વાર્તા વિશ્વ : ધ એક્ઝેટ સાયન્સ ઓફ મેટ્રિમોની


- વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...

- મૂળ સર્જક - ઓ. હેન્ર્રી     રજૂઆત-પરેશ વ્યાસ

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

('મેટ્રિમોની' એટલે વિવાહ. 'વિવાહનું ચોક્કસ વિજ્ઞાાન' એવું આજની વાર્તાનું શીર્ષક છે. વાર્ર્તા લેખક ઓ. હેન્ર્રી આમ પણ શબ્દરમતનાં સરતાજ છે. વીતેલાં વેલેન્ટાઇન્સ ડેનાં દિવસે પ્રેમ વિષે ઘણું ઘણું થયું પણ એ જ દિવસે બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. ફરી પરણવા ઉત્સુક ૬૬ વર્ષીય શરદ સ્વેન નામનાં એક પુરુષની ઓરિસ્સા પોલિસે ધરપકડ કરી. આરોપ હતો ૧૮ સ્ત્રીઓ સાથે છેતરપીંડીથી લગ્ન કરવાનો, માલ હડપ કરવાનો અને ભાગી જવાનો. લગ્ન માટે જાહેરાત આપીને લગ્નોત્સુક લોકોની ઠગાઈની વાત કાંઈ નવી નથી. આજથી આશરે સવાસો વર્ષો પહેલાં લખાયેલી ઓ. હેન્રીની આ વાર્તામાં લગ્ન વિષયક જાહેરાત આપીને ઠગાઇ કરવાની વાતનું  નિરૂપણ છે. ઓ. હેનૂરી જો કે વાર્તાની શરૂઆતમાં જ આ ધંધાને 'મોસ્ટ ઈનોસન્ટ' એટલે કે સૌથી વધારે નિષ્પાપ, નિરપરાધ, નિષ્કપટ, નિરુપદ્રવી, નિર્દોષ છેતરપીંડી કહે છે! તોચાલો, વાર્તાને જ માણીએ.)

(ભાગ ૧ )

'મેં તને પહેલાં કહ્યું તું એમ જ,' જેફ પીટર્સે કહ્યું, 'સ્ત્રીની વિશ્વનીયતા ઉપર મને ક્યારેય પણ વિશ્વાસ નહોતો, જેઓ સ્ત્રીઓ પરવિશ્વાસ મૂકે એવી વ્યક્તિઓ સાથે તેઓનો વ્યવહાર ક્યારેય પણ બરાબર હોતો નથી. છેતરપીંડી કરીને ધન કમાવવાની સૌથી નિર્દોષ ગણાતી યોજનામાં એક સાથીદાર તરીકે કે એક સાથી પ્રશિક્ષક તરીકે કોઈ સ્ત્રી ક્યારેય પણ ભરોસાપાત્ર હોતી નથી.'

'ી તો પ્રશંસાને પાત્ર હોય છે,' મેં કહ્યું. 'મને લાગે છે કે તેઓ એક પ્રામાણિક પ્રજાતિ તરીકે પ્રશંસાની હકદાર છે.'

'એવું નથી. અને એવું શું કામ નથી?' જેફ બોલ્યો. 'કારણ કે તેઓની સેવા કરવા માટે નરજાતિનાં લોક હાજર જ હોય છે. સ્ત્રીઓની સેવા માટે પુરુષો કાં તો છેતરપીંડીથી ધન કમાવવા અથાગ મહેનત કરે અથવા તો ઓવરટાઈમમાં ગદ્ધાવૈતરું  કરીને પૈસા રળે. સ્ત્રી લોકો આ ઠગાઈનાં ધધામાં ત્યાં સુધી જ બરાબર હોય છે, જ્યાં સુધી તેઓ વધારે પડતાં લાગણીવેડામાં કે પોતાનાં સજશૃંગારમાં ઓતપ્રોત નથી હોતા. પછી તેઓ નકામા. પછી તો તમારે એની કામગીરીને માટે કોઈ ચપ્પટ પગવાળો, રેતરંગી થોભીયાં ધરાવતો અને ઊંડા શ્વાસ લેતો ભાયડો શોધવો પડે કે જેને પાંચ બાળકો હોય અને જેની પાસે ગીરવે મૂકેલું ઘર હોય. એવી જ એક વિધવા નારીની વાત છે આ. એ સન્નારીને અમે અમારા ધંધામાં શામેલ કરી હતી, એક નાનકડી મેિ

મેટ્રિમોનિયલ એજન્સીની સ્કીમ મેં અને એન્ડી ટકરે કાઇરોમાં તરતી મૂકી હતી.'

