- અંતર - રક્ષા શુક્લ
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે,
પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી ચહી રહે
ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવાદ
વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ
અકળ મૂંઝવણે.
એક રજકણ...
જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાયત
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાયત
ચકિત થઇ સૌ ઝાંખે
એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ...
- હરીન્દ્ર દવે
કવિ હરીન્દ્ર દવેનું આ ગીત કોણે ન સાંભળ્યું હોય ! દિલીપ ધોેળકિયાનું ઉત્તમ સ્વરાંકન. ગીતમાં લતાજીનો અદભુત સ્વર 'સોને પે સુહાગા'. લતાજી સરસ્વતીનો અવતાર હતા કે ઈશ્વરનો અવાજ હતા એ નક્કી કરવું મુશ્કેલ હતું. ગીતોના અર્થ હજુ સમજાતા પણ નહોતા ત્યારે પણ વહેલી સવારે રેડિયો સિલોનની લહેરો પર બેસીને લતાજીના મધમીઠા સૂર લોકોના કાનમાં પ્રવેશી સીધા હૃદયમાં ક્યારે અડ્ડો જમાવતા ગયા એ આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એ અવાજ સાથે, એ ગીતો સાથે એક જુદી જ નિસ્બતથી આપણે સૌ જોડાયા છીએ...ઝૂલ્યા છીએ તો ઝૂર્યા પણ છીએ, હસ્યા છીએ તો એની છાતીમાં ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડયા પણ છીએ, પ્રેમમાં પાગલ થઈ વરસ્યા પણ છીએ અને તરસ્યા પણ છીએ. જીવનના અનેક પાઠ શીખ્યા છીએ, થનગન થયા છીએ, ખીલ્યા છીએ, મૂરઝાયા છીએ, નીતર્યા છીએ, ભીંજાયા છીએ, સભર થયા છીએ તો નિચોવાયા પણ છીએ. તાદાત્મ્ય એટલું તીવ્ર અનુભવાયું કે એ શબ્દો અને સૂરમાં જાણે આપણી જ સંવેદનાઓ ઢળી હોય કે ધબકતી હોય ! માનવીય સંવેદનાઓનું કોઈ પાસું એવું નહીં હોય જે લતાજીના જાદૂઈ સ્વરો સ્પર્શ્યા ન હોય.
લતાજીએ સ્ટેજ પર પોતાનું પહેલું પર્ફાેમન્સ ૯ વર્ષની ઉમ્મરે પિતા સાથે આપ્યું હતું. શાીય ગાયક અને રંગમંચ અભિનેતા પિતા પંડિત દિનાનાથ મંગેશકરનું હૃદયરોગના કારણે અવસાન થયું ત્યારે લતાજી માત્ર ૧૩ વર્ષના હતા. નવયુગ ચિત્રપટ મૂવી કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયકે તેમની સંભાળ લીધી હતી. લતાને ગાયક અને અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરવામાં મદદ કરી. ૧૯૪૮માં વિનાયકના મૃત્યુ બાદ સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરે તેમને ગાયક તરીકે માર્ગદર્શન આપ્યું. લતાજીની પ્રતિભા પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવનાર ગુલામ હૈદર લતાજી માટે ગોડફાધર હતા. તેમણે લતાનો પરિચય નિર્માતા સશર મુખર્જી સાથે કરાવ્યો ત્યારે મુખર્જીએ લતાના અવાજને 'ખૂબ પાતળો' ગણાવ્યો હતો. નારાજ હૈદરે જવાબ આપ્યો હતો કે 'આગામી વર્ષાેમાં નિર્માતાઓ અને દિગ્દર્શકો 'લતાના પગમાં પડી જશેદ અને તેમની ફિલ્મોમાં ગાવા માટે 'વિનંતી' કરશે.'હૈદરે લતાને પ્રથમ મોટો બ્રેક ફિલ્મ મજબૂરથી આપ્યો. ફિલ્મ 'મજબૂરદનું ગીત સાંભળ્યા પછી લતાજીને કમાલ અમરોહીની ફિલ્મ 'મહલ' મળી જેમાં તેમણે 'આયેગા આના વાલાદ ગાયું અને એ પછી તેમને ફિલ્મોની અછત કદી ન પડી. લતાજીના ઘરમાં બહુ ગીતો સાંભળવાની મંજૂરી ન હતી. પરંતુ તેમણે પોતાને અતિ પ્રિય એવા જાણીતા ગાયક અને એક્ટર કે.એલ. સાયગલના ગીતો સાંભળવા માટે જ રેડિયો ખરીદ્યો હતો.
