સાઇકલ સવારને બચાવવા બ્રેક મારતા રિક્ષા પલટતા બિમાર આધેડનું મોત


- ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવોમાં આઠને ઇજા : 2 નાં મોત

- બાઇક સવાર દંપતિને ડાલાવાળાએ ટક્કર મારતા ત્રણને ગંભીર ઇજા પહોંચી : અડફેટે લેનારાઓ સામે ગુનો 

નડિયાદ : ઉમરેઠ તાલુકાના બેચરીમાં રહેતા અક્ષયકુમાર કુબેરભાઈ સોલંકી પત્ની શિલ્પા અને દીકરી પ્રિશાબેનને મોટરસાયકલ પર લઈ સાસરી બળેવિયામાં સામાજિક પ્રસંગમાં જતા હતા. ત્યારે મરઘાકુઈ બ્લોક ફેક્ટરી પાસે પાછળથી આવેલું પીક-અપ ડાલુ ઓવરટેક કરવા જતા બાઈક સાથે અથડાતા બાઈક સવાર દંપતિ અને દીકરીને રોડ પર પટકાતા ઇજા થઇ હતી. આ અકસ્માત કરી ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અક્ષયભાઈ, પત્ની શિલ્પાબેન તેમજ પ્રિશાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઠાસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બીજા બનાવમાં હર્ષદભાઈ જગદીશભાઈ વાઘેલા (હરિજન) રહે. મોગરી, લાલપુરા અરેરા ગામે સાસરીમાં પત્ની નિકિતાને તેડવા ગયા હતા. ત્યારે સસરા જગદીશભાઈ આત્મારામ વાઘેલા બીમાર હોય રિક્ષામાં સારવાર કરાવવા નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ માં લઈને જતા હતા. ત્યારે જુના બિલોદરા હરિઓમ આશ્રમ નજીક એક સાયકલવાળો આવતો હોય તેને બચાવવા બ્રેક મારતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી રિક્ષામાં બેઠેલા મહેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ ભાઈ કિશન ભાઈ સોલંકી (રહે. સિહુંજ), કપિલાબેન કિશન ભાઈ સોલંકી તેમજ જગદીશ ભાઈ વાઘેલા તથા આર્યન રિક્ષામાંથી ફંગોળાઈ જતા ઇજા થઇ હતી. જેથી ઇજાગ્રસ્તોને ૧૦૮ માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જગદીશ ભાઈ વાઘેલા (ઉંમર-૫૨ વર્ષ) ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હર્ષદભાઈ વાઘેલાની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બનાવ મહેમદાવાદ મહુધા રોડ સિહુંજ બસ સ્ટેન્ડ પાસે સર્જાયો હતો. જેમાં સિહુંજ માં રહેતા ભાઈલાલભાઈ મનોરભાઈ ઘરેથી બસ સ્ટેન્ડ જવાનું કહી નીકળ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડથી બળિયાદેવ મંદિર નજીક પૂર ઝડપે આવેલ રિક્ષાએ ટક્કર મારતા ભાઈલાલભાઈ ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં બેભાન થઈ ઢળી પડયા હતા. જેથી તેમને તુરતજ ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહેમદાવાદ સરકારી દવાખાનામાં લઇ જતા તબીબે ભાઈલાલભાઈ હરીજન (ઉંમર-૭૦ વર્ષ) ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મહેશભાઈ ભાઈલાલભાઈની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત માતર તાલુકાના ગોબરાપુરા તાબે વસ્તાણા માં રહેતા કેશાભાઈ રેવાભાઇ દેવીપુજક વસ્તાણાથી રિક્ષામાં બેસી લીંબાસી જવા નીકળ્યા હતા. ખાર વિસ્તાર નજીક રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી કેશાભાઈ ને રોડ પર પટકાતા ઇજા થઇ હતી. આ બનાવ અંગે લીંબાસી પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AbV3hRK
Previous
Next Post »