સાંચીના સ્તૂપની પૃષ્ઠભૂ .


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- ઉજ્જૈનના મહારાજા અવંતીષેણ અને કૌશાંબીના મહારાજા મણિપ્રભઆ બંને રાજાઓએ ભેગા મળીને આચાર્ય ધર્મઘોષ સૂરિજી મહારાજાની સમાધિભૂમિ પર એક મોટો સ્તૂપ બનાવ્યો. અને જૈન ઇતિહાસ કહે છે કે એ સ્તૂપ એટલે આજનો બૌદ્ધ સ્તૂપ ગણાતો.- સાંચીનો સ્તૂપ.

આં ખે ઉડીને વળગે એવું અદ્ભુત અને ઉદ્ભૂત રૂપ.

ઘાટીલો દેહ અને ભીનો વાન.

નમણું નાક અને સોહામણું લલાટ.

પરવાળા શા ગુલાબી હોઠ.

હરિણની શોભાને ઝાંખી પાડતી આંખો,

કાળા નાગ જેવાં કાળા કેશપાશ.

પૂનમના ચંડમાં જેવું રતુમડું મુખડું.

ચૂમવાનું મન થાય એવું મદનને શરમાવતું વદન.

નમણી રમણીની આ રમણીય દેહલડીને બે આંખલડી ધારી ધારીને જોઈ રહી હતી.

ઉજ્જૈની નગરીનો રાજકુમાર અવંતીવર્ધન બારણાની તિરાડ વાહે નમણી નારીના નાજુક મુખને જોઈને જોવાનું સુખ માણી રહ્યો હતો.

નારી ધારિણી પોતાના પતિદેવ રાષ્ટ્રવર્ધન સાથે મસ્તીભરી વાતોની મસ્તી માણી રહી હતી.

અવંતીવર્ધન ધારી ધારીને આ ધારિણી નારીના અર્ધ અનાવૃત બદનને નીરખી રહ્યો છે. પણ એ ધરાઈ નથી રહ્યો. એને મન થાય છે આ દેહને આલિંગન આપવાનું. પોતાના મજબૂત બાવડાથી એને અનાવૃત કરવાનું.

કોઈક ત્રીજી આંખ અવંતીવર્ધનની આ હરકત જોઈ રહ્યું હતું. તેણે પણ સાવચેતીપૂર્વક આ દૃશ્યને જોવાનું ચાલું રાખ્યું.

અવંતીવર્ધન પોતાના દૃશ્યને જોતા જોતા કોઈક અદૃશ્ય દૃશ્યની કલ્પનામાં રાચતો રાચતો ત્યાંથી રવાના થયો. કેવી રીતે આ નાજુક પરીને પૂરી રીતે મારી બનાવું, તેના વિચારો કરતો તે પોતાના આવાસે આવ્યો.

અવંતીવર્ધનના આ દૃશ્યને જોનારી દાસીએ ધારિણીને આ વાતથી વાકેફ કરી.

ધારિણીએ વાતથી અને પછીના વર્તનથી જાણી ગઈ કે પતિદેવના મોટાભાઈ પોતાના દેહથી આકર્ષિત થયા છે. પણ કરવું શું ?

અવંતીવર્ધનના અનેક પ્રયત્નો પછીયે જ્યારે ધારિણી પોતાને વશ ના થઈ, ત્યારે તેણે એક ભયંકર નિર્ણય લીધો. મનથી તેણે નિશ્ચર્ય કરી લીધો.

અને એક દિવસ ચાતકની જેમ ધારિણી નારીના દેહના પિપાસુ અવંતીવર્ધને પોતાના સગા નાનાભાઈ રાષ્ટ્રવર્ધનની હત્યા કરી નાંખી.

ભાઈના મૃત્યુ પછી આ અબળા ક્યાં જવાની ?

પણ આ નારી અબળા નહીં, પ્રબલા પૂરવાર થઈ. એ ડરીને કે રડીને ત્યાં બેસી ના રહી.

ગર્ભવતી હોવા છતાંય તે મહેલના ગર્ભમાં ગભરૂ થઈને ભરાઈ ના રહી.

અવંતીવર્ધનને એ વશ પણ ના થઈ અને પરવશ બનીને ક્યાંય લપાઈ ના ગઈ.

નીડર બનીને સ્પાઇડરમેનની જેમ તેણીએ ઉજ્જૈની છોડી દીધી.

પોતાના પતિની કોઈ અંતિમક્રિયા કરવા પણ તે ના રોકાઈ. કારણ તે જાણતી હતી કે હવે અહીં આબરૂ જોખમમાં છે.

મહેલ છોડયો. નગરી છોડી.

આ મજબૂત મનોબળ ધરાવતી સુકોમલ નારી પોતાના નાજુક પગે ચાલીને કૌશાંબી નગરીમાં પહોંચી. અને સાધ્વીજીના શ્રીમુખે વૈરાગ્ય વાણી સાંભળી સંયમનો સ્વીકાર કર્યો.

પોતે ગર્ભવતી હતી તેની જાણ કોઈને ના કરી. પણ સમયે તો બધું છતું કરી દીધું. કાળક્રમે પુત્રજન્મ થયો.  ધારિણીએ તે પુત્ર કૌશાંબીના રાજા અજિતસેનને અર્પણ કરી દીધો. અજિતસેનને કોઈ પુત્ર નહોતો. તેણે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ જ મણિપ્રભ આગળ જતાં કૌશાંબીનો રાજા થયો.

આ બાજુ રાષ્ટ્રવર્ધન હાથ ઘસતો રહી ગયો.

ભાઈને ખોયો અને ધારિણીને પણ ખોઈ.

પોતના અકાર્ય અને ભાગ્યને કોસતો તે વૈરાગ્યપંથે ચડયો. અને એક દિવસ પોતાના પુત્ર અવંતીષેણને ઉજ્જૈનીનું રાજ્ય સોંપી ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય શ્રી સુધર્માસ્વામીજીના શિષ્ય શ્રી જંબૂસ્વામી મહારાજ પાસે સંયમનો સ્વીકાર કર્યો.

'સંસારમાં માત્ર પોતાનો સ્વાર્થ દેખાય છે.

પરમાર્થભાવમાંથી પેદા થાય છે- સંયમનો સુરક્ષિત માર્ગ.'

 આ વાત કહી હતી અવંતીવર્ધનને સંયમ માર્ગ આપનાર ગુરુ શ્રી જંબૂસ્વામીજીએ. એ સમય હતો- મહાવીર સંવત્- ૨૪.

પ્રભાવના

ઉજ્જૈનના મહારાજા અવંતીષેણ અને કૌશાંબીના મહારાજા મણિપ્રભ. બંને પિતરાઈ ભાઈ થાય. બંનેને અરસપરસની કોઈ ઓળખ નહીં. એક યુદ્ધ પ્રસંગે મણિપ્રભુના માતા સાધ્વીજી ધારિણીએ બંનેની ઓળખ આપી. પિતા-કાકા મુનિની વાત જણાવી.

આ બંને રાજાઓએ ભેગા મળીને આચાર્ય ધર્મઘોષ સૂરિજી મહારાજાની સમાધિભૂમિ પર એક મોટો સ્તૂપ બનાવ્યો. અને જૈન ઇતિહાસ કહે છે કે એ સ્તૂપ એટલે આજનો બૌદ્ધ સ્તૂપ ગણાતો.- સાંચીનો સ્તૂપ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5QH0xvR
Previous
Next Post »