જ્યાં સુધી ફિલ્મોમાં યોગદાનની વાત કરીએ તો ૨૦૧૩માં ફિલ્મઉદ્યોગને ૧૦૦ વર્ષ પૂરા થતા હતા ત્યારે લતાજીએ કહેલું કે 'જો ફિલ્મઉદ્યોગને ૧૦૦ વર્ષ પૂરા થતા હોય તો તેમાં ૭૧ વર્ષ મારા પણ છે.' ભારતીય ફિલ્મસંગીતમાં સાત દાયકા સુધી ચાલેલી તેમની કારકિર્દીના યોગદાનને કારણે તેમને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સ્વર સામ્રાજ્ઞાી જેવા અનેક સન્માનજનક બિરુદ મળ્યા હતા જેમણે મુખ્યત્વે હિન્દી, બંગાળી અને મરાઠી સહિત ૩૬ થી વધુભારતીય અને કેટલીક વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. લતાજીએ પોતાનું અંતિમ ગીત ૩૦ માર્ચ, ૨૦૧૯ના રોજ લતા મંગેશકરે 'સૌગંધ મુઝે ઇઝ મિટ્ટી કી' ગીત રેકોર્ડ કર્યું હતું જેને મયુરેશ પાઈએ ભારતીય સેના અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ રૂપે કમ્પોઝ કર્યું હતું. એમ તો મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નમાં તેમણે જે ગાયત્રી મંત્રની રજૂઆત હતી એ પણ તેમનું છેલ્લું રેકોર્ડ થયેલું ગીત ગણાય છે.
The Show must go on કહેતા લતાજી જેવી અનેક હસ્તી વિદાય તો લે છે...પણ કોઈના જવાથી જે ખાલી જગ્યા પડે છે એનો વિકલ્પ ખરેખર ક્યાંય હોતો જ નથી. લતાજી વિશે વાત કરતા એક વાર પડિત જસરાજે કહ્યું હતું કે 'હું ક્યારેક વિચારું છું કે યાર, કમાલ છે. અમે એક શિષ્યને બોલાવીએ છીએ, એને શીખવવાની કોશિશ કરીએ છીએ. પણ અહીં લતાજી પાસેથી તો પૂરી દુનિયા આમ જ શીખતી રહે છે. ચાર પેઢીના ગુરુ બનવું એ કંઈ નાનીસુની વાત નથી.'જાણીતા મરાઠી લેખક પુ.લ. દેશપાંડેએ કહેલું કે '...મને જો કોઈ પૂછે કે 'આકાશમાં ભગવાન છે ?' તો હું કહીશ કે 'મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે આ આકાશમાં સૂર્ય છે, ચન્દ્ર છે અને લતાનો અવાજ છે.' એકવાર બડે ગુલામ અલી ખાન સાહેબે લતાજીની ગાયકી વિશે સરસ કહેલું કે 'કમબખ્ત, કભી બેસૂરી નહીં હોતી.' આટલા મોટા ગજાના કલાકારના આવા શબ્દોથી મોટું બહુમાન બીજું શું હોય શકે ! જો કે લતાજી પોતે પોતાના ગીતો કદી ન સાંભળતા. તેઓ કહેતા કે હું જો મારા ગીતો સાંભળીશ તો ખબર નહીં કેટલીય ખામીઓ કાઢીશ. લતાજીના ફેન લાખોની સંખ્યામાં છે. તેના ચાહકોને કોઈ સરહદ ક્યારેય નડી નથી. ચિત્રકાર એમ.