દીનનાથ, દયાળ, નટવર... મારી નાડ તમારે હાથ...


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- આજના સમયમાં આપણી ગુજરાતી ભાષાના કાવ્ય સંગ્રહની પાંચસો નકલ પણ વધી પડતી હોય છે. આ અત્યંત દુ:ખદ વાત છે.

મારી અવગણના કરશો મા

દીનનાથ, દયાળ, નટવર, હાથ મારો મૂકશો મા,

હાથ મારો મૂકશો મા, હાથ મારો મૂકશો મા.

આ મહાભવસાગરે ભગવાન, હું ભૂલો પડયો છું,

ચૌદ-લોક-નિવાસ ચપલા-કાન્ત, આ તક ચૂકશો મા.

ઓથ ઈશ્વર આપનો, સાધન વિષે સમજું નહીં હું,

પ્રાણપાલક, પોત જોઈ શંખ આખર ફૂંકશો મા.

માત, તાત, સગાં, સહોદર, જે કહું તે આપ મારે,

હે કૃપામૃતના સરોવર, દાસ સારું સૂકશો મા.

શરણ કેશવલાલનું છે ચરણ હે હરિરામ, તારું,

અખિલનાયક, આ સમય ખોટે મશે પણ ખૂટશો મા.

- કેશવલાલ હરિરામ ભટ્ટ

કેશવલાલ હરિરામના ભજનો એક સમયે ઘેર-ઘેર ગવાતાં હતા, વંચાતા હતા અને ગ્રામોફોન વાજા ઉપર લોકો તેને વગાડતા હતા. એ સમયગાળાના લોકોમાં સાહિત્યની તરસ હતી. રેડિયો, ટી.વી. જેવા કોઈ પ્રચાર-પ્રસાર માધ્યમો નહોતા ત્યારે જેમના ભજનોએ, જેમના કાવ્યોએ લોકોને ઘેલું લગાડયું હતું તેમાનું એક સર્વોચ્ચ નામ એટલે ભટ્ટ કેશવલાલ હરિરામ. ૧૮૫૨માં તેમનો જન્મ અને ૧૮૯૬માં તેમનું અવસાન. અવસાન પામ્યા ત્યારે તેમણે પોતે તેમના કાવ્યોની હસ્તપ્રત તૈયાર કરેલી અને તેનું શિર્ષક રાખેલું હતું કે ''કેશવકૃતિ અથવા અનુભવના ઉદ્ગાર''. આ પુસ્તકી હસ્તપ્રતના આધારે તેમના ભત્રીજા પ્રભાશંકર દલપતરામે ૧૮૯૭માં આ કાવ્ય સંગ્રહની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી. અને ૧૯૧૫ સુધીમાં આ સંગ્રહની ચોથી આવૃત્તિ પ્રગટ થાય છે. દરેક વખતે ૧૦૦૦ નકલ કાવ્ય સંગ્રહની વેચાઈ. અને ૧૯૧૫ની ચોથી આવૃત્તિ ઉપરથી ૭૫૦ નકલની, પહેલી આવૃત્તિ ૧૯૮૩માં મુકુન્દરાય વિ. પારાશર્યએ પ્રગટ કરી તેમાંથી આ વાત કરી રહ્યો છું.

આપણે ગઈએ છીએ દીનાનાથ પણ મૂળ પ્રતમાં દીનનાથ છે. ગાંધીજીનું આ પ્રિય ભજન. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે તું મારો હાથ ના મૂકી દેતો. કવિ કેશવ હરિરામે તેનું શિર્ષક આપ્યું છે, ''મારી અવગણના કરશો મા.'' હે પ્રભુ! તું મારી અવગણના ના કરતો. હે ભગવાન! તું મારો હાથ મૂકી ના દેતો. તમે દરિયાની વચોવચ જઈને દરિયાને જોયો હશે તો ખ્યાલ હશે કે દૂર સુધી માત્ર પાણી જ પાણી. ક્યાંય કિનારો દેખાતો નથી હોતો. ક્યાંય જમીન દેખાતી નથી હોતી. હે પ્રભુ! હું મહાન ભવસાગરની અંદર ભૂલો પડયો છું. હે ચૌદે લોકમાં નિવાસ કરનાર ચપલાના પતિ આ તક મારી સરી જવા ન દેતા.

સાધનની પણ આપણને તો ક્યાં ખબર હોય છે. હે ભગવાન માત્ર તારી ઓથ છે. તારો સહારો છે. હે પ્રાણપાલક! તું કોઈ યુધ્ધશંખ ફૂંકી ના દેતો. તું જ માતા-પિતા-સગા અને ભાઈ છે. સંબંધને જે નામ આપું એ તું છે. તારી કૃપા અમૃત સમાન છે. એ અમૃતનું સ્વયમ્ તું સરોવર છે. તમારા આ દાસની એક જ વિનંતી છે કે તમારી કૃપા સૂકાઈ ના જાય. કેશવલાલનું શરણ હે હરિરામ તારા શરણે છે. અહીં પિતાનું નામ પણ જોડાય છે. અને ભગવાનને સંબોધન પણ કર્યું છે. હે સકળ બ્રહ્માંડના નાયક તમે મારા માટે ખૂટી ન જતા. મારા માટે તમારી કૃપા ખૂટી ના જાય એવું ના બનો એ જ પ્રાર્થના છે.