'જ્યારે તમારી પાસે ધંધાની જાહેરાત માટે એટલાં ડોલર્સ હોય-કે જેનું ભૂંગળું કરીએ તો ઘોડાગાડીની ઘૂંસરી જેવું થાય-તો પછી એ પૂરતી કમાણી ગણાય આ મેટ્રિમોનિયલ એજન્સીનાં ધંધામાં. અમારી પાસે ૬૦૦૦ ડોલર્સ હતા અને અમારી અપેક્ષા મુજબ બે મહિનામાં એ બમણાં થઈ જાય એવી અમારી અપેક્ષા હતી. ન્યૂ જર્સી ચાર્ટર જેવા પાયાનાં કાયદાનાં લાંબા હાથમાં પકડાઈ ગયા વગર આવી સ્કીમ ચલાવવા માટે આમ જુઓ તો લગભગ બે મહિના જેટલો જ સમયગાળો હોય છે.આથી વધારે ચાલે તો પકડાઈ જવાય. 

'અમે જાહેરાતનો મુસદ્દો તૈયાર કર્યા જે કાંઈ આવો હતો'

'આકર્ષક વિધવા ઉંમર વર્ષ ૩૨, દેખાવે સુંદર, ઘરરખું, ૩૦૦૦ ડોલર્સ રોકડ રકમ ધરાવતી અને ગામડે કિંમતી મિલકત ધરાવતી સ્ત્રી, ફરી લગ્ન કરવા ઉત્સુક છે. પ્રેેમાળ સ્વભાવનાં આર્થિક રીતે સામાન્ય પુરુષને પ્રથમ પસંદગી, કારણ કે એ માને છે કે સમાજમાં સાદાસીધાં,નમ્ર્ર અને વિનયી પુરુષોમાં જ નક્કર સદ્ગુણોનો નિવાસ હોય છે. આવો કોઈ પુરુષ કે જે વફાદાર હોય, સાચો હોય અને મિલકતનું મેનેજમેન્ટ કરી શકે, નાણાંનું યોગ્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ભલે તે પછી આધેડ વયનો હોય કે પછી સામાન્ય રહનસહન ધરાવતો હોય તો પણ અમોને એનો કોઈ વાંધો નથી. સરનામું અને વિગતો સાથે અરજી કરવી.

લિ. જીવનસાથીની તલાશ કરતી  સ્ત્રી વતી પીટર્સ એન્ડ ટકર, એજન્ટ્સ, કાયરો ૈંૈંૈં. 

' અત્યાર સુધીનું આ આ-જા-ફસા જા-નું આયોજન તો જાણે થઈ ગયું,' મેં કહ્યું, 'સાહિત્યિક પૂર્વભૂમિકા તો બંધાઈ ગઈ. 

'અને હવે' મેં પૂછયું, 'એ સ્ત્રી ક્યાં?

'એન્ડીએ શાંતચિત્ત અકળામણની નજરે મારી સામે જોયું.

' જેફ,' એણે મને કહ્યું, 'મેં ધાર્યું'તું કે તમારી કલા કારીગરીનાં યથાર્થ નિરૂપણમાં એવા વિચારો તે છોડી દીધા હશે. આ સ્કીમમાં કોઈ પણ સ્ત્રીની જરૂર જ શું છે? જેઓ શેરબજારમાં પાણીનાં શુદ્ધીકરણ કરતી કંપનીનાં શેરનું ટ્રેડિંગ કરે છે, તો તને શું લાગે છે, એમાંથી કોઈ જળપરી નીકળી આવે? વિવાહ વિષયક જાહેરાતને કોઈ એક સ્ત્રી સાથે શું લાગેવળગે?'