એફ. હુસેન જેવા કોઈ ચિત્રકાર એવું કહે કે 'લતા લોકપ્રિય છે પણ મહાન નહીં' તો એ સૂર્ય સામે થૂંક ઉડાડવા જેવું લાગે. ગાયકીની દુનિયામાં લતાજીનો દબદબો જ નોખો હતો. ઘણા અવાજો યુગાંતરો સુધી ટકે છે, ગુંજે છે. એ સમયના કોઈ ચોક્કસ ટુકડામાં સંકેલાતા નથી. લતાજીએ બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર્સ સાથે કામ કરેલું છે. પરંતુ જેમની સાથે તેમનું વિશેષ જોડાણ હતું એ હતા મદન મોહન. તેમની સાથે લતાજીનો ખાસ સંબંધ હતો જે ભાઈ-બહેનનો હતો. ગુલઝાર કહે છે કે 'ફિલ્મ ખામોશીનું ગીત 'હમને દેખી હૈ ઇન આંખો કીદ મૂળ મેલ સિંગરને ધ્યાનમાં રાખી બનાવાયું હતું. પણ હેમંતદા ઈચ્છતા હતા કે એ ગીત લતા ગાય. ગુલઝારને ત્યારે આશ્ચર્ય થયેલું પણ એ ગીત એટલું ઉત્તમ સાબિત થયું કે એ લતાજી અને ગુલઝાર બંનેના બેસ્ટ ગીતોમાં સામેલ છે.
ગાયકી સિવાય લતાના વ્યક્તિત્વના બીજા ઘણા ઉજળા પાસા વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. લતાજી કહેતા કે 'દુનિયા નબળા માણસની બહુ ઉપેક્ષા કરે છે, એના સાથે દુર્વ્યવહાર કરે છે. હું હંમેશા જરૂરતમંદની મદદ કરવામાં માનુ છું.' લતાજી વ્યક્તિ તરીકે મહામાનવ હતા. સાદગીની મૂત સમા લતાજી ગાતી વખતે કદી પગમાં કશું ન પહેરતા. તેમના સંગીતમાં પણ એક શિસ્ત સામેલ હતી. ૧૯૯૯માં જ્યારે ભારત રત્ન લતાજીના સ્થાને પંડિત રવિશંકરને આપવામાં આવ્યો ત્યારે લતાજીના પ્રશંસકો ભડકી ઉઠયા. પરંતુ નિરાભિમાની લતાજીનો દૃષ્ટિકોણ સાફ હતો કે 'પંડિતજી ખૂબ મોટા કલાકાર છે. આ સન્માન એમને મળવું જ જોઈએ.' પંડિતજી પણ લતાજીનું ખૂબ સન્માન કરતા હતા. પંડિતજીએ સ્વરબદ્ધ કરેલા અને તેમના જ નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'અનુરાધા'ના