16 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન પછી ગટર કામદારનો મૃતદેહ મળી આવ્યો


- નડિયાદમાં ગટર લાઇનના કામ વખતે ભેખડ ધસતા દુર્ઘટના સર્જાઇ હતી

- અન્ડર વોટર રેસ્ક્યૂ કેમેરા સહિતના સાધનના ઉપયોગથી ગરકાવ મજૂરને બહાર કઢાયો

નડિયાદ : નડિયાદ પારસ સર્કલ પાસે શુક્રવારે સાંજે ડ્રેનેજની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલતી હતી ત્યારે કાસની ભેખડ ધસી પડી હતી. જેથી ગટર લાઇનનું કામ કરતા બે કામદારો કાસના પાણીમાં ખાબક્યા હતા. જે પૈકી એક કામદાર બચી ગયો હતો જ્યારે કાસ માં ડૂબી ગયેલ સાથી કામદાર ને આજે બીજે દિવસે શનિવારે નડિયાદ અને વડોદરા ની ફાયર બ્રિગેડની ટીમોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

નડિયાદ પારસ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જી.મુ. ડી. સી. ના કોન્ટ્રાક્ટર દ્વારા નવી ગટર લાઈન ની પાઈપો નાખવાની કામગીરી ચાલી રહી છે. શુક્રવારે પારસ સર્કલ, ઇકો વાળા હોલ આગળ આવેલ પંપીંગ સ્ટેશન પાસે ગટર લાઈનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે સુનિલ (ઉં.વ.૩૨ વર્ષ, રહે. કણજરી) તથા જોવાભાઈ (રહે. આણંદ) ગટર લાઇનનું કામ કરતા હતા. સાંજના પાંચ વાગ્યાના સુમારે અચાનક કાસની ભેખડ ધસી પડતા બંને કામદારો કાસમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાં એક કામદાર હિંમત કરીને બહાર નીકળવામાં સફળ થતાં બચી ગયો હતો. જ્યારે બીજો કામદાર સુનિલ કાસની અંદર તણાઈ ગયો હતો. જેની જાણ થતા જી.મુ.ડી.સી.ના કોન્ટ્રાક્ટર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે કાસમાં તણાઈ ગયેલા કામદારને શોધી કાઢવા મોડી રાત સુધી કામગીરી કરી હતી પરંતુ સફળતા મળી ન હતી જેથી રાત્રિના સમયે વડોદરા ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરી વડોદરા ફાયર બ્રિગેડના બોલાવવામાં આવી હતી. નડિયાદ અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમે હાઇડ્રોલિક ક્રેઇન તથા અન્ડરવોટર રેસ્ક્યુ કેમેેરા સચગ જેવી મશીનરીની મદદથી કાસમાં ગરકાવ થયેલા કામદારના મૃતદેહને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ગટર લાઈનની કામગીરી દરમિયાન કાસ ગરકાવ થયો કામદારને કાઢવા ૧૬ કલાક સુધી રેસ્ક્યું ઓપરેશનની કામગીરી ચાલી હતી.

અગાઉ ખુલ્લી કાંસમાં પડી જવાથી બાળકનું મોત નિપજ્યું હતું

નડિયાદના આ ઇપ્કોવાળા હોલ પાસેના ખુલ્લા કાંસમાં થોડા વર્ષો અગાઉ એક નાનકડા બાળકનું પડવાથી મોત નિપજ્યું હતું. નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે સત્તાધારી પક્ષ સામે વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું હતું કે સરકારના વિકાસ કામો દરમ્યાન આટલી મોટી ઘટના બને અને બે બે કલાક સુધી નગરપાલિકા કે નડિયાદ ફાયર બ્રીગેડ તેને શોધી શક્તી નથી. શહેરના ફાયર બ્રીગેડ પાસે બચાવ કામગીરીના આધુનિક સાધનો પણ નથી જે ઘણી દુઃખની વાત છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/opL2Gwi
Previous
Next Post »