- ડિસ્કવરી-ડો. વિહારી છાયા
- ગુફામાં છુપાઈ રહેલાઓનો ખાતમો બોલાવવા આ બોમ્બ અસરકારક નીવડે છે. ગુફામાંથી ઓક્સિજન જ શોષાઈ જાય ગુફાની અંદરની હવા સળગી ઉઠે તો અંદર રહેલા અંદરને અંદર જ ખતમ થઇ જાય
આ જકાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ લડાઈ તીવ્ર બની રહી હોવાથી, ભય વધી રહ્યો છે કે તેમા વધુ ઘાતક શસ્ત્રોનો ઉપયોગ થશે. યુક્રેનિયન રાજદૂતના કહેવા મુજબ રશિયાએ તેના દેશ પરના આક્રમણમાં વેક્યુમ બોમ્બ, જેને થર્મોબેરિક બોમ્બ અથવા થર્મોબેરિક રોકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કર્યો છે. આ પરમાણુ બોમ્બ કે હાઈડ્રોજન બોમ્બ નથી. તે પરંપરાગત રાસાયણિક બોમ્બ પણ નથી. પરંતુ તેના જેટલો જ શક્તિશાળી બોમ્બ છે. તેની ટેકનોલોજી પરમાણ્વિક નહીં હોવાથી તેના પ્રયોગ સામે કોઈ રોક નથી.
પરંપરાગત બોમ્બમાં 'ટ્રાય નાઇટ્રોજન ટોલ્યુઇન' જેને ટૂંકમાં 'ટીએનટી' કહે છે તે રસાયણનો વિસ્ફોટક તરીકે ઉપયોગ કરે છે. પરમાણ્વિક બોમ્બમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમનો તેમજ હાઈડ્રોજનનો વિસ્ફોટ તરીકે ઉપયોગ થાય છે. પરંપરાગત બોમ્બમાં વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયાને આભારી હોય છે. જ્યારે પરમાણુ બોમ્બ તરીકે ઓળખાતા પરમણ્વિક બોમ્બમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમના પરમાણુઓની નાભીઓના વિખંડન (ફીશન)ને આભારી છે. જ્યારે હાઈડ્રોજન બોમ્બ તરીકે ઓળખાતા બોમ્બમાં હાઈડ્રોજન પરમાણુની નાભીઓના સંલયન (ફ્યુઝન) ને આભારી છે. પરમાણ્વિક બોમ્બનું વૈજ્ઞાાનિક નામ 'ન્યુક્લિયર બોમ્બ' અર્થાત 'ફીશન બોમ્બ' છે અને હાઇડ્રોજન બોમ નું સાચું નામ 'થર્મો ન્યુક્લિયર બોમ્બ' અર્થાત 'ફ્યુઝન બોમ્બ' છે.
પરંપરાગત રાસાયણિક બોમ્બમાં બળતણ સાથે ઓક્સિડાઇઝરનું મિશ્રણ હોય છે. બોમ્બમાં રહેલા ટીએનટીનું તેની સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં વિસ્ફોટ થાય છે. પરંતુ થર્મોપ્બેરીક બોમ્બમાં ઓક્સિડાઇઝર હોતો નથી. તેમા લગભગ ૧૦૦% બળતણ જ હોય છે. રાસાયણિક પ્રક્રિયા માટે જે ઓક્સિજનની જરૂર પડે છે તે આ બોમ્બ વાતાવરણમાંથી લે છે. સમાન વજનના પરંપરાગત વિસ્ફોટકો કરતાં આ બોમ્બ નોંધપાત્ર રીતે વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે.
આમ તો ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ રશિયાએ પ્રથમ વાર આ બોમ્બનો પ્રયોગ કર્યો હતો. અમેરિકા પણ આ બોમ્બનો પ્રયોગ કરી ચૂકેલ છે. થર્મોબેરિક શબ્દ ગ્રીક શબ્દ, 'થર્મોસ' એટલે ગરમી અથવા 'હીટ' અને 'બારોસ' એટલે કે 'દબાણ'ના સંયોજન પરથી આવ્યો છે. વ્યવહારમાં, થર્મોબેરિક હથિયારો એક એવું શસ્ત્ર છે જે લક્ષ્ય પર તાપમાન અને દબાણની અસરોનો ઉપયોગ કરી ઉચ્ચ-તાપમાનનો વિસ્ફોટ કરે છે. થર્મોબેરીક બોમ્બમાં પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં એક વાદળ રચવામાં આવે છે તે વાદળ પાવડર કે પ્રવાહી રસાયણથી રચવામાં આવે છે બીજા તબક્કામાં એક બીજી પ્રક્રિયા થાય છે આ બીજી પ્રક્રિયા દ્વારા મુખ્ય વિસ્ફોટક હવા સાથે સીધી રાસાયણિક પ્રક્રિયા કરે છે.
આ બોમ્બના કારણે જે આઘાતના મોજા સર્જાય છે તે પરંપરાગત વિસ્ફોટના આઘાત જેટલા પ્રબળ નથી હોતા તેમ છતાં તે વધારે નુકસાન પહોંચાડી શકે છે કારણ કે આ બોમ્બના વિસ્ફોટથી ઉત્પન્ન થતાં આઘાત મોજા લાંબું ટકે છે. તેમજ જેમ દૂર જઈએ તેમ તેની પ્રબળતા ઘટે તો છે પરંતુ બહુ ધીમે ધીમે ઘટે છે.
