- વાહનોથી પાર્કિંગ ભરાઇ જતાં અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવી પડી
- પવિત્ર દિવસે મહી નદીમાં આસ્થાની ડુમબકી લગાવી બે લાખથી વધુ લોકોએ ધન્યતા અનુભવી
નડિયાદ : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને મહી અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ ગળતેશ્વર મહાદેવ ખાતે હોળી-ધુળેટી નિમિતે લાખો શ્રધ્ધાળુઓએ મહિ નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી. અંદાજે બે લાખથી વધુ લોકોએ મહી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
બે વર્ષનું સાટું વાળવાનું હોય એમ આ વર્ષે ગળતેશ્વરમાં આશરે પાંચ કિ.મી સુઘીનો લાંબો ટ્રાફીક જોવા મળ્યો હતો.ઉપરાંત વાહન પાર્કિંગ ભરાઇ જતા અન્ય સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ તાત્કાલીક ઉભી કરવી પડી હતી. લાખો શ્રદ્ધાળુઓના આગમનથી સ્થાનિક વેપારીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો. ગળતેશ્વર ખાતે છેલ્લાં બે દવિસ દરમ્યાન હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે લાખો યાત્રાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. ડાકોરમાં ફાગણી પૂનોમે શ્રીજીના દર્શન બાદ સીધૈા ગળતેશ્વર મહાદેવના દર્શન અને મહી નદીમાં સ્નાન કરવા પહોંચી ગયા હતા. ફાગણી પૂનમે મહાદેવજીના દર્શન કરીને મહી નદીમાં સ્નાન કરવાના મહિમાને કારણે નદીમાં સ્નાન કરનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. શિવ મંદિરની અંદર અને બહાર હજારો શિવભક્તોએ વહેલી સવારે પાંચ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ધોમધખતા તાપમાં લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
છેલ્લાં ૩૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ધુળેટીના દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ગળતેશ્વર ખાતે ઉમટી પડયા હતા. અંબાવ ફાટકથી ગળતેશ્વર માહદેવ સુધી આશરે પાંચ કિ.મી લાંબો ટ્રાફીક જોવા મળ્યો હતો.જ્યારે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ અનિઇચ્છનિય બનાવ ન બને તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ નદીના પટ્ટ વિસ્તારમાં એન.ડી.આર.એફની ટીમો ખડેપગે ઉભા રહ્યા હતા. આજના દિવસે અત્યાર સુધીમાં મહીસાગર નદીમાં ઘણા માણસો ડૂબવાના બનાવો બન્યા છે ત્યારે આ વખતે વહીવટી તંત્રએ તકેદારી રાખતા કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. નદીના પટમાં તરવૈયાઓની ટીમ, બોટ, ટયુબો જેવા સાધન સજ્જ સાથે સતત પાણીના વહેણમાં પેટ્રોલીંગ કર્યુ ંહતું. આ સમયે યાત્રિકો માટેની પાયાની સુવિધા ન હોવાની વાત આંખે વળગતી જોવા મળી હતી.
ભક્તોના ઘસારાને પહોંચી વળવા પોલીસ કાફલો તૈનાત
ગળતેશ્વર ખાતે હોળી ધુળેટીના પર્વએ ઉમટતા લાખો યાત્રિકો વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસને કાફલો ગળતેશ્વર ખાતે તૈનાત કરાયો હતો. જેમાં ૧૧૦ હોમગાર્ડ, જીઆરડી ૪૫ ભાઇઓ અને ૨૩ બેહનો, ર પોલીસ ઇન્સ્પેક્ટર, ૩૮ પોલીસ થઇ કુલ ૨૧૮ પોલીસનો કાફલો ગળતેશ્વર ખાતે ઉતર્યો હતો.
જલાનગરમાં શનીવારે ધુળેટી ઉજવાઇ
ઠાસરા તાલુકાના જલાનગર ગામમાં આજે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આખા ગુજરાતમાં શુક્રવારે ધુળેટી ઉજવાઇ હતી. પરંતુ એકમાત્ર જલાનગરમાં શનીવારે એટલે કે બીજા દિવસે ધુળેટી ઉજવવામાં આવે છે.
લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા 4 કલાક સુધી ટ્રાફિક જામ
ગળતેશ્વર મહાદેવ ખાતે દૂર દૂરથી વાહનો લઇને આવતા લોકો માટે ચારથી પાંચ પાર્કિંગની સુવિધા છે. પરંતુ આ વર્ષે ભાવિક ભક્તોની ઉમટી પડેલી મેદનીને કારણે આ પાર્કિંગો પણ ઉભરાઇ ગયા હતા. અંબાવ રેલ્વે ફાટકથી સુખીની મુવાડી, દરગાહથી મંદિરના મુખ્ય દરવાજા સુધી વાહનચાલકોએ પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરતા અંબાવથી ગળતેશ્વર બસ ડેપો સુધી ૪ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આથી ટ્રાફીક પોલીસે રસ્તામાં મૂકેલા વાહનોને આસપાસના ખેતરોમાં ડાયવર્ટ કરતા ૪ કલાકે ટ્રાફિકની સમસ્યા હલ થઇ શકી હતી. તો વળી મહીસાગર નદીના ડીપ પુલ પર પણ વડોદરા તરફથી આવતા વાહનોને કારણે બે કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. જેને ચાલુ કરવા વડોદરાના ડેસર તાલુકાની પોલીસે આવીને ટ્રાફીક દૂર કરવા મદદ કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/d5GFkpz
ConversionConversion EmoticonEmoticon