એક જમાનામાં કુટુંબમાં કેળવણીનો ફેલાવો એટલો બધો હોતો નહીં. મુકુન્દભાઈ જણાવે છે તેમ થોડુંક પણ વાંચતા આવડતું હોય તેવું એકાદ માણસ જો કુટુંબમાં હોય તો ધાર્મિક-નૈતિક સાહિત્ય ખપતું હતું અને વંચાતું હતું. હમણાં એક પ્રકાશક મિત્રએ કહ્યું કે આજના સમયમાં આપણી ગુજરાતી ભાષાના કાવ્ય સંગ્રહની પાંચસો નકલ પણ વધી પડતી હોય છે. આ અત્યંત દુ:ખદ વાત છે.

નવી કેળવણીને કારણે મુકુન્દભાઈ જણાવે છે કે પશ્ચિમના દેશોની જાણકારી વધી. આપણું ધાર્મિક-નૈતિક સાહિત્ય ઘણું ખરું સંસ્કૃતમાં હતું. જેનો પરિચય ઉત્તરોત્તર ઘટતો ગયો. પશ્ચિમની જાહોજલાલી અને ઓછા દૈનિક બંધનોવાળો જીવન વ્યવહાર જોઈ લોકો તે તરફ મહદ્ અંશે મોહથી તણાયા. આ માનસ પરિવર્તનની ગતિ બીજા વિશ્વ યુધ્ધ પછી ઘણી બધી વધી ગઈ. મુકુન્દભાઈએ આ બંને ભજનો ગ્રામોફોન વાજા ઉપર સાંભળેલા છે. જો કે એ વાતને પણ આજે ૧૦૦ વર્ષ ઉપર થઈ ગયું. આજની કવિતાઓમાં પરમ ધ્યેય પરત્વેની જાગૃતિ બહુ ઓછી જોવા મળે છે એવું એ સમયથી સૌને લાગ્યું છે. મુકુન્દભાઈએ તેમના પિતા સાથે આ કાવ્યોના સંપાદન વિશે ખૂબ સરસ ચર્ચાઓ કરી છે. કવિતા વાંચીને સાંભળીને એ સીધી સ્પર્શી જાય તે મહત્ત્વનું છે. અલંકારિક શૈલીની એ મઝા છે પણ એ મનબુધ્ધિના ખેલથી ઊંડે નથી. એક સમયે જસ્ટીસ રાનડેએ તેમના શિષ્ય ગોપાલકૃષ્ણ ગોખલેના નિબંધો તપાસીને એકવાર કહેલું કે જોર-બલ તમારા વિચારોમાં આણો, શબ્દોમાં નહીં. શબ્દો અને તેની ગોઠવણી વગેરે મળી શૈલી નિર્માણ કરતાં હશે પણ સત્વમય ભાવાનુભાવ શબ્દાર્થમાંથી થાય છે. પોતે જે ભાવાનુભાવ કરાવવા ધારે છે તેમાં આવરણરૂપ કે વિક્ષેપરૂપ ન થાય તેવી શૈલીનું ઔચિત્ય સમજાવું જોઈએ.

કેશવકૃતિનું શિર્ષક છે અનુભવના ઉદ્ગાર. સ્પષ્ટ દર્શન કરાવી શકે એનાથી વધારે પડતું તેજ માત્ર આંખને આંજનારું હોય છે. એ આંખને આંજે છે અજવાળતું નથી. આંખને એ સહાયક નથી. પ્રકાશપણુ તેના માપસરપણામાં છે. માપ કરતા વધારે આંખને આંજે એવું તેજ અંધકારની જેમ જ સ્પષ્ટ દર્શનનું, સત્ય દર્શનનું વિરોધી છે. એ વાણીનું અને વિચાર-ચમત્કૃતિનું દૂષણ છે. ભૂષણ નથી.

ભીતરના ઊંડા અનુભવ ધરાવતા કેશવલાલ ભટ્ટનું બીજું ભજન પણ એટલું જ જાણીતું છે. એ પણ ગાંધીજીને ખૂબ પ્રિય હતું. એક સમયે ઘેર-ઘેર ગવાતું હતું. આર્તપણામાં ઈશ્વરને પ્રાર્થના, ઈશ્વરનો પોકાર કેવો પડે છે એનો અનુભવ આપણને આ ભજન દ્વારા મળે છે. આવા અનેક અનુભવના ઉદ્ગારો કેશવકૃતિમાં પડેલા છે. જીવનમાં શું સારું છે શું ખરાબ છે એની ખબર ના હોય ત્યારે તો માત્ર હૃદયથી એટલી જ પ્રાર્થના થાય કે મારી નાડ તમારા હાથમાં છે ભગવાન મને સંભાળી લેજો.

આર્તપણામાં ઈશ્વર પ્રાર્થના.

મારી નાડ તમારે હાથે હરિ, સંભાળજો રે,

પ્યારા, પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું;

મને હશે શું થાતું? નાથ નિહાળજો રે.

અનાદિવૈદ્ય આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા,

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો?

મહા મુંઝારો મારો નટવર ટાળજો રે.

કેશવ હરિ, મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t14g8NY
Previous
Next Post »