વળી બીજા તબક્કામાં જે વિસ્ફોટ થાય છે તે પછી અમુક વિસ્તારમાં આંશિક શૂન્યાવકાશ (વેક્યુમ) ઊભું થાય છે. તેના થકી આસપાસની હવા એકદમ શોષણ પામે છે. તેના દ્વારા આવરી લેવાતા વિસ્તારમાં શૂન્યાવકાશ તેમજ રાસાયણિક પ્રક્રિયાના કારણે ઓક્સિજન ખેંચાઇ જાય છે. અને તેથી જ તે વિસ્તારમાં જે લોકો હોય તે ગુંગળામણ અનુભવે છે. શરૂઆતના તબક્કામાં જે વિસ્ફોટ થયો હોય તેમાંથી બચેલા આ ગૂંગળામણથી મોતને ભેટે છે.
આ બોમ્બ મજબૂત બંકરમાં છુપાયેલા સૈનિકોનો ખાત્મો બોલાવી શકે, વધારે મજબૂત ન હોય તેવી ઇમારતોનો પણ સફાયો કરે છે, દીવાલો અને ભોય તળિયા આ બોમ્બ સામે ઢાલ પૂરી પાડી શકતા નથી. ગુફામાં છુપાઈ રહેલાઓનો ખાતમો બોલાવવા આ બોમ્બ ઘણો અસરકારક નીવડે છે. ગુફામાંથી ઓક્સિજન જ શોષાઈ જાય ગુફાની અંદરની હવા સળગી ઉઠે તો અંદર રહેલા અંદરને અંદર જ ખતમ થઇ જાય. જો આ વેક્યુમ બોમ્બ અતિ શક્તિશાળી હોય તો ગુફા કડડભૂસ કરતી તૂટી પણ પડી શકે. અગાઉ અમેરિકાએ અફઘાનિસ્તાનની લડાઈમાં ગુફાને તોડવા 'કેવ બસ્ટર્સ' તરીકે ઉપયોગમાં લીધા હતા. આવા થર્મોબેરીક શાસ્ત્રો માત્ર રશિયા, અમેરિકા, ચીન જેવા દેશો પાસે જ નહીં પરંતુ આતંકવાદીઓના અમુક જૂથ પાસે પણ હોવાની શક્યતા છે.
જ્યારે આ બોમ્બનો પ્રથમ વાર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે તેને ટીયુ-૧૬૦ બોમ્બર વિમાનમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. તે જ્યારે જમીનથી ૩૦ ફૂટ ઊંચાઈએ હતો ત્યારે તેમાં રહેલા દાહક રસાયણો ભરેલા નળાકારો પર ઝટકો લાગતા નળાકારો તૂટી ગયા અને ખુલ્લા થઈ ગયા. તેમાનું દાહક રસાયણ ઝડપથી હવામાં બહાર ફેલાવા લાગ્યું અને તેનું એક વાદળ રચાયું. આ વાદળ ઝડપથી ફેલાવા લાગ્યું. આ વાદળોમાં દાહક રસાયણોની જે બાષ્પ હતી તે અને હવાનું મિશ્રણ થતું ગયું. આ મિશ્રણ અત્યંત જ્વલનશીલ એટલે કે જલ્દીથી સળગી ઊઠે તેવું હોય છે. તે ભભૂકી ઊઠે છે અને મોટો વિસ્ફોટ થાય છે. તેના આઘાતના મોજા એક સેકન્ડના ત્રણ કિલોમીટરની સુપરસોનિક એટલે કે અવાજ કરતાં વધુ ઝડપથી પ્રસરે છે. તેનાથી ભયંકર ખાનાખરાબી થાય છે. આઘાતના પ્રબળ મોજા અને અત્યંત ઊંચા તાપમાનને કારણે ખાના-ખરાબી સર્જાય છે. રશિયાના આ બોમ્બની ક્ષમતા ૪૪ મેટ્રિક ટન ટીએનટીના રસાયણિક બોમ્બ જેટલી હતી.
જો વિસ્ફોટ ન થાય અને માત્ર દાહક રસાયણનુ બસ વાદળ જ ફેલાય તો પણ તે પણ અત્યંત ઝેરી હોય છે અને મૃત્યુ નીપજાવે છે, ગંભીર રીતે દઝાડે છે. ગુંગળાવીને મારી નાખે છે તે દબાણ તરંગ છે. જેઓ વિસ્ફોટના સ્થળ ઉપર જ (ઇગ્નીશન પોઈન્ટ) હોય તેઓ તો સાફ થઈ જાય અને જેઓ થોડા દૂર હોય તેઓને ઘણી આંતરિક ઇજાઓ થવાની સંભાવના છે, જેમાં કાનનો પડદો ફાટવો અને કાનના અંદરના અવયવોને નુકશાન, ફેફસાં ફાટી જવા અને અંધત્વ.
અત્યારના રશિયા અને યુક્રેનના યુદ્ધમાં, રશિયા આ વેક્યુમ બોમ્બ, જેને થર્મોબેરિક રોકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને છોડવા માટે TOS-1 બુરાટિનો' નામના મલ્ટિપલ રોકેટ લોન્ચર જે રશિયાના શસ્ત્રાગારમાં સૌથી ભયાનક શસ્ત્રો પૈકીનું એક છે તેનો ઉપયોગ કરે તેવી સંભાવના છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/q3Hd8m5
ConversionConversion EmoticonEmoticon