ખેડા જિલ્લામાં 1200થી વધુ સ્થળે હોળી પ્રગટાવવામાં આવી


નડિયાદ

વસંતના વધામણા આપતી હોળી પર્વની આજે સમગ્ર ખેડા જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.નડિયાદ સહિત  જિલ્લાના નાના મોટા ગામોમાં સાંજે ૭ થી ૯ વાગ્યાની વચ્ચે હોળીકા દહન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઢોલ  નગારાની ધૂમ વચ્ચે  અબીલ ગુલાલ  જેવા રંગોનો છંટકાવ કરી  હોળીનું પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં  આજે ૧૨૦૦થી પણ વધુ સ્થળોએ હોળી પ્રગટાવવામા આવી હતી. 

ગુરૂવારે ફાગણ સુદ પૂનમ હોવાથી નડિયાદમાં સંતરામ રોડ, સ્ટેશન રોડ, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર સહિત અન્ય વિસ્તારોમાં હોળી હારડા, ધાણી, ખજૂર તથા ચણા તથા અબીલ, ગુલાલ અને  અગરબત્તી સહિત પૂજાપાનું વેચાણ થવા લાગ્યું હતું. જિલ્લાના અનેક ગામોમાં આ રીતે હોળીના પૂજાપાની હાટડીઓ ધમધમવા લાગી હતી. સાંજે સાત થી ૯ વાગ્યા દરમ્યાન હોળીના પ્રાગટય માટે ઢોલ નગારાની ધૂમ વચ્ચે હોળી માતાનું શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન વિધિ સંપન્ન થયા બાદ  જયઘોષના વાતાવરણ વચ્ચે હોળીનું પ્રાગટય કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ  મહિલાઓએ હોળી માતાની આસપાસ પ્રદક્ષિણા કરી પાણીનો અભિષેક કરવા સાથે પૂજન કર્યું હતું. 

નડિયાદમાં કોલેજ રોડ, સીવીલ રોડ, નાનાકુંભનાથ રોડ, પશ્ચિમ વિસ્તાર, પીજભાગોળ, ખેતાતળાવ, પવનચક્કી રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોની  અનેક સોસાયટીઓ જેવા રહેણાંક વિસ્તારોમાં નાકાઓ પર હોળી પ્રગટાવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ તેના પૂજનનો લ્હાવો લીધો હતો. જિલ્લાના નાના મોટા ગામોમાં પણ આજે હોળીકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં બાવળ, આંબો, લીમડો, ગુલમહોર તથા બીજા વૃક્ષોના હજારો મણ લાકડાનો ઉપયોગ કરાયો હતો. 

ઘીમાં બનાવેલી ઘઉંની સેવ આરોગવાનો મહિમા

હોળીના દિવસે ઉપવાસનો અનેરો મહિમા છે. હોળી પ્રગટાવે એ પછી તેનું પૂજન કરી શ્રદ્ધાળુઓ ભોજન કરતા હોય છે. જે મુજબ આજે અનેક  શ્રદ્ધાળુઓએ સંધ્યાટાણે હોળી માતાનું રિવાજ મુજબ પૂજન કરી ભોજન ગ્રહણ કર્યું હતું. હોળીના દિવસે ઘીમાં બનાવેલ ઘઉંની સેવો ખાવાનો પણ મહિમા છે. તેથી આજે અનેક ઘરોમાં આ રીતે સેવો બનાવવામાં આવી હતી. ઘણી જગ્યાએ પ્રસાદીરૂપે તેનું વિતરણ પણ કરાયું હતું. ઉપરાંત ઘણા પરિવારોમાં આજે હોળી પૂજન બાદ પહેલી વખત સીઝનની કેરી ખાવાનો પણ રિવાજ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F1VEgCe
Previous
Next Post »