લતાજીએ ગાયેલાં ગીતો આજે પણ બેમિસાલ મનાય છે. લતાજી પાસે સંખ્યાબંધ ગુજરાતી ગીતો ગવડાવનારા ગૌરાંગ વ્યાસને નક્કી કરેલા બજેટમાં અને નિયત અવધિમાં ફિલ્મ પુરી કરવાની હતી. લતાજી પાસે સમય ન હતો છતાં જ્યારે તેમણે લતાજીને તેમની તકલીફ વિશે વાત કરી ત્યારે લતાજીએ અન્ય એક સંગીતકારના હિન્દી ફિલ્મના રેકોડગને મોકૂફ રખાવ્યું અને ગૌરાંગભાઈનું ગીત પહેલા ગાઈ આપ્યું. સંગીતકાર પ્યારેલાલ માટે લતાજી ખરા અર્થમાં મા સમાન હતા. લતાજી વગર તેમની કામયાબીની કલ્પના પણ તેઓ કરી શકતા નથી. રાજ કપૂર કેમ્પમાં તેમની એન્ટ્રી પણ લતાજીની ભલામણથી થયેલી. લતાજી પાસે પહેલવહેલું ગુજરાતી ગીત ગવડાવવાનો યશ પુરુષોત્તમ ઉપાધ્યાયને મળ્યો હતો એ વાતને પુરુષોત્તમભાઈ પોતાનું પરમ સદભાગ્ય ગણે છે. પુરુષોત્તમભાઈએ સ્વરબદ્ધ કરેલું અને નારી સંવેદનાને અદભુત રીતે વર્ણવતું લતાજીએ ગાયેલું એ પ્રથમ ગુજરાતી ગીત એટલે કવિ ભાસ્કર વ્હોરાની રચના 'હૈયાંને દરબાર'. લતાના અવાજમાં આપણને લાધેલી આવી સુંદર અને કર્ણપ્રિય રચના ખરેખર, આપણા ગુજરાતી સુગમ સંગીતની મોંઘી મિરાત છે. નવોદિતોનો આત્મવિશ્વાસ ટકી રહે એ માટે લતાજી ખૂબ પ્રોત્સાહન આપતા. સામેવાળા કોઈ લઘુતાગ્રંથિ ન અનુભવે એટલે પોતે ટોચના ગાયિકા છે એવું મહેસુસ પણ ન થવા દેતા. વળી એમની હ્યુમર પણ જબરદસ્ત હતી. ઘણા કલાકારોની હુબહુ મિમિક્રી કરીને એ સૌને હસાવતાં. એક સમય હતો જ્યારે માત્ર મ્યુઝિક કમ્પોઝરને જ રોયલ્ટી મળતી પણ એ લતાજી જ હતા જેમણે ગાયકોને રોયલ્ટી મળે એવા વેલ્યુ સેટ કરાવ્યા.
લતાજીનો 'આનંદ'નદ નામના સંગીત નિર્દેશક સાથેનો ઘણો નજીકનો સંબંધ. આનંદ'ને ૬૦ ના દાયકામાં ૪ મરાઠી ફિલ્મોમાં સંગીત નિર્દેશન કર્યું. આ બીજું કોઈ નહીં પણ લતાજી જ હતા જે નામ બદલીને સંગીત આપતા હતા. મરાઠી ફિલ્મ 'સાધી માનસ'ને સર્વશ્રે સંગીતનો પુરસ્કાર મળ્યો હતો પરંતુ લતાજી પોતાની સીટ પર શાંત બેસી રહ્યા પણ પછીથી સૌને જાણ થઈ કે એ સંગીત નિર્દેશક આનંદ'ન લતાજી પોતે જ હતા.
