વાર્તા વિશ્વ : ધ એક્ઝેટ સાયન્સ ઓફ મેટ્રિમોની


- વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...

- મૂળ સર્જક - ઓ. હેન્ર્રી     રજૂઆત-પરેશ વ્યાસ

- ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(વહી ગયેલી વાર્તા: બે મિત્રો, એન્ડી ટકર અને જેફ પીટર્સ લગ્ન વિષયક બાબતમાં લોકોને છેતરીને ધન કમાવવાનાં નિર્દોષ (!) ધંધાની સ્કીમ ઘડે છે. એમ કે એક આર્થિક રીતે સુખીસંપન્ન વિધવા સ્ત્રીનાં પુનઃલગ્ન માટે જાહેરાત આપવી અને એમાંથી કમાણી કરવી. એવું પણ નક્કી થાય છે વાત આમ સાવ હવામાં ન હોવી જોઈએ. મતલબ કે એવી કોઈ સ્ત્રી પણ હોવી જોઈએ. એવી એક સ્ત્રી મિસિસ ટ્રોટર હતી, જે જેફ પીટર્સનાં મૃત મિત્રની વિધવા હતી. પીટર્સ એની પાસે જાય છે અને એને આખી સ્કીમ સમજાવવાની કોશિશ કરે છે. જો કે વાર્તાની શરૂઆતમાં જ જેફ પીટર્સ લેખક ઓ.  હેન્રીને  કહી દે છે કે આવા ધંધામાં સ્ત્રી ક્યારેય વિશ્વાસપાત્ર હોતી નથી. હવે આગળ..)

 ભાગ ૨ 

''અલબત્ત મિસિસ ટ્રોટર...' મેં કહ્યું, 'એન્ડી ટકર અને મેં ગણતરી કરી છે એ અનુસાર આ વિશાળ અને ગેરવાજબી દેશમાં અમારી જાહેરખબર પછી તમારો ગોરો હાથ અને તમારા તથાકથિત ડોલર્સ અને માલમિલકતને પામવા માટે આતુર હોય એવા ઓછામાં ઓછા ૩૦૦૦ ભાયડાઓ તો હશે જ. એમને દહેજમાં મળનારા ત્રણ હજાર ડોલર્સનાં બદલામાં આ બધા પોતાની પાસે જે હશે, તે દઈ દેવા તૈયાર હશે. આ બધા એવા લોકો છે કે જેઓપોતે આળસુનાં પીર છે, રીઢા રખડૂ છે, જીવનમાં નિષ્ફળતાને વરેલા છે, ઠગ છે અને તિરસ્કરણીય રીતે ધનપ્રાપ્તિનાં શોખીન લોકો છે. 

' 'હું અને એન્ડી,'' મેં કહ્યું, 'અમારો ઉદ્દેશ, એક રીતે જુઓ તો સમાજનાં આવા લાલચી શિકારીઓને પાઠ ભણાવવાનો છે. અમે તો,' મેં કહ્યું, 'આ એજન્સીનું નામ ગ્રેટ મોરાલ એન્ડ મિલેનિયલ મેલવોલન્ટ મેટ્રીમોનિયલ એજન્સી રાખવા માંગતા હતા પણ પછી મહામહેનતે અમે એમ કરવું માંડી વાળ્યું. હવે નક્કી તમારે કરવાનું છે. તમને આખી સ્કીમથી સંતોષ છે?'

'હા, સંતોષ છે, મિ. પીટર્સ' એણે કહ્યું. 'મને ખ્યાલ હોવો જ જોઈતો હતો કે તમે એવું કાંઈ પણ ન કરો જે ટીકાને પાત્ર હોય. પણ આ આખી સ્કીમમાં મારી ફરજ શું હશે? શું આ ૩૦૦૦ જેટલાં નકામા કહેવાતા પુરુષોને મારે અંગત રીતે, એક એક કરીને નકારવા પડશે કે પછી તેઓને થોડાં થોડાં ઝૂમખામાં તગેડી મૂકવા પડશે?'

'તમારું કામ મિસિસ ટ્રોટર એમ કે...' મેં કહ્યું, 'વસ્તુતઃ તમે એક આકર્ષણનું કેન્દ્ર છો, રસનો વિષય છો. બસ, બીજું કાંઈ નહીં. તમારે બસ એક શાંત હોટલમાં શાંતિથી રહેવાનું રહેશે અને તમારે ભાગે અન્ય કોઈ કામ કરવાનું નથી. જે બધો પત્રવ્યવહાર અને ધંધો થશે એ એન્ડી અને હું સંભાળીશું. 

