ડાકોર રણછોડમય : ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટયા



- મેળાના પ્રથમ દિવસે ઇતિહાસમાં પ્રથમ વખત બપોર બાદ યાત્રાધામના રસ્તા સૂમસામ જોવા મળ્યા

- આખી રાત આડબંધોમાં વીતાવ્યા બાદ વહેલી સવારે મંગળા આરતીથી માંડીને બપોર સુધી અલૌકિક દર્શનની ઝાંખી માટે અભૂતપૂર્વ ધસારો

નડિયાદ

યાત્રાધામ ડાકોરના રાજા રણછોડજીનો ફાગણ સુદી પૂર્ણિમાનો ઐતિહાસિક મળો આજે ભરાયો હતો.આ અવસરે  પદયાત્રી શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. જેને કારણે અમદાવાદથી ડાકોરનો મુખ્ય માર્ગ અને ડાકોર નગર રણછોડમય બન્યું હતું.વહેલી સવારે ૪.૪૫ વાગ્યે મંગળા આરતી ટાણે રાજા રણછોડના દર્શન માટે  શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ધસારો થયો                      હતો. સવારથી ે દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. વિવિધ સંઘોમાં આવેલા યાત્રાળુઓ  સવારે શણગાર આરતી અને ત્યારબાદના સમયગાળામાં દર્શન માટે   ઉમટયા  હતા. પૂનમના દિવસો દરમ્યાન અંદાજે  સાડા ત્રણ લાખ ઉપરાંત શ્રધ્ધાળુઓએ  ભગવાન જગન્નાથના દર્શન માટે શિષ નમાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. બે વર્ષના લાંબા અંતરાય પછી ફાગણી પૂનમે શ્રીજીના દર્શનના આતુર ભક્તોે સંતોષ અને આનંદથી દર્શન કર્યા હતા. અમદાવાદ તરફથી જ  અઢી લાખ ભક્તોનું ડાકોરમાં આગમન થયું હોવાનો એક અંદાજ  છે. જો કે સાંજે પાંચ વાગ્યા બાદ અમદાવાદ તરફથી આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર કમીટી દ્વારા ઠાકોરજીના દર્શન ૫ કલાક વધુ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ગોમતી ઘાટ પર સવારના સમયે  અચાનક ગાયો આવી જવાથી થોડા  સમય માટે નાસભાગ મચી હતી.

