ડાકોરમાં ફાગણી પૂનમના મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ : આવતી કાલથી મેળાનો પ્રારંભ થશે


- ડાકોર મંદિર રોશનીથી ઝગમગી ઉઠયું : તંત્રના 14 વિભાગ દ્વારા મેળાની તડામાર તૈયારી

નડિયાદ : યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે લોકમેળો યોજાશે. જેમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ દર્શનાર્થે પધારશે. યાત્રાળુઓને મંદિર સુધી પહોંચતા કે દર્શનમાં સવલત રહે તે માટે ડાકોર મંદિર ટેમ્પલ કમીટી, ડાકોર નગરપાલિકા, ઉપરાંત ૧૪ જેટલા સરકારી વિભાગો દ્વારા વિવિધ સેવાઓ અને કાર્યો હાથ ધરાયા છે.

ડાકોર નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી, પીવાના પાણીની વ્યવસ્થા,મોબાઇલ ટોઇલેટ વાન,ફાયર ફાઇટરની ટીમ, એમ્બ્યુલન્સ ટીમ, એનડીઆરએફની તરવૈયાની ટીમ, ઉપરાંત ડાકોર નગરપાલિકાનો તમામ સ્ટાફ ડાકોરમાં આવતા યાત્રાળુઓની મદદ માટે તેમને સોંપવામાં આવેલ સ્થળ ઉપર મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી હાજર રહેશે.

 દર્શનાર્થીઓ માટે ૨ લાખ લાડુનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ડાકોરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર ૬૦ એલઇડી લગાવવામાં આવશે. જેના થકી દર્શનાર્થીઓ મંદિરના દર્શનનો સમય જાણી શકશે અને શ્રીજીના દર્શન કરી શકશે. પદયાત્રીઓ અને યાત્રીકો માટે શુદ્ધ પીવાના પાણી માટે ૨૪  જેટલા ફીલીંગ પોઇન્ટ ઉભા કરાયા છે. 

ઉપરાંત શુદ્ધ પીવાના પાણીના ટ્રેક્ટર ટેન્કર પણ તૈયાર રખાશે. ઉપરાંત ડાકોર એમજીવીસીએલ  દ્વારા ૧૫ માર્ચથી ૧૮ માર્ચ દરમ્યાન રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ શરુ કરાયું છે.  બહારથી આવતા યાત્રિકો માટે ૧૦ જેટલા મોબાઇલ ટોયલેટ મુકવામાં આવ્યા. અને શહેરના બંધ હાલતમાં રહેલ જાહેર શૌચાલયોને ચાલુ કરવામાં આવ્યા.  

પદયાત્રીઓ માટે આ સ્થળોએ મેડિકલ કેમ્પની સુવિધા

ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પણ ફાગણી પૂનમ નિમિત્તે વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ડાકોર આવતા પદયાત્રીઓના દરેક રૂટ ઉપર કુલ ૮ જેટલા મેડીકલ કેમ્પો ઉભા કરાયા છે. જેમાં રણછોડરાયજી મંદિર, ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી. મહુધા ચોકડી, વનકુટીર, નાની ખડોલ બસ મથક પાસે ,અલીણા ચોકડી,  અને કૃષ્ણધામ બોરડી પાસે મેડીકલ કેમ્પોની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત ઇમરજન્સી સેવાઓ માટે ડાકોરમાં રણછોડરાયજી મંદિર બહાર શ્રીજી મીઠાઇ ઘરની બાજુમાં, નગરપાલિકા ખાતે, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અને ગળતેશ્વર ખાતે ૧૦૮ એમ્બ્યુન્સ સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે. ઉપરાંત પદયાત્રીઓના તમામ રૂટ ઉપર ૫ પ્રાથમિક સેવા કેન્દ્રો આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર માટેની મેડીકલ ટીમ કાર્યરત્ રાખેલ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5lLXRAx
Previous
Next Post »