'અલબત્ત,' મેં આગળ કહ્યું, 'કોઈ વધારે પડતો ઉત્સાહી અને આવેશમય મૂરતિયો ટ્રેનનું ભાડું ખર્ચીને અંગત રીતે પરણું પરણું-નું રટણ કરતો કરતો કાયરો સુધી આવી પણ ચઢે અને પોતાની અરજી અંગત રીતે રજૂ કરવાનો આગ્રહ રાખે ય ખરો. આ સંજોગોમાં તમને થોડી અગવડતા પડશે, કદાચ તમારે એને રૂબરૂ મળીને પછી તગેડી મૂકવો પડશે. અમે તમને અઠવાડિયાનાં પચ્ચીસ ડોલર્સ ચૂકવીશું અને હોટલનો ખર્ચ પણ અમે ભોગવીશું.'

 'મને બસ પાંચ મિનિટ્સનો સમય આપો,' મિસિસ ટ્રોટરે કહ્યું, 'મારા જરીપુરાણાં વસ્ત્રો લઈ લઉં અને આગલાં દરવાજાની ચાવી પાડોશીને દઈ આવું અને તમે મારો પગાર ચાલુ કરી દો.'

'અને આ રીતે હું મિસિસ ટ્રોટરને કાયરો લઈ આવ્યો અને એને એક ફેમિલી હોટલમાં ઉતારો આપ્યો. આ હોટલમાં હું અને એન્ડી રહેતા હતા એનાથી ઘણી દૂર હતી, જેથી કોઈને શંકા ન પડે અને મેં આ આખી વાત એન્ડીને કહી.

 'ગ્રેટ,' એન્ડીએ કહ્યું 'હવે તો તારું મન માની ગયુ હશે ને કે માછલાં પકડવાની ગલ ઉપરનું ભક્ષ્ય હવે આપણી પાસે છે, દેખી શકાય એ રીતે ઉપલબ્ધ છે અને એટલે હવે આપણે નવા માછલાઓ પકડવાનું શુભ કાર્ય શરૂ કરી શકીશું.

 'પછી અમે અમારી જાહેરાતનાં ચોપાનીયાં છાપામાં નાંખીને, ખૂબ મોટો વિસ્તાર આવરી લેય એ રીતે, જે કરવાની હતી એ કામગીરી શરૂ કરી દીધી. એક જ જાહેરાત કે જેનો અમે ઉપયોગ કર્યો. એકથી વધારે જાહેરાત કરવાની થાત તો અમારે બીજા કારકૂનોની સેવા ભાડેથી લેવી પડત અને એને લગત સાધનસામગ્રી પણ ભેગી કરવી પડત અને એ બધા લોકોની હાજરી, એનો ચબડ ચબડ ચ્યુઇંગ ગમ ચાવવાનો અવાજ પોસ્ટમાસ્તર જનરલને એના કામમાં ખલેલ પહોંચાડત!'

'અમે મિસિસ ટ્રોટરનાં નામે બેંકમાં ૨૦૦૦ ડોલર્સ જમા કરાવ્યા અને એની પાસબૂકમાં એન્ટ્રી કરાવીને એને આપી. કોઈ પણ વ્યક્તિ અમારી એજન્સીની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા પર શંકા કરે તો એને એ બતાવી શકાય. મને ખબર હતી કે મિસિસ ટ્રોેટર પોતે નિષ્કપટ છે અને વિશ્વાસપાત્ર છે અને આ ડોલર્સ એનાં નામે મૂકવામાં કોઈ વાંધો નથી. 

'આ એક જાહેરાતનાં પ્રતિભાવ રૂપે આવેલા પત્રોનાં પ્રત્યુતર આપવાના કામમાં અમારે રોજ બાર બાર કલાક કામ કરવું પડયું. 

'રોજનાં સરેરાશ સો પત્રો જેટલાં આવતા હતા. મને ખબર નહોતી કે આ પ્રદેશમાં વિશાળ હૃદય ધરાવતા પણ જરૂરિયાતવાળા પુરુષો આટલી બહોળી સંખ્યામાં છે કે જેઓ એક એકલી આકર્ષક વિધવાનો સાથ ઈચ્છે છે, સંગાથની ખેવના રાખે છે અને એ વિધવાની માલિકીનાં ડોલર્સનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની જવાબદારી સ્વીકારવા માંગે છે. 

