારી કાઢવામાં આવી હતી.
ભગવાને સોનાની પીચકારીથી કેસૂડાના જળ અને ગુલાબજળથી ભક્તો સાથે રંગોત્સવ મનાવ્યો
ડાકોરના ઠાકોર આજે સોનાની પાલખીમાં નગરચર્યા કરવા નીકળ્યા ત્યારે ડાકોરના માર્ગો ભગવાનના દર્શન માટે ભક્તોથી હકડેઠાઠ બન્યા હતા. ગોપાલલાલજીને પાંચ વાગે નિજ મંદિરમાંથી બહાર લાવી વૈષ્ણવો દ્વારા બનાવવામાં આવેલા કુંજમાં બિરાજમાન કરાયા હતા. ત્યારબાદ ભગવાનની સવારી લાલબાગમાં લઇ ગયા હતા. જ્યાં ભગવાને સોનાની પીચકારીથી કેસૂડાના જળ અને ગુલાબજળથી ભક્તો સાથે રંગોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ભગવાનને ખજૂર ધાણીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.રાત્રીના ૯ કલાકે ભગવાન લક્ષામીજી મંદિરે થઇને પરત નિજમંદિર બિરાજ્યા હતા. જ્યાં લાલજીની ઇંડીપીડીથી નજર ઉતારવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7B6MmJu
ConversionConversion EmoticonEmoticon