- 'જે કંઈ થયું એ માટે હું પોતે જ જવાબદાર છું. મારી નશાની કુટેવને લીધે લોકો મારી સાથે કામ કરવા નહોતા ઇચ્છતા, પરંતુ મારે એક્ટર તરીકે મારી ઓળખ બનાવવી હતી એટલે હું સંઘર્ષ કરવા મચી પડયો
સંજય દત્ત અને પ્રતીક બબ્બર વચ્ચે એક સામ્ય છે. આ બંને એકટરો શરાબ અને ડ્રગ્સના લાંબો સમય બંધાણી રહ્યા હતા. એને લીધે એમનું કરિયર ખાડે ગયું હતું, પરંતુ નશાની લતમાંથી એકવાર બહાર આવ્યા બાદ એમણે પાછુ વળીને જોયું નથી. બંનેને લોકો માનની નજરે જોતા થઈ ગયા. દત્ત તો સાઠી નજીક પહોંચી ગયો હોવાથી કરેક્ટર રોલ કરતો થઈ ગયો છે, પણ પ્રતીક હજુ યુવાન હોવાથી એ નવા પડકારો ઝીલવા થનગની રહ્યો છે.
૨૦૦૮ માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી ડેબ્યુ કરનાર પ્રતીક બબ્બરને બોલીવૂડમાં ૧૮ વરસ થઈ ગયા. થોડીક ફિલ્મોમાં કર્યા બાદ એ ગુમનામીમાં ધકેલાઈ ગયો. સેકન્ડ ઇનિંગ શરૂ કર્યા બાદ પ્રતીકને છેલ્લા પાંચ વર્ષના પોતાના કામની સંતોષ છે. આ સમયગાળામાં એણે મુલ્ક, બાગી-૨ અને છિછોરે જેવી સરસ ફિલ્મો કરી પોતાની કરિયરને નવી દિશા આપી છે. આજે એની પાસે 'બચ્ચન પાંડે', 'ઇન્ડિયા', 'લોકડાઉન' અને 'વો લડકી હૈ કહાં' જેવા મોટા પ્રોજેક્ટ છે. સવાલ એ છે કે ૧૪ વરસની કારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોયા બાદ બબ્બર કયા આધારે પોઝિટીવ રહીને પુનરાગમન કરી શક્યો?- એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રતીક પોતાના જીવનના મુશ્કેલ તબક્કા વિશે વાત કરતા કહે છે, 'સખત પરિશ્રમ, સારુ કામ કરવાની ભૂખ, પેશન અને અભિનય પ્રત્યેના પ્રેમને લીધે હું ટકી રહ્યો. હું એક કપરા ચક્રમાંથી પસાર થયો છું. એ દરમિયાન લોકોએ ઘણીવાર મને રિજેક્ટ કર્યો, મેં ઘણાં દરવાજા ખખડાવ્યા પણ રિસ્પોન્સ ન મળ્યો અને થોડા વરસો પૈસા લીધા વિના કામ પણ કર્યું. એકલા હાથે ઝઝુમીને મેં લોકોને ખાતરી કરાવી કે હું હજુ ઇન્ડસ્ટ્રીમાં જ છું અને એક દિવસ પોતાને સારો એક્ટર પુરવાર કરીને રહીશ.'
પોતાના કરિયરમાં આવેલી પડતી માટે પ્રતીક કોને જવાબદાર માને છે?- સ્મિતા પાટીલ અને રાજ બબ્બરનો પુત્ર નિખાલસતા દાખવીને કહે છે, 'જે કંઈ થયું એ માટે હું પોતે જ જવાબદાર છું. એમાં કોઈનો દોષ નથી. મારી નશાની કુટેવને લીધે લોકો મારી સાથે કામ કરવા નહોતા ઇચ્છતા, પરંતુ મારે એક્ટર તરીકે મારી ઓળક બનાવવી હતી એટલે હું સંઘર્ષ કરવા મચી પડયો. હું સ્મિતા પાટીલ જેવી મહાન અદાકારાનો ખરા અર્થમાં પુત્ર બની એનો વારસો જાળવવા માગતો હતો. મને અભિનય પ્રત્યે લગાવ છે અને એમાં હું મારી જાત રેડતો થયો છું. એટલે લોકો પાસે હવે એની નોંધ લીધા વિના બીજો કોઈ પર્યાય નથી. મારી મમ્મી ઉપર બેઠી બેઠી મને જુએ છે અને મને રસ્તો દેખાડે છે.
આજે હું મારી જાતને સુધારી એક નવી જ વ્યક્તિ બની ગયો છું. હવે હું એવો એક્ટર છું જેની સાથે કામ કરવું કોઈને પણ ગમે. હું ક્રિકેટના ખેલાડીની જેમ ૧૦૦ ટકા ટીમ પ્લેયર બની ગયો છું.'
પોતાના અભિનયને નવો નિખાર આપી ઊંચાઈ પર લઈ જવા પ્રતીકે કેવી કેવી મથામણ કરવી પડી? - બબ્બરના ચહેરા પર આત્મવિશ્વાસનું આછું સ્મિત આવી જાય છે, 'આપ માનોગે નહીં કે મૈંને અપની સ્કીલ્સ કો ઇમ્પ્રુવ કરને કે લિયે કી મૈં ભી કામ કિયા. બે વરસ નાટકોમાં કામ કર્યું અને એક્ટિંગ કોચ જેફ ગોલ્ડબર્ગ પાસે લાંબા ગાળાની ટ્રેનિંગ લઈ મેથડ એક્ટિંગ પણ શીખી. મેં રાત-દિવસ નોન-સ્ટોપ કામ કર્યું છે અને એને લીધે હું ઇન્ડસ્ટ્રીમાં પાચો ફર્યો એની ખુશી છે. હું નિષ્ફળતાની જેમ હું મારી સફળતા માટે પણ મારા સિવાય બીજા કોઈને શ્રેય નહિ આપું. આ પાંચ વર્ષમાં મારા પિતા, મિત્રો કે ફેમિલી મેમ્બર્સમાંથી કોઈને મને કામ અપાવવા ફોન નથી કર્યા. મેં જાતે જ લોકોને મળી ઓડિશનો આપ્યા છે.
'છિછોરે' જાહેરાત થઈ ત્યારે મેં નિતેશ તિવારીને સામેથી ફોન કરી મારું ઓડિશન લેવા કહ્યું હતું. મેં બે પાત્રો માટે ઓડિશન આપ્યા અને એમને બંનેમાં મારું પરફોર્મન્સ ગમ્યું. એટલે એમણે મને બેમાંથી કોઈ એક રોલ પસંદ કરવાની છુટ આપી હતી. મારા છેલ્લા પાંચ વરસ સારા રહ્યા, પણ મારા કરિયરનો બેસ્ટ ફેઝ હજુ આવવાનો બાકી છે. બસ, મને હવે એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારું ભાવિ ઉજ્જવળ છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/17tfpJ3
ConversionConversion EmoticonEmoticon