બાળા ઉપર પાશવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફાંસીની સજાનો હુકમ

- વસ્તુની લાલચ આપીને બાળાને છાપરામાં ખેંચી ગયો હતો : પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા પણ આદેશ

નડિયાદ

કઠલાલ તાલુકાના લસુન્દ્રાના નરાધમે માસૂમ બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં નડિયાદની સ્પેશિયલ કોર્ટેએ આરોપીને દેહાંત દંડ એટલે કે ફાંસીની સજાનો હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

આ ચકચારી કેસની વિગત એવી છે કે આજથી એક વર્ષ પહેલા કઠલાલ તાલુકાના લસુન્દ્રા બાજપાઈ નગરમાં રહેતા અપરણીત જયંતિભાઇ ઉર્ફે લંધો ચીમનભાઈ સોલંકી (ઉંમર. ૪૫ વર્ષ)એ એક પરિવારની છ વર્ષની માસુમ બાળાને આમલી આપવાની લાલચ આપી બળજબરીપૂર્વક ખેંચી પોતાના છાપરામાં લઈ ગયો હતો. જ્યાં બાળાનું મોઢું દબાવી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવની જાણ થતા બાળાના પિતાએ કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૭૬ (એ.બી) તથા પોક્સો એક્ટની કલમ ૫ (એમ), ૬ મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ  કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ નડિયાદની સ્પે. પોક્સો  કોર્ટમાં જજ  ડી.આર.ભટ્ટ સમક્ષ  ચાલી જતાં સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ કોર્ટમાં આશરે ૧૪ જેટલા દસ્તાવેજી પુરાવા તથા ૯ સાહેદોના મૌખિક પુરાવાઓ ફરિયાદ પક્ષે રજુ કર્યા હતા. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલે દલીલ કરી હતી કે આપણા સમાજમાં સગીર દીકરી ઉપર થતા આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહેલ છે ત્યારે આવા આરોપીઓને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ જજ ડી આર ભટ્ટે આરોપીને દેહાંતદંડ એટલે કે ફાંસીની સજા તથા દંડનો હુકમ કર્યો હતો.

જુદી જુદી કલમ હેઠળ સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ઈ.પી.કો.કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રુ.૫,૦૦૦નો દંડ, દંડ ની રકમ ના ભરે તો વધુ ૬ માસની કેદની સજા, 

ઈ.પી.કો કલમ ૩૭૬(એ)(બી) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી દેહાંત દંડની યાને ફાંસીની સજા તથા રૂ.પ૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે. 

પોકસો એકટની કલમ પ(એમ) સાથે કલમ- ૬ ના ગુનામાં દેહાંત દંડની યાને ફાંસીની સજા તથા રૂ.૫૦,૦૦૦ નો દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે.

વધુમાં આરોપીએ ભોગ બનનારને વળતર તરીકે રૂ.૨,૦૦,૦૦૦ ચુકવી આપવા  તેમજ સરકાર તરફથી  પીડિતાને વળતર પેટે રૂ.૭,પ૦,૦૦૦ ચુકવી આપવાનો હુકમ કરેલ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YayR6gz
Previous
Next Post »