ગરમી હવે આપણને સારી રીતે પરસેવે રેબઝેબ કરી રહી છે. જોકે ચોક્કસ પ્રદેશોમાં લૂ લાગે એવી ગરમી પડતી હોવાથી ત્યાં પરસેવો નથી થતો. પણ આવું હવામાન ત્વચા પરનું પાણી શોષી લે છે. જો આવી મોસમમાં તમે કોઈપણ પ્રકારના 'સુરક્ષા કવચ' વિના ઘરથી બહાર નીકળો તો ત્વચા તતડી ઉઠે. સ્વાભાવિક રીતે જ તમારે તમારી ચામડીની દેખભાળ જુદી રીતે કરવી પડે. શિયાળામાં ત્વચા સુકાઈને ખેંચાતી અથવા ફાટી જતી હોવાથી આપણું સ્કીન કેર રૂટિન તદાનુસાર હોય છે. પણ ગરમીમાં ત્વચાની જાળવણીની રીત સમગ્રપણે બદલવી પડે છે.
ત્વચા નિષ્ણાતો કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં ચામડી તતડવાની, એલર્જી થવાની સમસ્યા પેદા થાય છે. હવામાં રહેલા પ્રદૂષિત તત્ત્વો સૌથી પહેલા તમારી ચામડીને અસર કરે છે. તેથી આ ઋતુમાં ત્વચામાં રહેલા મોઈશ્ચરાઈઝરને ખલેલ પાડયા વિના તમારી ત્વચાને સ્વચ્છ-શુધ્ધ કરે આવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. જે પ્રોડક્ટમાં પાણી અને તેલનું મિશ્રણ હોય તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ચામડીમાં ઝટ શોષાય છે. તેથી આ મોસમમાં તડકો પડતો હોય ત્યારે ઘરથી બહાર નીકળો તો સનસ્ક્રીન લોશન અચૂક લગાવો અને જો ઘરમાં જ રહો તો મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
મેકઅપ કરવાથી પહેલા મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમારી ત્વચા તૈલીય અથવા મિશ્ર હોય તો સનસ્ક્રીન જેલ અચ્છો વિકલ્પ છે. તેવી જ રીતે મધને કારણે ત્વચાની ભીનાશ સારી રીતે જળવાઈ રહેતી હોવાથી રૂક્ષ ત્વચા ધરાવતી માનુનીઓ માટે મધ સારું કામ આપે છે. જોકે તૈલીય ત્વચા ધરાવતી રમણીઓએ મધમાં થોડાં ટીપાં લીંબુ નાખીને એ મિશ્રણ રોજ લગાવવું. પંદરેક મિનિટ પછી સાદા પાણી વડે ચહેરો ધોઈ લેવો.
રાત્રે સુવાથી પહેલા તમારી ત્વચાને અનુરૂપ ફેસવોશથી ચહેરો અચૂક ધોવો. તમે દિવસભર ઘરમાં રહ્યા હો તોય હવામાં રહેલા પ્રદૂષિત તત્ત્વો, પરસેવો, રસોડામાં કામ કરતી વખતે પેદા થતો ધુમાડો ઈત્યાદિ તમારી ત્વચા પર ચોંટે છે. પરંતુ જો તમે દિવસભર ઘરની બહાર રહ્યા હો તો સ્નાન કર્યા વિના પથારીમાં ન જાઓ. તેવી જ રીતે ઈવનિંગ પાર્ટીમાંથી પરત ફર્યા બાદ મેકઅપ દૂર કર્યા વિના સુવા જવાની ભૂલ ન કરો.
તમારા ચહેરા પર ખીલ હોય તો મેડિકેટેડ ક્લીન્ઝરનો ઉપયોગ કરો. આ ઋતુમાં તૌલીય ત્વચા ધરાવતી યુવતીઓએ સપ્તાહમાં બે વખત સ્ક્રબનો ઉપયોગ કરવો. પરંતુ શુષ્ક ત્વચા હોય એવી મહિલાઓ માત્ર એક જ વખત સ્ક્રબ કરે. વાસ્તવમાં તેમણે ક્રીમી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
ગ્રીષ્મ ઋતુમાં ચહેરો વારંવાર સાબુથી ન ધોવો. તેને કારણે ત્વચાનું પીએચ સંતુલન ખોરવાય છે.જેમની ત્વચા તૈલીય, મિશ્ર કે સામાન્ય હોય તેમણે ૧૦૦ મિ.લી. ગુલાબજળમાં એક ટીસ્પૂન ગ્લીસરીન નાખીને એ મિશ્રણ એરટાઈટ બોટલમાં ભરી લેવું. આ બોટલ ફ્રીઝમાં મૂકી રાખ્યા પછી આ મિશ્રણ ત્વચા પર લગાવતા રહેવાથી ત્વચાની ભીનાશ જળવાઈ રહે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PblX01Q
ConversionConversion EmoticonEmoticon