- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
જૈ ન જ્ઞાાનભંડારોનો અપ્રિતમ મહિમા છે. એમાં સચવાયેલા જ્ઞાાનની વિરાટ વિશાળતા માપવી શક્ય નથી. આ અંગે ગુજરાતના વિખ્યાત ગ્રંથપાલ અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી શ્રી કનુભાઈ શાહ પાસેથી સાંપડતી રસપ્રદ વિગતો સંક્ષેપમાં જોઈએ તો, જેસલમેર, ખંભાત, પાટણના કે અન્ય જૈન જ્ઞાાનભંડારોમાં જૈન ધર્મ-તત્ત્વજ્ઞાાન સંબંધિત સાહિત્ય ખરું જ. આ ફક્ત સાંપ્રદાયિક સાહિત્યનો જ સંગ્રહ નહિ, પરંતુ ભારતીય વ્યાપક સાહિત્યનો જ એ સંગ્રહ સમજવો જોઈએ. આ ભંડારો કાગળ પરની પ્રતિઓના તેમજ તાડપત્રીય ઇતર જ્ઞાાનસંગ્રહના સમજવા જોઈએ. મુનિ પુણ્યવિજ્યજીએ નોંધ્યું છે કે, ' આ ભંડારો વૈદિક, જૈન અને બૌદ્ધિક ગ્રંથોની ખાણરૂપ ગણવા જોઈએ. આમાં દરેક પ્રકારના સાહિત્યનો સંગ્રહ હોવાથી તે ભારતીય પ્રજાનો અણમોલ ખજાનો છે.'
જૈન જ્ઞાાનભંડારોમાં ફક્ત જૈન કૃતિઓ જ મળે છે અને તેની સાચવણી કરવામાં આવે છે એવું નથી. આ જ્ઞાાનભંડારોમાં જૈન અને જૈનેતર કૃતિઓનો/સાહિત્યનો સમાવેશ કરાયેલો જોવા મળે છે. જૈન ભંડારોમાં જૈન અને અજૈન લેખકો દ્વારા રચિત કૃતિઓ અને જૈન ધર્મ તેમજ અન્ય ધર્મ-સંપ્રદાયોના ગ્રંથો ઉપરાંત જ્ઞાાનવિશ્વના વિવિધ વિષયો જેવા કે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, આયુર્વેદ, જ્યોતિષ, ઇતિહાસ સંસ્કૃતિ, દર્શનશાસ્ત્ર, વિજ્ઞાાન, લલિતકલાઓ વગેરેની હસ્તપ્રતો સંગ્રહાયેલી અને સચવાયેલી છે. જૈન ધર્મ અને દર્શનના વિપુલ માત્રમાં ગ્રંથોનો સંગ્રહ જોવા મળે છે, પરંતુ અન્ય ધર્મ, દર્શનો કે સાહિત્યના સંગ્રહ પ્રત્યે જૈન સમાજ કે સાધુઓએ સાંપ્રદાયિકતા કે અણગમો દર્શાવ્યા નથી. વિશેષ તો જૈનેતર સાહિત્યની પ્રાપ્તિ અને અધ્યયન માટે જૈન મુનિ ભગવંતો તત્પર રહ્યાં છે અને પૂરતો સહકાર આપેલો જોવા મળે છે.
જૈન અને જૈનેતર સાહિત્ય ધરાવતા આ ભંડારોનું મુનિ ભગવંતોની પ્રેરણાથી અને ખુશાલીની સાથે જૈન સંઘોએ જતન અને રક્ષણ કર્યું છે. આજે જૈન ભંડારોમાં અન્ય ધર્મોની પ્રાચીન અને દુર્લભ એવી હસ્તપ્રતો જેમ કે બૌદ્ધગ્રંથ હેતુબિંદુટીકા, તત્ત્વસંગ્રહ, તત્ત્વસંગ્રહપંજીકા અને મોક્ષાંકરગુપ્તકૃત તર્કભાષા, ચાર્વાક દર્શનનો ઉપલબ્ધ ગ્રંથ ભટ્ટ જયરાશિકૃત તત્ત્વોપપ્લવ, રાજશેખરકૃત કાવ્યમીમાંસા વગેરે સંગ્રહાયેલા છે.
