નડિયાદના જવાહરનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી


- આગમાં ઘરવખરી સહિતનો સામાન ખાખ થયો

- ફાયર બ્રિગેડના લાશ્કરોએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

નડિયાદ : નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલ જયમહારાજ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આજે અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. મકાનના  પહેલા માળે આગ લાગતા ઘરના સદસ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. નડિયાદ ફાયર બ્રીગેડને જાણ કરતા ટીમે સત્વરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબેન કોઇ જાનહાની થઇ ન હતી. 

નડિયાદ કપડવંજ રોડ પર એસ.ટી.નગર નજીક જય મહારાજ સોસાયટીમાં દિલીપભાઇ સોનીનું મકાન આવેલું છે. આ મકાનમાં રવિવારે સવારે દસેક વાગ્યાના સુમારે અચાનક મકાનમાં ઉપરના માળે આગે દેખાતા સ્થાનિક લોકોએ આગ આગની બૂમાબૂમ કરી મૂકી હતી. આ આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી તેમજ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતાં નડીઆદ ફાયર બ્રિગેડની ટીમ મીની ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી બે કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ આગ લાગતાં કપડાં, ઘરવખરી તેમજ તિજોરી સળગી જતાં ભારે નુક્સાન થયું હતું. આ આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/j2BqU8T
Previous
Next Post »