નસરીન મુન્નીએ લતાજી પર લખેલા પુસ્તકમાં લતાજી એક ગીતના રેકોડગની વાત કરતા જણાવે છે કે '૧૯૬૨માં એક મહિનો હું બિમાર રહી હતી. મારા પેટનો એક્ષરે લેતા ખબર પડી કે મને ધીમું ઝેર અપાયું હતું જે અમારા જ ઘરમાં રસોઈ બનાવતા એક નોકરે આપ્યું હતું. એ નોકર પછી એ જ દિવસે પૈસા લીધા વગર ભાગી ગયો હતો. એ સમયે હું ૩ મહિના પથારીમાં રહી. ત્યારે મજરૂહ સાહેબે ખૂબ મદદ કરેલી. તેઓ રોજ સાંજે ઘરે આવતા અને જે લતાજી ખાતા એ જ તેઓ પણ ખાતા.' સફળતાની બુલંદીઓને સ્પર્શતા લતાજીએ કરેલો સંઘર્ષ પણ તેમની સિદ્ધિઓ તેટલો જ પ્રેરણાદાયી છે. લતાજીએ પોતાની કારકિર્દીમાં કેટલાયે એવોર્ડ જીત્યા છે. પણ મજાની વાત એ છે કે ૧૯૫૮ સુધી ફિલ્મફેર એવોર્ડમાં સર્વશ્રે ગાયક માટેનો એવોર્ડ સામેલ નહોતો. ૧૯૫૭માં જ્યારે શંકર જયકિશનને સર્વશ્રે સંગીત નિર્દેશકનો એવોર્ડ મળવાનો હતો ત્યારે તેઓ લતાજી પાસે આવ્યા અને એવોર્ડ સમારોહમાં ગાવા માટે કહ્યું. પણ લતાજીએ કહ્યું કે 'ના, હું ફિલ્મફેરમાં નહીં ગાઉં. પુરસ્કાર સર્વશ્રે નિર્દેશકને મળવાનો છે, મને નહીં. તેઓ સર્વશ્રે ગાયક કે ગીતકારને પુરસ્કાર નથી આપી રહ્યા. હું ફીલ્મફેરમાં ત્યાં સુધી નહીં ગાઉં જ્યાં સુધી તેઓ સર્વશ્રે પાર્શ્વગાયક અને ગીતકારને પણ પુરસ્કાર ઘોષિત ન કરે.' એ પછી ૧૯૫૯માં ફિલ્મ 'મધુમતી'ના ગોત 'આજા રે પરદેશી' માટે પહેલો એવોર્ડ લતાજીના ફાળે જ હતો.
નહેરુજી સાથેનો કિસ્સો તો સહુ જાણે છે. 'એ મેરે વતન કે લોગો'ગાયા પછી નિર્દેશક મહેબુબ ખાન લતાજી પાસે આવ્યા અને તેણે નહેરુજી પાસે લઇ ગયા ત્યારે નહેરુજીએ કહ્યું કે 'તેં તો મને રડાવી દીધોે'. લતાના ગીતોની ખૂબીઓ વિશે વાત કરવી ખરેખર મુશ્કેલ છે. ગીતોમાં ભાવ સાથે એક નજાકત વણી લેવામાં લતાજી માહિર હતા. જેમ કે ફિલ્મ 'બંદિની'ના ગીત 'મોરા ગોરા અંગ લેઈ લોદમાં પરોવાયેલી એક અલ્લડ યુવતીની મસ્તી આપણને પણ યુવાન બનાવી દે છે તો 'જોગી જબ સે તું આયા મેરે દ્વારે' ગીતથી નાયિકાના દિલની ધડકન આપણે મહેસુસ કરીએ છીએ. ફિલ્મ 'રઝિયા સુલતાન'ના ગીત 'એ દિલે નાદાં' સાંભળતા જ એ સૂરો વચ્ચેની ખામોશી આપણી આરપાર નીકળી જાય છે. 'ફિલ્મ 'અનુપમા'નું જ ગીત 'કુછ દિલ ને કહાં' લ્યો. તેમાં નાયિકાની એકલતા, ઉદાસી અને દુનિયા સામે ખુશ હોવાના કરવા પડતા દંભનો અફસોસ આપણને પણ જીવનથી ઉખેડી નાખે છે અને ઊંડે સુધી ચચરાટ આપે છે. લતાજીએ ૬૦-૭૦ ની ઉંમરે માધુુરી, જૂહી, કાજોલ કે પ્રીતિ જિન્ટા જેવી ઘણી યુવાન અભિનેત્રીઓ માટે અનેક ગીતો ગાયા. આશાજી વર્સેટાઈલ સિંગર હતા. જેના ગીતોમાં ગઝલ, ઠૂમરી, કેબરે, શાીય સંગીત કે હળવું સંગીત બધુંજ સામેલ હતું. પરંતુ લતાજીએ ફિલ્મ 'ઇંતકામ'નું 'આ જાને જા, તેરા યે હુશ્ન જવાં' જેવું એકાદ ગીત બાદ કરતા ક્યારેય કેબરે કે ક્લબ સોંગ્ઝ ગાયા નથી. ગીતોના શબ્દો બાબતે લતાજી ખૂબ જાગૃત અને ચોક્સી હતા. 