સગીરાને ભગાડી દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષની સખત કેદની સજા


- આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો

- આંકલાવ શહેરનો શખ્સ લલચાવી સગીરાને ભગાડી ગયો હતો : પીડિતાને ચાર લાખનું વળતર ચુકવવા હુકમ

આણંદ : આણંદ જિલ્લાના આંકલાવ શહેરની એક સગીરાને આજથી એક વર્ષ પૂર્વે ગામનો જ એક શખ્શ લલચાવી પટાવી ભગાડી લઈ ગયા બાદ તેણી ઉપર શારીરિક અત્યાચાર ગુજારવાના બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી જનાર યુવકને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે સાથે પીડીતાને રૂા.૪ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

આંકલાવના કોસીન્દ્રા રોડ ઉપર આવેલ ઈન્દીરા કોલોની ખાતે રહેતો વિજય ઉર્ફે લોટી બળવંતભાઈ સોલંકી ગત તા.૮-૩-૨૦૨૧ના રોજ નજીકમાં જ રહેતી એક સગીરાને લલચાવી-પટાવી કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી લઈ ગયો હતો અને સગીરા સાથે અવાર-નવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. જે અંગે સગીરાના પિતાએ આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તા.૨૨મી માર્ચના રોજ વિજય ઉર્ફે લોટી સોલંકીને ઝડપી પાડી તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજ અને બીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો તેમજ ૯ સાક્ષીઓ અને ૧૮ દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા બાદ ન્યાયાધીશે સગીરાને ભગાડી જઈ શારીરિક અત્યાચાર ગુજારનાર વિજય ઉર્ફે લોટી  સોલંકીને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. સાથે સાથે વિવિધ કલમો હેઠળ તેને કુલ રૂા.૩૫૦૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lVPUSKF
Previous
Next Post »