''હવે સાંભળ,' મેં કહ્યું. 'તું તો મારો નિયમ જાણે જ છે, એન્ડી... કે કાયદાની જોગવાઈઓમાં છીંડું પાડીને ઘૂસવા માટે એ વસ્તુ જીવંત, દેખાઈ શકે એવી અને માંગે ત્યારે પૂરી પાડી શકાય એવી તો હોવી જ જોઈએ. આમ સાવ ધુપ્પલ ન ચાલે. આ રીતે અને આ ઉપરાંત શહેરનાં વટહૂકમો અને ટ્રેનનાં ટાઈમટેબલનો બારીકાઈથી અભ્યાસની મારી આદત જ મને પોલિસનાં લફરાંથી દૂર રાખે છે. મારે પાંચ ડોલર્સની દક્ષિણા કે સિગારની ભેટ પોલિસને દેવાની જરૂર પડતી નથી. હવે, આ સ્કીમ સફળતાપૂર્વક પાર પડે એ માટે આપણે એક આકર્ષક વિધવા અથવા એને અનુરૂપ એવી નારી કે જે સુંદર હોય... કે ન પણ હોય, અને વારસો અને એને સંલગ્ન વસ્તુઓની વ્યવસ્થિત રીતે બનાવેલું સૂચિપત્રક હોવું જોઈએ કે જે ભવિષ્યમાં ન્યાયિક આદેશમાં રજૂ કરવાનું થાય તો.... એ બધુંં પહેલેથી જ તૈયાર કરેલું હોવું જોઈએ.'

'વેલ,' એન્ડીએ આખી વાત સમજવાની કોશિશ કરી અને પછી બોલ્યો, 'હા, એ વાત તો સાચી છે. આપણી આ વૈવાહિક એજન્સી અંગે પોસ્ટઓફિસની પૂછતાછ થાય કે ન્યાયિક તપાસનો આદેશ થાય તો આવી તૈયારી હોય તો કામ આવી જાય. પણ ક્યાંથી,' એણે કહ્યું, 'તું એવી વિધવા સન્નારી શોધી શકે કે જે આવી લગ્ન યોજનામાં સમય બગાડે, એવી યોજના જેમાં સાચૂકલાં લગ્ન છે જ નહીં?'

'મેં એન્ડીને કહ્યું કે મને લાગે છે કે એક આવી જ મેચિંગ પાર્ટીને હું જાણું છું. એક મારો જૂનો મિત્ર ઝેક ટ્રોેટર કે જે સોડા વેચતો કે તંબુમાં બેસીને દાંત પાડતો હતો. એણે એક વર્ષ પહેલાં જ એની પત્નીને વિધવા બનાવી ત્યારે જ્યારે એ નશો કરવાની એની નિયમિત દવાની જગ્યાએ કોઈ ઘરડાં ડોક્ટરની અપચો દૂર કરવા માટેની દવા પી ગયો. હું આ અગાઉ તેઓનાં ઘરે ઘણી વાર રોકાયો પણ છું. મને લાગે છે કે એ વિધવાને આપણી આ યોજનામાં શામેલ કરી શકાશે.  

'એ જ્યાં રહેતી હતી એ જગ્યા સાંઠ માઈલ્સ દૂર હતી.એટલે હું વાહનમાં બેઠો અને ત્યાં પહોંચ્યો અને મેં જોયું કે એ એ જ ઘરમાં રહેતી હતી, જ્યાં એ જ સૂર્યમુખીનાં ફૂલો હતા અને એ જ કપડાં ધોવાનું ટબ હતું કે જેની ઉપર મરઘાં ઊભા હતા. મિસિસ ટ્રોટર અમારી જાહેરખબરનાં વર્ણનને મળતી આવતી હતી સિવાય કે કદાચ એની સુંદરતાનો મેળ ખાતો નહોતો, કે એની ઉંમર પણ, કે પછી એની માલમિલકતનું મૂલ્યાંકન પણ જેવું જોઈએ તેવું નહોતું. પણ દેખાવે ચાલી જાય એવી તો એ હતી અને આંખને ગમી જાય એવી પણ કહી શકાય.  અને આમ મૃત ઝેક ઉપર દયા ખાઈને એની યાદમાં અમે એ વિધવાને નોકરી આપી.    

'આ તમે જે ઓફર કરો છો એ પ્રામાણિક સોદો છે ને, મિ. પીટર્સ? 'એણે મને પૂછયું હતું જ્યારે મેં એને અમારી સ્કીમ સમજાવી હતી. (વધુ આવતા અંકે)

સર્જકનો પરિચય

ઓ. હેન્ર્રી 

મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્ર્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. યુવાનીમાં તેઓ ટેક્સાસ રાજ્યમાં ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા. લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આર્થિક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી. જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમનીઆજની વાર્તા સહિત અનેક વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ. પરંતુ એનાં દુઃખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય  વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે. 

ઓ. હેન્રી ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, 'અજવાળુ કરો હું અંારામાં મારા ઘરે જવા માંગતો નથી' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બઝાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tRsPh7o
Previous
Next Post »