'સંગમ' ફિલ્મના 'મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા' ગીતના શબ્દોને મામલે લતા મંગેશકર અને ગીતકાર હસરત જયપુરી વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી કારણ કે લતાને લાગતું હતું કે ગીતના શબ્દો અશિષ્ટ છે. જો કે રાજ કપૂરના કહેવાથી પછી તેઓ ગીત ગાવા રાજી થયાં હતાં. દિલીપકુમારે પ્રથમ મુલાકાત વખતે કહેલું કે 'એ છોકરી મરાઠી છે તો સારી ઉર્દૂ કઈ રીતે બોલશે ? મહારાષ્ટ્રીયન તો દાલ-ચાવલની જેમ ઉર્દૂ બોલે છે.' તો એ પછી લતાજી ઉર્દૂ શીખવાનું શીખેલા. રિહર્સલ પહેલા લતાજી હંમેશા પૂછતા કે કેવા કેરેક્ટર માટે તેમણે જે તે ગીત ગાવાનું છે. એની ઉંમર શું છે. એ કાલેજ ગર્લ છે કે વકગ વુમન. આવું બીજા કોઈ ગાયક ન કરતા. રેકોડગ પછી ગીત સાંભળતા દરેક નિર્દેશકને એ સવાલોનું મહત્વ સુપેરે સમજાય જતું. રિહર્સલ દરમ્યાન જ ગીતની બારીકીઓને આત્મસાત કરી લેતા લતાજીનું રેકોડગ મોટાભાગે ફર્સ્ટ ટેકમાં જ પૂર્ણ થઈ જતું. લતાજીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અઢળક પુરસ્કાર અને માન-અકરામ મળેલા છે. ૧૯૮૯માં ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ, ૨૦૦૧માં તેમના યોગદાનને માન આપીને તેમને ભારતના સર્વોેચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન, ફ્રાન્સે ૨૦૦૭માં તેને તેનો સર્વોેચ્ચ નાગરિક પુરસ્કાર ઓફિસર ઓફ 'નેશનલ ઓર્ડર ઓફ 'લીજન ઓફ ઓનર, શ્રે મહિલા પાર્શ્વ ગાયિકા માટેના ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, બે ફિલ્મફેર પુરસ્કાર, ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઉપરાંત પંદર બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિયેશન એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.
૧૯૭૪માં રોયલ આલ્બર્ટ હોલ, લંડન ખાતે પ્રતિતિ રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર તેઓ પ્રથમ ભારતીય પાર્શ્વગાયિકા હતા. ૧૯૮૪માં મધ્યપ્રદેશ રાજ્ય સરકારે અને ૧૯૯૨માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે તેમના સન્માનમાં 'લતા મંગેશકર પુરસ્કાર'ની સ્થાપના કરી હતી. તેમને ૧૯૮૯માં સંગીત નાટક અકાદમી ઉપરાંત કોલ્હાપુરની ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય તથા ખૈરાગઢ અને શિવાજી યુનિવસટી તરફથી માનદ ડાક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. લતાજી ૧૯૯૯ થી ૨૦૦૫ સુધી રાજ્યસભામાં સાંસદ પણ હતા. લતાજી ૯૨ વર્ષે પણ નવું સંગીત સાંભળતા હતા. ૬-૨-૨૦૨૨ ના રોજ લતા મંગેશકર નામનો નશ્વર દેશ પરમતત્વ સાથે ભળી ગયો. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે 'સદીનો શ્રે અવાઝ ખામોશ થઇ ગયો.' જ્યાં સુધી માણસને કાન હશે ત્યાં સુધી એમનાં ગીતો ગુંજ્યા કરશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gOhM4y
ConversionConversion EmoticonEmoticon