ગુજરાતભરમાંથી રણછોડ રાયના દર્શન માટે ફાગણી પૂનમે શ્રધ્ધાળુઓનો મહેરામણ ડાકોરખાતે ઉમટયો હતો. પૂનમની આગલી રાતથી જ મંદિરને જોડતા માર્ગો પરના ૪૩ જેટલા આડબંધોમાં શ્રધ્ધાળુઓનો જમાવડો થવા લાગ્યો હતો. જેને લઈ સવાર થતા સુધીમાં તો મંદિરથી લઈ છેક વલ્લભનિવાસ સુધીના આડબંધો દર્શનાર્થીઓના રસાલાથી ઉભરાઇ ગયા હતા. ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તેમજ જય રણછોડ, માખણચોરના નાદ સાથે  રાત આડબંધોમાં વીતાવ્યા બાદ વહેલી સવારે પોણા પાંચ વાગ્યે મંગળાઆરતી વખતે જેવા મંદિરના દ્વાર ખુલ્યા તે સાથે જ દર્શન માટે ઘુમ્મટમાં ધસારો થયો હતો. રણછોડરાય મંદિરે ભગવાનને મંગળા સમયે કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. આજે હોળીનો ઉત્સવ હોવાથી શ્રીજીને વસ્ત્રો સાથે માળા, બાજુબંધ, મુરલી, છડી, મુગટ,હાઇડાનો હાર તથા તિલક સહિતના કિમતી આભૂષણોના સુંદર શણવાર સજવામાં આવ્યા હતા. રંગોના અવસર ટાણે શ્રીજીએ પિચકારી પણ ધારણ કરી હતી. સવારે ૮ વાગ્યાની આસસપાસ ત્રણ ભોગ પછીના દર્શન ખુલ્યા બાદ પિચકારીમાંથી કેસૂડાના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અબીલ-ગુલાલ સાથે સપ્ત રંગોથી રંગોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે શ્રીજી સન્મુખ આ લ્હાવો મળતા શ્રધ્ધાળુઓ હરખઘેલા બન્યા હતા. આજે દિવસભર મંદિરમાંથી અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં  આવ્યો હતો. ફાગણી પૂનમના આ અલૌકિક પ્રસંગે અમદાવાદ, વડોદરા તથા ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં મહેરામણ ઉમટયો હતો. જેઓ નગરની વિવિધ ધર્મંશાળાઓમાં ઉતારો લીધો હતો, તો ઘણાં સંઘોએ તો નગરના માર્ગો પર જ્યાં પણ જગ્યા મળી ત્યાં રાત  વીતાવી દીધી હતી.  આજે સવારે શ્રૂંગાર આરતી અને ત્યારબાદ આખા દિવસ દરમ્યાન  ધજા લઈને  સંઘોમાં આવેલા યાત્રાળુઓનો દર્શન માટે ધસારો રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી  ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર મંદિરમાં  દર્શનાર્થીઓનો ધસારો ચાલી રહ્યો છે. બે વર્ષે ફાગણી પૂનમ અને હોળી નો લોકમેળો યોજાયો હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ડાકોરખાતે બિરાજમાન રાજા રણછોડજીના દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. પૂનમના આ દિવસો દરમ્યાન છ લાખ ઉપરાંત ભાવિકોએ  દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ  કર્યો હતો.  ફક્ત સવારે ૧૧ વાગ્યા સુધીમાં જ ૩ લાખ ભક્તોનું ડાકોરમાં આગમન થઇ ચૂક્યુ ંહતું. ફાગણી પૂનમના આ અવસરે માત્ર મંદિર પરિસર જ નહીં પણ આખા નગરના માર્ગો ઉપર યાત્રિકોની ભીડ જોવા મળી હતી.  

હોળીના દિવસે પ્રથમવાર આઠ લાખ દર્શનાર્થીઓની ધારણા સામે માત્ર બે લાખ ભક્તો જ ઉમટયા

ડાકોરની ફાગણી પૂનમના મેળામાં ઇતિહાસમાં પહેલી વખત હોળી પૂનમના દિવસે બપોર પછી ડાકોરધામ ખાલીખમ થઇ ગયુ ંહતું. કોરોના કાળ પછી પહેલી વખત મોટાપાયે ભરાયેલો ડાકોર મેળો હોળીના દિવસે બપોર બાદ આશ્ચર્યજનક રીતે શાંત થઇ ગયો હતો. અને રોડ રસ્તાઓ તથા મંદિર પરિસર ખાલીખમ દિસતા હતા. સામાન્ય રીતે કોરોનાકાળ પહેલા ૮-૧૦ લાખ શ્રદ્ધાળુઓથી ઉભરાતુ ડાકોરમાં આ વર્ષે માત્ર સાડા ત્રણ લાખ શ્રધ્ધાળુઓ જ આવ્યા હતા. જો કે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર તો તેમાં ય બે લાખ સીત્તેર હજારનો જ આંકડો કહે છે. વળી ગત્ રાતથી શરુ થયેલો પદયાત્રીઓ અને રણછોડરાય ભક્તોનો પ્રવાહ આજે સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ ઝડપભેર પાછોવળી ગયો હતો. અને બપોરે ત્રણ વાગ્યા પછી તો જાણે લોકમેળો હોય જ નહીં તે રીતે ડાકોર ગામના અને બજારના રસ્તાઓ સૂમસામ બની ગયા હતા.

