- યુદ્ધગ્રસ્ત યુક્રેનથી નડિયાદની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી વતન પહોંચ્યા
- ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું : સંતાન સલામત રીતે પરત આવતા પરિવારે હાશકારો અનુભવ્યો
નડિયાદ : યુક્રેનમાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલા નડિયાદના બે વિદ્યાર્થી આજે પોતાના ઘરે પરત ફર્યા છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા આદિત્ય પરમાર ગત્ રોજ રાત્રે પરત ફરતા સોસાયટીના રહીશોએ ઢોલ નગારા સાથે આદિત્યનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે અનિષા ઇનાણી ઘરે પરત ફરતા તેના પરિવારજનોને હાશકારો થયો છે.
છેલ્લાં દસ દિવસથી ચાલી રહેલા રશિયન-યુક્રેન યુદ્ધને કારણે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરુ કરી આવા વિદ્યાર્થીઓને પોતાના વતન લાવવામાં આવી રહ્યા છે.
નડિયાદના જૂના ડુમરાલવિસ્તારમાં આવેલી રાજસ્થાન સોસાયટીમાં રહેતા અનિષા મુકેશકુમાર ઇનાણી ગત્ ૨૮ સપ્ટેમ્બર,૨૦૧૯ના રોજ યુક્રેન મેડીકલનો અભ્યાસ કરવા ગયા હતા. અનિષાના માતા રેખાબેન મુકેશબાઇ ઇનાણી અને પિતા મુકેશભાઇ નવેક વર્ષ અગાઉના ઉત્તરાખંડ ભૂસ્ખલનમાં કેદારનાથમાં મૃત્યુ પામ્યા હતા. અનિષા તેના દાદા- દાદી અને કાકા-કાકી સાથે નડિયાદમાં રહે છે. અનિષા યુક્રેનના ચર્નીવીત્સી સીટીમાં બુકોવિનિયન સ્ટેટ મેડીકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘરે પરત ફરેલી અનિષા જણાવે છે કે રોમાનીયા બોર્ડરથી ૪૦ કિલોમીટર દૂર આવેલ આ શહેર યુદ્ધના શરુઆતના દિવોસમાં સુરક્ષિત હતું. પરંતુ ૨૮ ફેબુ્રઆરીએ રેડ એલર્ટ થતા અમારી યુનિવર્સિટીમાંથી બધા એક પછી એક નીકળવા માંડયા હતા. જો કે ૨૩ ફેબુ્રઆરીએ ૬૦૦, રપમી ફેબુ્રઆરીએ ૫૦૦-૬૦૦ વિદ્યાર્થીઓ ભારત આવવા નીકળી ગયા હતા. અનિષા પણ ૨૬મીએ ૨૪૦ વિદ્યાર્થીઓ સાથે રોમાનીયા બોર્ડર પહોંચી હતી. જ્યાં ૨૪ કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. પરંતુ ત્યાં બહુ જ ભીડ હતી અને સ્નો ફોલ પણ ચાલુ હતો. એવામાં ચર્નીવીસ્ટ સીટીમાં યુનિયન ઇન્ડિયન સ્ટુડન્ટ સોસાયટીના લોકો મદદે આવ્યા. અને અનિષા તેમની સાથે પાછી હોસ્ટેલ જતી રહી. બીજા દિવસે સવારે ફરી અનિશા બીજા વિદ્યાર્થીઓ સાથે રોમાનીયા બોર્ડર પહોંચી હતી. જ્યાં આખો દિવસ લાઇનોમાં ઉભા રહ્યા બાદ છેક રાત્રે ૮ વાગે બોર્ડર ક્રોસ કરી હતી. ત્યાંથી સેલ્ટર હોમ, અને ત્યાંથી બુકારેસ્ટ એરપોર્ટ અને ગઇ કાલે રાત્રે એકાદ વાગે અનીષા નડિયાદ સ્વગૃહેે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ સાથે હાશકારો છવાયો હતો.
છેલ્લાં ત્રણ મહિનાથી યુક્રેનના પોલટવા સીટીમાં રહીને મેડીકલનો અભ્યાસ કરતો આદિત્ય પરમાર પોતાના ઘરે હેમખેમ પહોંચતા પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.નડિયાદના પવનચક્કી રોડ પર આવેલ ચંદ્રસેતુ સોસાયટીના પોતાના ઘરે પહોંચેલો અને કેટલાંય મહિનાઓ બાદ મમ્મીના હાથું જમવાનું મળતા આનંદિત થયેલા આદિત્યએ જણાવ્યું હતુ કે યુદ્ધની વિકટ સ્થિતિ સર્જાતા બીજા ૪૦ વિદ્યાર્થીઓ સાથે અમે બસ મારફતે હંગેરી બોર્ડર પહોંચ્યા હતા. જ્યાં ઇન્ડિયન એમ્બસી દ્વારા ફ્લાઇટમાં ન બેસીએ ત્યાં સુધી હોટલમાં રહેવાની સગવડ કરવામાં આવી હતી. જ્યાં રહેવાનું અને ખાવા-પીવાની સુંદર સગવડ હતી.ગઇકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા અને રાત્રે નડિયાદ ઘરે પહોંચ્યો હતો.
આદિત્ય વધુમાં જણાવે છે કે પોલટવા સીટીમાં તો પરિસ્થિતિ સારી હતી, પરંતુ ખારકીવ અને કીવમાં હાલત ખૂબ જ ખરાબ છે. હજુ પણ ત્યાં ઘણાં ભારતીય અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ બંકરમાં અને અંડરગ્રાઉન્ડ મકાનોમાં ફસાયેલા છે. જેમને ખાવા પીવાનું પણ મળતું નથી. અમે યુદ્ધ શરુ થવાનું હતું ત્યારથી ઇન્ડિયન એમ્બસી અને યુક્રેન ગર્વમેન્ટ જોડે સંપર્કમાં હતા. એ લોકોએ અમને અગાઉથી ચેતવી દીધા હતા અને એટલે જ અમે ૧ મહિનાનું સામટુ રાશન,અને ખાવા પીવાનું ખરીદી લીધું હતું. જેને કારણે અમને કોઇ તકલીફ પડી નથી. હા, અમે જ્યારે બસ મારફતે હંગેરી બોર્ડર સુધી જવા નીકળ્યા ત્યારે ઘણું ટેન્શન હતું. પરંતુ આજે હું સહીસલામત ઘરે પહોંચી ગયો છું.
ઢોલ નગારા સાથે સોસાયટીના રહીસો અને કુટુંબીજનોએ આદિત્યનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સોસાયટીમાં હર્ષાશ્રુનો માહોલ જોવા મળ્યો હતો. દરેકની આંખમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા.
અમારા દિકરાનો બીજો જન્મ થયો : માતા-પિતા
યુક્રેનથી પરત ફરેલ આદિત્ય પરમારના માતા પિતા પંકજભાઇ અને પેરીન પરમાર જણાવે છે કે અમે છેલ્લાં ઘણાં દિવસોથી ચિંતામાં હતા. આજે દિકરો ઘરે પરત ફર્યો તો જાણે એમ લાગ્યું કે અમારા દિકરાનો બીજો જન્મ થયો છે. અમે વિચાર્યું જ ન હતું કે તે આટલું જલ્દીથી અને હેમખેમ ઘરે ફરશે. સરકારને એક જ વિનંતી છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જલ્દીથી બંધ થાય અને ફરી વખત વિદ્યાથીઓ પોતાનું ભણવાનું શરુ કરી શકે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Gc3MqRl
ConversionConversion EmoticonEmoticon