યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવની તૈયારી આખરી તબક્કામાં


- અમદાવાદથી પ્રસ્થાન કરનાર સંઘોએ ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો 

- ભક્તોના ધસારાને લઇ  મંદિરને જોડતા માર્ગો પર આશરે 43 જેટલા લોખંડના આડબંધો ઊભા કરાયાં : ઠેર-ઠેર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવાયા 

નડિયાદ : ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મહાઉત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત અન્ય સ્થળોએથી  યાત્રાળુઓેએ  ડાકોરના ઠાકોરના દર્શન માટે પ્રસ્થાન કરી દીધું છે તો બીજી બાજુ ડાકોરમાં વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તથા આરોગ્ય તંત્ર સહિત સરકારના વિવિધ વિભાગો અને વેપારીવર્ગે તૈયારીઓને આખરી ઓપ આપવા માંડયો છે. અમદાવાદથી પ્રસ્થાન કરી ચૂકેલા પદયાત્રીઓના સંઘોેએ હીરાપુર અને નેનપુર થઈ ખેડા જિલ્લામાં પ્રવેશ કરી લીધો છે. જેના પગલે માર્ગો જય રણછોડ, માખણચોરના ભક્તિનાદથી ગૂંજવા લાગ્યા છે. 

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તા. ૧૪ માર્ચને સોમવારથી તા. ૧૮ માર્ચને શુક્રવાર સુધીના સતત પાંચ દિવસ સુધી  ડાકોરમાં ફાગણી પૂનમના લોકમેળાની  રંગત જામે તેવી ધારણા છે. ગુરૂવારે ફાગણી પૂનમનો ઉત્સવ છે. જ્યારે શુક્રવારે મંદિરમાં ડોળોત્સવના પર્વ  પર રંગોત્સવ ખેલાશે. બીજા દિવસે શનીવાર-રવિવારની જાહેર રજા હોવાથી ગુરુવારથી છેક રવિવારના સતત ચાર  દિવસ સુધી ડાકોરમાં માનવ મહેરામણ ઉમટશે.જેને કારણે તંત્ર દ્ધારા પોલીસ બંદોબસ્ત તથા પીવાના પાણીથી માંડી, સ્વચ્છતા, એસ.ટી. બસો તેમજ વિવિધ તૈયારીઓેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વેપારી વર્ગ પણ મેળાનો લાભ લઈ વેપાર કરી લેવા માટે છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યો છે. અમદાવાદના સરસપુર તેમજ મણિનગર વગેરે વિસ્તારોમાંથી પર ગજની ધજા સાથે પ્રસ્થાન કરી ચૂકેલા પદયાત્રીઓના સંઘો ખેડા જિલ્લામાં પ્રવેશ કરી ચૂક્યા છે. માર્ગો પર અનેક જગ્યાઓએ ભંડારાની સવલત પણ કરવામાં આવી છે. જ્યાં પદયાત્રીઓને પાકા ભોજનથી માંડી ચા-નાસ્તો, છાશ, તેમજ થાક ઉતરવા માટેની ખાસ વ્યવસ્થા તેમજ ન્હાવા અને પીવાના પાણી માટે જેવી  સેવા સુશ્રુષા કરવામાં આવશે.   

નગરના માર્ગો પર ૧પ૦ ઉપરાંત પ્રસાદની હાટડીઓ માંડવામાં આવે તેવી ધારણા છે. અમદાવાદથી આવનાર પદયાત્રીઓની સંખ્યા વધુ હોવાથી નગરમાં પ્રવેશવાનો  માર્ગ જેવોકે નરસિંહ ટેકરી અને ભરત ભુવનથી લઈ વડાબજાર અને આગળ મંગલસેવા ધામ, પરષોત્તમ ભુવન, ગાંધીજી તથા ભક્ત  બોડાણાની પ્રતિમા  તથા મંદિર રોડ તથા સ્ટેશન વિસ્તાર, ગાયત્રી મંદિર, વાંટા રોડ તેમજ કાપડ બજાર વગેરે જેવા વિસ્તારોમાં મળી આશરે ૧પ૦ ઉપરાંત પ્રસાદની હાટડીઓ લાગે તેવી શક્યતા છે. જેમાં મગસ, મોહનથાળ, પેંડા, સાકર સાકરીયા અને નાળિયેર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાનગી ઉપરાંત મંદિર તરફથી પણ મંદિરની આસપાસ અને લક્ષ્મીજી મંદિર સહિત પાંચ જગ્યાએ પ્રસાદ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. 

પોલીસ તંત્ર દ્ધારા મંદિરને જોડતા માર્ગો પર આશરે ૪૩ જેટલા લોખંડના આડબંધો ઊભા કરવા સાથે  લગભગ  આટલી જ સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવનાર છે. તેમજ હોળી ચકલા, ગોમતી ઘાટ તથા બીજી કેટલીક જગ્યાએ લોખંડના પતરાંના આડબંધ ઊભા કરવામાં આવી રહ્યા છે. બે વર્ષથી કોરોનાને કારણે યાત્રાળુઓ આ ઉત્સવ ઉજવી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે ડબલ ઉત્સાહથી ફાગણી પૂનમનુ પર્વ ઉજવવા યાત્રિકો સહિત નગરજનો પણ ઉત્સાહિત બન્યા છે.

ફાગણી પૂનમ પર પ્રસાદની આશરે બસો જેટલી હાટડીઓ મંડાવવાની સાથોસાથ ખાણીપીણીના બીજા ધંધા તેમજ પાણીના પાઉચ, ચાની કીટલી, રમકડાં, કપડાં તેમજ ઘર સુશોભન જેવી  ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે સજ્જ બન્યા છે. ફાગણી પૂનમની ખાસિયત એ છે કે કેટલાક ટાબરિયાઓ અને યુવાનો પણ ફાગણી પૂનમને અનુલક્ષી અબીલ ગુલાલ, નાળિયેર, પાણીના પાઉચ તેમજ બીજી વસ્તુઓની હાટડીઓ માર્ગની આજુબાજુમાં શરૂ કરી દે છે. આ ઉપરાંત પાથરણાવાળા અને ફેરિયાઓ પણ લોખંડ અને લાકડા સહિત બીજી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. ફાગણી પૂનમ એવી છે જ્યાં નાનો મોટો વેપાર કરવા ઈચ્છુક લોકો તેનો લાભ લેતા હોય છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/woyDUgd
Previous
Next Post »