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ નોંધ્યું છે કે, 'જ્ઞાાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ ભંડારોમાં માત્ર જૈન ધર્મના જ ગ્રંથો લખાવતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈન શ્રમણોને દેશ સમગ્રના સાહિત્યની જરૂર પડતી હતી. અનેક કારણોસર દેશભરનું સાહિત્ય એકત્ર કરવામાં આવતું હતું. જૈન ભંડારોમાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથો હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈનશ્રમણોની પેઠે આટલા મોટા પાયા ઉપર ભારતીય વિશ્વસાહિત્યનો સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઈ ભારતીય જૈનેતર સંપ્રદાયે કર્યો હશે. જૈનેતર સમાજના પોતાના સંપ્રદાયના ભંડારોમાં ભગવદ્ગીતા, ઉપનિષદો અને વેદ જેવા માન્ય ગ્રંથોની પ્રાચીન પ્રતો પણ ભાગ્યે જ મળશે.'
સોલંકી સુવર્ણયુગમાં સાહિત્ય-સમૃદ્ધિની પ્રશંસનીય વિકાસ થયેલો જણાય છે તેમજ સેંકડો ગ્રંથોની રચના તથા લેખનાદિ પ્રવૃત્તિ પુષ્કળ પ્રમાણમાં વિકસી જણાય છે. તે સમયના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સાહિત્યની રચનાઓમાં મહારાજ કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, પરમાર્હત્ કુમારપાલ, ભીમદેવ, અર્જુનદેવ વગેરે રાજાઓનાં સંસ્મરણો તેમાં ગૂંથાયેલા છે. તથા તેમના અધિકારીઓ, મંત્રીઓ વગેરે નામ-નિર્દેશ પણ તેમાં કરાયેલો છે.
છેલ્લાં બારસો વર્ષના ગ્રંથોમાં ગ્રંથકારનો વિશેષ પરિચય મળી આવે છે. ગ્રંથોના અંતે લખેલી પ્રશસ્તિઓમાં તેઓએ પોતાની ગુરુપરંપરા દર્શાવી હોય છે. ગ્રંથ કયા નગરમાં રચ્યો, કયા રાજાના રાજ્યમાં રચ્યો, કયા વર્ષે, માસે, મિતિમાં રચ્યો ? તેમાં સંશોધનાદિ સહાયતા કોણે કરી ? કોની પ્રાર્થના-પ્રેરણાથી રચ્યો ? ગ્રંથનું શ્લોકપ્રમાણ કેટલું છે ? વગેરે ઐતિહાસિક આવશ્યક સામગ્રી એમાંથી મળી રહે છે.
જૈનાચાર્યોએ રચેલા અને લખાયેલા ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં ઐતિહાસિક સામગ્રીઓનો અઢળક સંગ્રહ થયેલો છે. ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રી જૈન ગ્રંથો, પ્રબંધો, શિલાલેખો, રાસાઓ આદિમાંથી મળે છે. તેનું અતિશ્ય મૂલ્ય છે. પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓનો અભ્યાસ જેટલો અને જેવો થવો જોઈએ તેવો થયો નથી. પ્રશસ્તિઓ અને હસ્તલિખિત ગ્રંથોના અંતભાગે પ્રસિદ્ધ થયેલી પુષ્પિકાઓમાં આપણા ઇતિહાસલેખનમાં ઉપયોગી તેમજ નાનાં-મોટાં ગામ-નગરો અને દેશો તથા ત્યાંના રાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ, શાહુકારો, કુળો, જ્ઞાાતિઓ, કુટુંબો અંગે રસપ્રદ હકીકતો મળે છે.
ગ્રંથો લખવામાં અને તેનું સંરક્ષણ કરાવવામાં, તેનાં પઠન-પાઠનમાં વ્યાખ્યાનો દ્વારા તેનો સદુપયોગ કરાવવામાં પરોપકારી જૈનાચાર્યો અને જૈન સાધુઓના સદુપદેશે બહુ મોટું પ્રદાન કર્યું છે. તેઓએ માત્ર જૈનાગમોના ગ્રંથો જ લખાવ્યા નથી. પરંતુ ઉપયોગી દરેક વિષયનાં લખાવ્યાં છે. તેના સંગ્રહો અનેક સ્થળોએ કરાવ્યા છે. તેમણે નવીન ગ્રંથોની રચના કરાવ્યા ઉપરાંત પ્રાચીન ગ્રંથો ઉપર વ્યાખ્યાદિ પણ રચ્યાં હતાં. આ પ્રમાણે સમાજ ઉપર એમનું ખૂબ જ ઋણ રહેલું છે.
