ઠાસરામાં ગટરનું પાણી ખુલ્લામાં છોડાતા નાગરિકોના આરોગ્ય સામે જોખમ


- ગંદા પાણીનો તળાવમાં નિકાલ થતાં પાણીજન્ય રોગચાળાની ભીતિ

- નગરપાલિકાના કરોડોના ખર્ચે બનેલો પમ્પિંગ સ્ટેશન શોભાના ગાંઠીયા સમાન બન્યું

નડિયાદ : ઠાસરા નગરમાં ભુગર્ભ ગટર યોજના સાકાર કરવા બનાવવામાં આવેલ પમ્પીંગ સ્ટેશન છેલ્લાં કેટલાય સમયથી બંધ હાલતમાં પડયા છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બે  પમ્પીંગ સ્ટેશનમાંથી જે ચાલુ હાલતમાં છે.

 તેના દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ ભુગર્ભમાં ન કરાતા ગામના તળાવમાં ખુલ્લામાં કરવામાં આવતો હોવાથી સ્થાનિકોને ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત આ ગંદા પાણીના તળાવમાં થઇ રહેલા નિકાલને કારણે શહેરના પીવાના પાણીનું જળસ્તર બગડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા અને ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે.

ઠાસરા નગરની  વસ્તી અંદાજે ૨૨,૦૦૦ની છે. વર્ષ ૨૦૧૮માં રાજ્ય સરકારની ૯ કરોડની ગ્રાન્ટમાંથી ઠાસરા નગર પાલિકાની ભુગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત પાલિકા સંચાલિત ઠાસરા શહેરના બળિયાદેવ અને ઔરગંપુરા પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જેમાંથી બળિયાદેવ તરફનું પમ્પીંગ સ્ટેશન ચાલુ હાલતમાં છે. પરંતુ ઠાસરા નગરના વપરાશનું અને ગંદુ દુર્ગંધ મારતું પાણી ભુગર્ભમાં ન જતા શહેરના મોટા તળાવમાં ઠલવાઇ રહ્યંુ છે. ઠાસરા નગરપાલિકાથી એક કિ.મી.ના અંતરે આવેલું ઔરંગપુરા પમ્પીંગ સ્ટેશન છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. શહેરની ભુગર્ભ  ગટરનો ઉપયોગ થતો નથી અને ચોવીસ કલાક શહેરના ગંદા ગટરના પાણીનો નિકાલ પમ્પીંગ સ્ટેશન દ્વારા મોટા  તળાવમાં થઇ રહ્યો છે. 

નવા ચીફ ઓફિસર ટેન્ડર ખોલે પછી કાર્યવાહી આગળ વધશે : પાલિકા પ્રમુખ

આ બાબતે પાલિકા પ્રમુખનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતુ કે પાલિકામાં અત્યાર સુધી ચીફ ઓફિસરની પોસ્ટ ખાલી હતી. તેથી ગટરના સંપ માટે જે ટેન્ડરો મંગાવ્યા હતા તે ટપાલમાં પડી રહ્યા હતા. પરંતુ હાલમાં જ કાયમી ધોરણે નવા ચીફ ઓફિસર  આવેલ છે. તેથી નવા ટેન્ડરો ખોલીને કાર્યવાહી કરવામાં આવશે.

પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી સમસ્યા વકરી

ઠાસરાના ભુલી તલાવડીથી ઔરંગપુરા પમ્પીંગ સ્ટશન વચ્ચેના વિસ્તારો જેવા કે ઇન્દિરાનગરી, અમન સોસાયટી, બહુચરાજી મંદિર ચોકડીની આસપાસના રહીશોૅ, જીવન જ્યોત સોસાયટી, શાંતિ નિવાસ, અંગ્રેજી મિડીયમ સ્કુલના બાળકો સહુનું જીવન જોખમમાં મુકાયું છે. ઔરંગપુરા પમ્પીંગ સ્ટેશન બંધ હોવાથી ખુલ્લી ગટરના વહેતા પાણી આ વિસ્તારમાંથી વહી રહ્યા છે. જેને કારણે અસહ્ય દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને જંગલી ઝાડીના વધતા જતા સમૂહને કારણે સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. સત્વરે આ પમ્પીંગ સ્ટશન ચાલુ કરવામાં આવે અને ગટરના ગંદા પાણી માટે ભુગર્ભ ગટર યોજના કાર્યરત્ થાય તેવી લોકમઉંગ ઉઠી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W8GL5Rk
Previous
Next Post »