રખડતા પશુઓને કારણે યાત્રાળુઓમાં નાસભાગ મચી

આજે ફાગણી પૂનમે ડાકોરમાં સાડા ત્રણ  લાખથી વધુ  દર્શનાર્થે ઉમટયાં છે.ત્યારે ડાકોરમાં રખડતા પશુઓને કારણે સવારે નાસભાગ મચી હતી. ડાકોરના ઠાકોરના દર્શન બાદ ગોમતી તળાવમાં ન્હાવાની પરંપરા છે. આજે સવારે યાત્રિકો ગોમતી તળાવમાં સ્નાન કરી રહ્યા હતા તે સમયે કિનારે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. તે સમયે અચાનક ઘાટ પર બે ત્રણ ગાયો દોડતી આવી ચઢી હતી. જેને કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઇ હતી. કેટલાક દર્શનાર્થીઓ ગાયોની ધક્કે ચઢ્યા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની કે વાગવાની ઘટના બની ન હતી, પરંતુ પાલિકાના અણઘડ વહીવટ સામે આવ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. 

ઠાસરાથી ડાકોરના માર્ગે પ્લાસ્ટિકના કચરાનો ઢગ

ડાકોરના ફાગણી પૂનમના મેળામાં ચારેબાજુથી પદયાત્રિકો ઉમટી પડયા હતા. તેમાં ઠાસરા તાલુકાથી પણ અગણિત પદયાત્રિકો ડાકોર ઉમટી પડયા હતા. છેલ્લા ૪૮ કલાકથી જ આ રસ્તો યાત્રિકોથી ખૂબ જ ઉભરાયેલો રહ્યો હતો. પરંતુ ગુરૂવારે બપોર પછી આ રસ્તો અસહ્ય ગરમીને કારણે સુમસામ જોવા મળ્યો હતો. વિસામા, સેવાકેન્દ્રો વાળાએ તંબુ પડદા છોડી નાંખ્યા હતા. જેને કારણે રસ્તાની સાઇડોએ ઠેર ઠેર પ્લાસ્ટીકના ગ્લાસ જેવા કચરાના ઢેર જોવા મળ્યા હતા.  

ડાકોર મંદિરે ૧૬૦થી વધુ ધજા ચઢાવાઈ

ડાકોર મંદિરે ફાગણી પૂનમના મેળા દરમિયાન ગુરૂવાર સાંજ સુધીમાં ૧૬૦થી વધુ ધજા ચઢાવાઈ હતી. ફાગણી પૂનમના મેળામાં સમગ્ર ગુજરાતમાંથી વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘો ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડે છે. મંદિર કમિટીના જણાવ્યા પગપાળા સંઘો દ્વારા તથા અનેક શ્રદ્ધાળુઓ દ્વારા માનતાની ધજા ચઢાવવામાં આવે છે. 

દર્શનના સમયમાં વધારો કરાયો

ટેમ્પલ કમીટી દ્વારા આજે ફાગણી પૂનમ પર લાખોની સંખ્યામાં આવનાર યાત્રિકોને ધ્યાનમાં લઈ ફાગણ સુદ તેરસથી ફાગણ વદ પડવા સુધી શ્રીજીના દર્શનના સમયમાં ખાસ્સો વધારો ક્રાયો હતો. જેને કારણે યાત્રિકો એકંદરે સંતોષથી દર્શન કરી શક્યા હતા. મંદિરને જોડતા માર્ગો પર બેરીકેટ સિસ્ટમથી યાત્રિકોને મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા. એ પછી મંદિરમાં પગથિયા પર થઈ ઘુમ્મટમાં શ્રી હરિના દર્શન કર્યા બાદ સીધા ઉત્તર તરફના દરવાજેથી તેઓને બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી  હતી. જેને કારણે મંદિરમાં દાખલ થયા બાદ યાત્રિકો  દર્શન કરી સીધા મંદિરની બહાર નીકળી શકતા હતા. 

