સામંથા રુથ પ્રભુને માત્ર ગ્લેમ ડોલ બનીને નથી રહેવું


- અભિનેત્રી રીમેકમાં કામ કરવા રાજી નથી.  તે કહે છે કે મને એમ જ સારી  ફિલ્મો ઓફર થઈ  રહી છે. તેથી  મને રીમેકમાં  કામ કરવામાં ખાસ રસ નથી

- સામંથા  માને છે કે વર્તમાન સમય કલાકારો માટે  શ્રેષ્ઠ છે. તે કહે  છે કે  અલગ અલગ  ફિલ્મોદ્યોગ વચ્ચે રહેલી  ભેદરેખા  ઝપાટાભેર ઝાંખી થઈ રહી છે.  છેલ્લા કેટલાંક સમયમાં  કલાકારોને  વિવિધ વિષયો પર કામ કરવા પુષ્કળ  તકો મળી રહી છે  

અ ભિનેત્રી  સામંથા રુથ પ્રભુએ   મનોજ બાજપાઈ સાથે કરેલી  વેબ સીરીઝ 'ફેમિલી મેન' ને ખોબલે ખોબલે પ્રશંસા મળી છે.  આ  શોમાં તેના  અભિનયની  પણ બેમોઢે   પ્રશંસા  થઈ રહી છે.  દક્ષિણ ભારતની  ફિલ્મોમાં  પુષ્કળ કીર્તિ-કલદાર મેળવ્યા પછી આ  અદાકારા હિન્દી  ફિલ્મોદ્યોગમાં પણ પગદંડો જમાવી રહી  છે.

સામંથા  કહે  છે કે મેં ક્યારેય  વેબ ક્ષેત્રે આવવાની કલ્પના પણ નહોતી  કરી.  પરંતુ રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેને  કારણે   સઘળાં સમીકરણો  બદલાઈ ગયાં.  જો કે હું ક્યારેય  એમ નથી કહેતી  કે હું ચોક્કસ  ક્ષેત્રમાં કામ નહીં  કરું.  અને વેબ શો કર્યા પછી  મને જે માન-સન્માન, ખ્યાતિ  મળ્યાં છે તેને કારણે  મારો આત્મવિશ્વાસ  બુલંદ  બન્યો છે. હું હવે   નવા નવા પડકારો ઝીલવા  સજ્જ  છું.  સામંથા  લાંબા સમય  સુધી બોલીવૂડથી  દૂર રહી હતી. તે કહે છે કે  મને પહેલા દક્ષિણ  ભારતીય  ફિલ્મોદ્યોગમાં પગ મૂકવાની જગ્યા મળી.  પરંતુ મારો આત્મવિશ્વાસ  છેલ્લા  બે વર્ષમાં   વધ્યો છે. અગાઉ  મેં   ફિલ્મોની પસંદગીમાં થાપ ખાધી છે.  તેથી મને  મારા કામમાં  સંતોષ નથી મળ્યો. પરંતુ  છેલ્લા  બે વર્ષમાં  પરિસ્થિતિ   ઘણાં અંશે બદલાઈ છે.   હવે  હું જે કામ મળે તે સ્વીકારી નથી લેતી.  ક્યું  કામ મને સફળતા  અપાવશે અને  શેમાં નિષ્ફળતા  મળશે  તેનો પૂરેપૂરો વિચાર કર્યા પછી જ હવે હું આગળ વધું છું.  કદાચ  આ કારણે જ મને બોલીવૂડ સુધી પહોંચતા લાંબો સમય  લાગી ગયો. 

સામંથા  માને છે કે  વર્તમાન સમય કલાકારો માટે  શ્રેષ્ઠ છે. તે કહે  છે  કે  અલગ અલગ  ફિલ્મોદ્યોગ વચ્ચે રહેલી  ભેદરેખા  ઝપાટાભેર ઝાંખી થઈ રહી છે.  છેલ્લા કેટલાંક સમયમાં  કલાકારોને  વિવિધ વિષયો પર કામ કરવા પુષ્કળ  તકો મળી રહી છે.  પરિણામે  અન્ય ઈન્ડસ્ટ્રીના, એટલે કે પ્રાદેશિક  ભાષાની  ફિલ્મોમાં  કામ કરતાં કલાકારો  પણ બોલીવૂડ તરફ વળ્યાં છે. 

સામાન્ય રીતે કોઈપણ કલાકાર ચોક્કસ  પ્રકારની  ભૂમિકામાં  સફળ થાય એટલે  ફિલ્મ સર્જકો  તેને એવા જ રોલ ઓફર કરે.  પરંતુ છેલ્લા  ઘણાં વર્ષથી  મોટાભાગના  અભિનેતાઓ  તેમ જ અભિનેત્રીઓ  ટાઈપકાસ્ટ થવાનુવં પસંદ નથી કરતાં.  તેઓ  પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવવા ઈચ્છતા હોય છે.  જો કે મઝાની વાત એ  છે કે તેમને આવી તક ફિલ્મો કરતાં ઓટીટી  પ્લેટફોર્મ  પર મોટા પ્રમાણમાં મળી રહી  છે. 

કદાચ એટલે જ ફિલ્મોદ્યોગના ટોચના કલાકારો પણ ઓટીટી મંચ તરફ આકર્ષાયા  છે. સામંથા  પણ આ વાત માને છે.  તે કહે  છે કે મને મારા તાજેતરના  વેબ શોમાં  જે ડાર્ક અને લેયર્ડ  રોલ કરવાનો  મોકો  મળ્યો  તે કદાચ   કમર્શિયલ ફિલ્મોમાં ન મળત.  ઓટીટી  એકદમ અનોખો મંચ  છે.  અહીં તમને  હટકે- રસપ્રદ  વિષયો પર કામ કરવાની  બહોળી તક મળી શકે  છે.  ફિલ્મોમાં જે કલાકારો  ટાઈપકાસ્ટ થઈ ગયા હોય તેમને અહીં  પોતાની  બહુમુખી  પ્રતિભા દર્શાવવાની   તક મળે  છે.   સામંથા  પોતાનું જ ઉદાહરણ આપતાં કહે છે  કે અગાઉ હું દર બીજી  ફિલ્મમાં  ક્યુટ (આકર્ષક-ગમતીલી)  યુવતીની ભૂમિકા ભજવતી હતી.  એક તબક્કે મને  એમ પણ થયું હતું  કે બસ, હવે બહુ થયું. શું હું  માત્ર આ પ્રકારના પાત્રો જ ભજવી  જાણું છું. ખરેખર  તો મારા જેવી  અભિનેત્રીઓ ઘણું કરવાની ક્ષમતા રાખે છે.

છેલ્લા  ઘણાં  વર્ષથી  રીમેકનો  વાયરો  વાયો  છે.  સામંથાની 'યુ ટર્ન' ની પણ રીમેક  બની હતી.  પરંતુ અભિનેત્રી પોતે રીમેકમાં  કામ કરવા રાજી નથી.  તે કહે છે કે મને એમ જ સારી  ફિલ્મો ઓફર થઈ  રહી છે. તેથી  મને રીમેકમાં  કામ કરવામાં ખાસ રસ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RmasrAO
Previous
Next Post »