મહીસાગર નદીમાં ડુબી જવાથી 4 આશાસ્પદ યુવાનોના મોત


- વણાકબોરી પાસે પસાર થતી નદી ધુળેટીના તહેવારમાં ગોઝારી બની

- કઠલાલના હીંમતપુરામાં એક સાથે 4-4 અર્થીઓ ઉઠતા આખુ ગામ હિબકે ચડયું : અલીણા ગામમાં પણ શોકનો માહોલ

 નડિયાદ : કઠલાલ તાલુકાના હીંમતપુરામાં ધુળેટીનો પર્વ શોકનો તહેવાર બની ગયો. ગામના ત્રણ યુવાનોનું વણાકબોરી પાસેની મહીસાગર નદીમાં ડૂબવાથી મોત નિપજતા પંથકમાં ઘેરા શોકની લાગમી પ્રસરી હતી. આજે સવારે એક સાથે ચારેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા ગ્રામજનો હિબકે ચઢ્યા હતા. આ ચારમાંથી એક યુવાન ગામનો ભાણેજ હતો અને મામાના ઘરે હોળી કરવા આવેલ. જેનું મોત થતા હિંમતપુરા સાથે અલીણા ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો છે.

હીંમતપુરા ગામે રહેતા ૮થી ૧૦ યુવાનો ગત્ રોજ ધુળેટી પર્વ હોવાથી વણાકબોરી પાસે આવેલ મહી નદીમાં ન્હાવા ગયા હતા. જ્યાં નહાતા સમયે ચાર મિત્રો  ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જો કે અચાનક થયેલ આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટના અંગે સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા આ તરવૈયાઓ અને બાલાસિનોર પોલીસ દ્વારા ડુબી ગયેલા યુવાનોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જ્યાં ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે હિંમતપુરા ગામમાં જાણ થતા યુવાનોના પરિવારજનો ભારે શોકમાં ડૂબી ગયા હતા અને બધા બાલાસિનોરની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં પોતાના ૧૬થી ૧૭ વર્ષના આશરાના જવાનજોધ દિકરાઓને જોઇને પરિવારજનો ભાંગી પડયા હતા. માતાઓના અસહ્ય આક્રંદ જોઇને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઇ હતી. મોડી રાત્રે ચારેય યુવકોના પીએમ બાદ તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આજે સવારે આ ચારેય યુવકોની એકસાથે ગામમાં અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં આખું ગામ જોડાયું હતું. એકસાથે નીકળેલી ચારેયની અર્થી જોઇને પરિવારજનો અને ગ્રામજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યુ હતું. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5jKY91I
Previous
Next Post »