હોળીના દિવસે જ પહેરાવાતો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો

આજે ફાગણ સુદ પૂનમ ે ડાકોરના ઠાકોરને અન્ય  આભૂષણોની સાથે અંદાજે બે કિલોનો હાઇડાનો મોટો હાર પહેરાવવામાં આવ્યો હતો. ફક્ત હોળીના દિવસે જ પહેરાવવામાં આવતા હાઈડાના આ હારનો અનેરો મહિમા છે. ભક્તોએ શ્રીજીના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

માથાભારે વેપારીઓને પોલીસના ડંડાનો સ્વાદ ચાખવો પડયો 

શહેરના કંકુ દરવાજા પાસે કોઇપણ લારી પાથરણાવાળાએ ઉભા રહેવું નહીં એવી સ્પષ્ટ સૂચના વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી બહાર પાડવામાં આવી હતી. કારણ કે એ તરફથી સૌથી વધુ પદયાત્રીઓનો આવરો હોવાથી કાયદો વ્યવસ્થાની જાળવણી માટે આ સૂચના આપવામાં આવી હતી. આમ છતાં કેટલાંક વેપારીઓ પોલીસ તંત્રની સૂચનાઓને અવગણી લારીઓ લઇને ત્યાં ઉભા થઇ ગયા હતા.આથી તેઓને ખસેડવા પોલીસ અને વેપારીઓ વચ્ચે રકઝક જામી હતી. અને છેવટે પોલીસોએ બળજબરીનો ઉપયોગ કરી લારીપાથરણાવાળાઓને ખસેડયા હતા. આ માટે તેઓને પોલીસની લાકડીનો સ્વાદ પણ ચાખવો પડયો હતો.  જ્યારે એક બંગડી વાળા લારીવાળાની તો આખેઆખી લારી જ ઉંધી પાડી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. થોડીવાર માટે આખા વિસ્તારમાં વાતાવરણ ગંભીર બની ગયું હતું. પરંતુ છેવટે મામલો થાળે પડયો હતો. જો કે આ બાબતે પોલીસે બળજબરી કરી હોવાનો ઇન્કાર કર્યો છે અને કોઇ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી નથી.

ડાકોરના ગુજરી બજાર પાસે હંગામી બસ મથક ઉભું કરાયું 

ડાકોર મેળા માટે ૧૧ ડેપોમાંથી ૪૦૦થી વધુ એસટી બસ ફાળવાઈ

મહુધા ચોકડીથી ડાકોરને જોડતા માર્ગો પર બસોનો ખડકલો જોવા મળ્યો


ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળામાં જિલ્લાના અગિયાર ડેપોમાંથી ૩૦થી વધુ બસો ફાળવવામાં આવી છે.જ્યારે અન્ય બસો થઇ અંદાજે ૪૦૦ બસો ડાકોરના લોકમેળા માટે ફાળવવામાં આવી હતી.

જેના કારણે મહુધા ચોકડી થી ડાકોરને જોડતા માર્ગો પર બસોનો ખડકલો જોવા મળ્યો હતો. તો ડાકોર દર્શન કરી પરત ફરતા યાત્રિકો માટે પણ ડાકોરના ગુજરી બજાર પાસે હંગામી બસ મથક ઉભુ કરવામાં આવ્યુ ંહતુ.

