બોરીઆવી હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત


- અકસ્માતમાં ક્લિનરને ગંભીર ઇજા : ટ્રક ચાલક સામે ફરિયાદ

આણંદ : આણંદ તાલુકાના બોરીઆવી હાઈવે રોડ ઉપર આવેલ એક ઢાબા ખાતે આજે વહેલી પરોઢના સુમારે ત્રણ ટ્રકો વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવરનું બે ટ્રકોની વચ્ચે આવી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનર ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રકને ટક્કર મારનાર અન્ય ટ્રકના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ખાતે રહેતા રાજકુમાર અર્જુનપ્રસાદ ગુપ્તા એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૫ મી માર્ચના રોજ આ જ ટ્રાન્સપોર્ટ કંપનીની ત્રણ ટ્રકો ત્રણ ડ્રાઈવરો તથા ક્લીનર સાથે મુંબઈ ખાતે માલ ખાલી કરવા ગઈ હતી. દરમ્યાન તા.૯ મી માર્ચના રોજ આ ત્રણેય ટ્રક મુંબઈથી પરત આવવા નીકળી હતી. આજે વહેલી પરોઢના લગભગ ૪ઃ૩૦ કલાકની આસપાસના સુમારે આ ત્રણ ટ્રક પૈકીની બે ટ્રકો આણંદ પસાર કરી થોડે આગળ આવેલ બોરીઆવી હાઈવે રોડ ઉપરના ઢાબા ખાતે ઉભી રહી હતી. હોટલના કમ્પાઉન્ડમાં આ બંને ટ્રકો આગળ-પાછળ ઉભી હતી અને બંને ટ્રકના ચાલકો તથા ક્લીનર નીચે ઉતરી તપાસ કરી રહ્યા હતા. દરમ્યાન અન્ય એક કન્ટેનરના ચાલકે પોતાનું કન્ટેનર પુરઝડપે હંકારી લાવી ઢાબાના કમ્પાઉન્ડમાં ઉભેલ રાજકુમાર ગુપ્તાની ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કન્ટેનરની ટક્કર વાગતા જ ઉભેલ ટ્રક આગળ ધસી ગઈ હતી અને આગળની ટ્રકના પાછળના ભાગે અથડાતા ચાલક દિપકભાઈ ટ્રક વચ્ચે આવી જતા તેઓને છાતી તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. સાથે સાથે મહંમદસુએબ પણ ટ્રક વચ્ચે આવી જતા તેઓને પણ ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા દિપકભાઈ તથા મહંમદસુએબને ૧૦૮ મારફતે સારવાર અર્થે નડીયાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દિપકભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કન્ટેનર ચાલકવ વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uqEgNj3
Previous
Next Post »