મંત્રીશ્વર વસ્તુપાળે' નરનારાયણાનંદ મહાકાવ્ય' રચ્યું હતું. જે ગાયકવાડ પ્રાચ્યગ્રંથમાળામાં (નં.૨માં) પ્રકાશિત થઈ ગયું છે. તેના અંતિમ સર્ગમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે. તેમની પ્રાર્થના-પ્રેરણાથી નરચંદ્રસૂરિએ 'કથારત્નસાગર', નરેન્દ્રપ્રભસૂરિએ 'અલંકાર મહોદધિ, બાલચંદ્રસૂરિએ કરુણાવજ્રાયુધ નાટક' જેવા અનેક ગ્રંથોની રચના કરી હતી. મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના યશસ્વી જીવનને ઉદ્દેશીને તેમના સમકાલીન અનેક મહાકવિઓએ મહાકાવ્યો, નાટકો અને પ્રશસ્તિઓ રચ્યાં હતાં. કવિ સોમેશ્વરે 'કીર્તિકૌમુદી, અરિસિંહે 'સુકૃતસંકીર્તન, ઉદયપ્રભસૂરિએ 'સુકૃતકીર્તિકલ્લોલિની અને બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય તથા નરચંદ્ર અને નરેન્દ્રપ્રભસૂરિએ પ્રશસ્તિઓ રચેલી છે. મુસ્લિમ યુગમાં- અલાઉદ્દીનના સમયમાં ઠક્કુર ફેરુ જેવા વિદ્વાનો રચેલા 'વાસ્તુશાસ્ત્ર શિલ્પગ્રંથ' તથા બીજા કેટલાક શિલ્પગ્રંથો મળે છે.
પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાાનભંડારમાં માત્ર જૈન જ નહિં, પણ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મની અતિશય કીમતી હસ્તલિખિત પ્રતો પણ જોવા મળે છે. જૈનોના આગમોમાં પવિત્ર સાહિત્યની પ્રતોની દૃષ્ટિએ આ ભંડારો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગમ સાહિત્યમાં ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ તથા અન્ય પુષ્કળ ટીકાસાહિત્યનો પણ સમાવેશ થાય છે. જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ આ ભંડારોમાં સારી રીતે સચવાયેલું છે.
જૈન જ્ઞાાનભંડારોમાં વિપુલ સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ હોવાના કારણે કેટલાક જ્ઞાાનભંડારો અધ્યયન-અધ્યાપનમાં કેન્દ્રો બન્યાં હતાં. કાશ્મીરમાં પ્રાચીન સરસ્વતી ભંડાર હતો. ઉજ્જયિની (માળવા), પાટલીપુત્ર (પટણા) વગેરે સ્થળો પ્રાચીન સમયમાં વિદ્યાના કેન્દ્રો બન્યાં હતાં. માળવાનાં મહારાજા સાહસિક વિક્રમાદિત્ય, મુંજ અને ભોજના વિદ્યાપ્રેમે અનેક ગ્રંથોની રચના કરાવી હતી. અનેક વિદ્વાનોને ઉત્તેજન-પ્રેરણા પ્રોત્સાહનો મળ્યાં હતાં.
ગુજરાતમાં પાટણ, ખંભાત, પાલનપુર, વિજાપુર, અમદાવાદ વગેરે જૈન અને જૈનેતર સાહિત્ય અને શિક્ષણનાં કેન્દ્રો તરીકે રહ્યાં હતાં. તેથી આ સ્થળો ઘણી હસ્તપ્રતોનાં સર્જન, લેખન અને સંરક્ષણનાં કેન્દ્રો તરીકે પણ પ્રખ્યાત રહ્યાં છે. આ બધા જૈનજ્ઞાાનભંડારોમાં જૈન બાળકો તથા સાધુ-સાધ્વી ભગવંતોને શિક્ષણ પણ આપવામાં આવતું હતું. આજે પણ કેટલાક જ્ઞાાનભંડારો તેમજ ઉપાશ્રયમાં જૈન ધર્મ-તત્ત્વજ્ઞાાનનું શિક્ષણ આપવાની પ્રથા ચાલુ છે. ઉદાહરણ તરીકે હેમચંદ્રાચાર્યની પૌષધશાળામાં અનેક શિષ્યો રહેતા હતા. 'પ્રભાવકચરિત્ર'ની હસ્તપ્રતના એક ચિત્ર નીચે पण़्डित : छात्रान् व्याकरणम् पाढयति' એમ લખેલું છે. (એટલે કે પંડિતો છાત્રો શિષ્યોને વ્યાકરણનો પાઠ કરાવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/frsYEwJ
ConversionConversion EmoticonEmoticon