ડાકોર ખાતે ે ચાલી રહેલ ફાગણી પૂનમના ત્રિ દિવસીય મેળા માટે વહીવટી તંત્ર દ્વારા પદયાત્રિકોની સુુવિધા માટે અને કોઇ પણ જાતની તકલીફો ન રહે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી હતી.જ્યારે એસ.ટી.તંત્ર દ્વારા સમગ્ર મેળા દરમિયાન જિલ્લાના ૧૧ ડેપોમાંથી ૪૦ અને અન્ય બસો થઇ ૪૦૦થી વધુ બસો ફાળવવામાં આવી હતી.દર્શન કરી પરત ઘરે ફરતા યાત્રિકો માટે ડાકોરમાં ગુજરી બજાર પાસે હંગામી બસ મથક ઉભુ કરવામાં આવ્યુ ંહતું. જ્યાં સતત સ્થળ પર જ બુકીંગ કરવામાં આવશે. જેને કારણે મુસાફરો સમયસર પોતાના ઘરે પહોંચી શકે. આ ઉપરાંત બસ સ્ટેન્ડની અંદર જ વિશાળ મંડપ, ખાવાપીવાની સુવિધા, આરામગૃહ, લાઇટ અને પાણીની સગવડ ઉભી કરવામાં આવી હતી.

શ્રીજી ભગવાનને સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી હિંડોળામાં ઝૂલાવાશે

આજે ડાકોરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે 

સોનાની પિચકારીથી કેસૂડાના જળ તથા અબીલ-ગુલાલ સાથે રંગોનો છંટકાવ કરાશે

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોરાયજી મંદિર ખાતે આજે  ફૂલડોળ એટલે કે ડોલોત્સવના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રીજીને સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી હિંડોળામાં ઝૂલાવવામાં આવશે, તેમજ સોનાની પિચકારીથી કેસૂડાના જળ તથા અબીલ-ગુલાલ સાથે વિવિધ રંગોનો છંટકાવ કરી  જય રણછોડ , માખણચોરના નાદ સાથે રંગોત્સવ ઉજવાશે. શ્રીજીને હિંડોળા પર બિરાજમાન કરાવ્યા બાદ બપોર સુધીમાં પાંચ ખેલ ખેલાશે, જેમાં દરેક ખેલ બાદ મોટા ટોપલામાં શ્રીજીને ધાણી, ચણા,ગોળ અને ખજૂર ધરાવ્યા બાદ બપોરે કપૂરની આરતી કરી પ્રસંગની પૂર્ણાહુતિ કરાશે. ફાગણીના પૂનમમાં સમયમાં ડાકોર શ્રીરણછોડરાયજી મંદિરમાં ઉજવાતા ડોલોત્સવના પ્રસંગનો અનેરો મહિમા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સવારે ૯ વાગ્યે ત્રણ  ભોગ ખુલી શ્રૂંગાર આરતી થયા બાદ  બાળ સ્વરૂપ શ્રીગોપાલલાલજી મહારાજને મંદિરમાં કીર્તનની જાળીમાં સુશોભિત કરાયેલા હિંડોળા પર બિરાજમાન કરાવી ઝૂલાવવામાં આવશે. આ પ્રસંગે કીર્તન કરવા સાથે રંગોત્સવ ઉજવવામાં આવશે. બપોરે ફુલડોળ પરથી ઉતારતી વખતે ચાંદીના ટાટમાં કપૂરની આરતી કરાશે. આ સમગ્ર પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહેરામણ  દર્શનનો લ્હાવો લેવા માટે  ઉમટી પડશે.    

ફૂલડોળ બાદ ડાકોરના ફાગણી પૂનમ મેળાનું સમાપન થશે

અમદાવાદ, વડોદરા સહિત અન્ય સ્થળોએથી ડાકોરખાતે સંઘમાં આવેલા યાત્રાળુઓ  ડાકોર ખાતે  દર્શનનો લ્હાવો લેવા માટે આવી પહોંચ્યા છે. જેઓ આજે ફૂલડોળ પ્રસંગે શ્રીજીના દર્શનના કરવા સાથે રંગોત્સવનું પર્વ મનાવશે.  અને ભક્તિરસમાં તરબોળ બની ધન્યતાનો અનુભવ કરશે. કાલે બપોરે ફુલડોળ બાદ ડાકોર મંદિરમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ફાગણી પૂનમના પ્રસંગનું સમાપન થશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZKCWIgL
Previous
Next Post »