'મોટા ભાગનાં પુરુષો એવી કેફિયત રજૂ કરતા હતા કે તેઓ બસ બહુ થોડા માટે હારી ગયા અને નોકરી ગુમાવી બેઠા અને એમ કે દુનિયા તેઓને સમજી ન શકી પણ, એ બધાને પાછો પોતે પોતાનામાં એટલો બધો વિશ્વાસ તો હતો જ, એમ કે તેઓ અંગત રીતે  પ્રેમ અને લાગણીથી ભર્યા ભર્યા છે અને એમ કે તેઓમાં પુરુષોમાં હોય એવી તમામ ગુણવત્તા છે કે જેને મેળવવા માટે એક વિધવા સન્નારી એની જિંદગીનો સૌથી મોટો સોદો કરવા રકઝક કરે. 

'દરેક અરજદારને પીટર્સ એન્ડ ટકર તરફથી જવાબ મળ્યો કે વિધવા સન્નારી તમારા  નિખાલસ અને રસપ્રદ પત્રથી પ્રભાવિત થયા છે અને તેઓએ આપને બીજો પત્ર લખવા આમંત્રણ આપ્યું છે. બીજા પત્રમાં તમારે થોડી વધુ વિગતો રજૂ કરવાની રહેશે અને અનુકૂળ હોય તો ફોટો પણ સાથે બીડવો. પીટર્સ એન્ડ ટકર દ્વારા તેઓને એવું પણ જણાવવામાં આવ્યું કે હવે પછીથી તેઓનાં સુંદર ક્લાયન્ટને ઉદ્દેશીને લખાયેલાં બીજા પત્રની સાથે બે ડોલર્સ હેન્ડલિંગ ફી તરીકે બીડવાની રહેશે. 

'અહીં જ તો હતી આ આખી સ્કીમની સાદી સીધી સુંદરતા. આશરે ૯૦% સ્થાનિક કે બહારગામનાં મહાનુભાવોએ કોઈ પણ રીતે આ ડોલર્સથી અમારી ઝોળી છલકાવી દીધી. આ જ હતું જે અમારી સ્કીમ સાથે જોડાયેલું હતું. એન્ડી અને મારી કોઈ ફરિયાદ નહોતી સિવાય કે અમને મહેનત પડી એ બધા પરબીડિયાં ખોલવામાં અને એમાં સાચવીને મૂકેલા એ ડોલર્સને બહાર કાઢવામાં. 

'કેટલાંક ક્લાયન્ટ્સ રૂબરૂમાં મળ્યા. અમે એને મિસિસ ટ્રોટર પાસે મોકલી દીધા અને બાકીનું કામ એણે પૂરું કરી દીધું. કદાચ ત્રણ ચાર એવા નીકળ્યા જે પાછા ફર્યા અને પોતાના ફોગટ ફેરાનાં કારણે આવવા જવાનું ભાડું ચૂકવવા કચકચ કરવા માંડયા. 

એક બપોરે જ્યારે અમે સૌથી વ્યસ્ત હતા એટલે એમ કે હું સિગારનાં ખાલી ખોખામાં એક અને બે ડોલર્સની નોટ્સ ભરી રહ્યો હતો અને એન્ડી 'નો વેડિંગ બેલ્સ ફોર હર' ગીતની ધૂન પર સીટી વગાડી રહ્યો હતો ત્યારે એક નાની કાઠીનો હોંશિયાર અને ચાલાક દેખાતો માણસ ત્યાં આવ્યો. મેં જેવો એને જોયો કે મારામાં ગર્વનો ચમકારો થયો. કારણ કે મને લાગ્યું કે અમારો ધંધો હવે અમે છેક એ લેવલ ઉપર લઈ ગયા છીએ. 

(વાર્તાનો ત્રીજો અને અંતિમ ભાગ આવતા અંકે)

સર્જકનો પરિચય

ઓ. હેન્ર્રી 

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્ર્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. યુવાનીમાં તેઓ ટેક્સાસ રાજ્યમાં ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા. લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આર્થિક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી. જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમનીઆજની વાર્તા સહિત અનેક વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ. પરંતુ એનાં દુઃખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય  વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે. 

ઓ. હેન્રી ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, 'અજવાળુ કરો હું અંારામાં મારા ઘરે જવા માંગતો નથી' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બઝાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0THxOjc
Previous
Next Post »