ખેડા જિલ્લામાં આજે 1300 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય કરાશે


- હોળી નિમિત્તે જિલ્લામાં વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત

નડિયાદ : અધર્મ પર ધર્મના પર્વની ઉજવણી સમાન હોળીનું પર્વ ગુરુવારે ફાગણ સુદ પૂનમના દિવસે ખેડા જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. જિલ્લાના ગામેગામ સાંજે સંધ્યાટાણે હોળીનું પ્રાગટય કરવામાં આવશેે. જિલ્લામાં કુલ મળી ૧૩૦૦ ઉપરાંત સ્થળોએ હોળીના પ્રાગટય સાથે હોળિકા દહનનું પર્વ ઉજવાશે. જેમાં હજારો મણ લાકડાં તથા છાણા જેવી વસ્તુઓનું દહન થશે. 

ખેડા જિલ્લામાં પણ અન્ય સ્થળોની જેમ ૧૭ માર્ચ અને ગુરુવારની ફાગણસુદ પૂનમના રોજ હોલીકા દહન કરવામાં આવશે.જેના  પ્રાગટય માટેની  છેલ્લા બે અઠવાડિયાથી કરવામાં આવતી તૈયારીઓ  લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લાના ગામેગામ વિવિધ પોળ, મહોલ્લા તથા સોસાયટીના માર્ગો  જેવી જગ્યાઓએ હોળી પ્રગટાવાશે. હોળી માટે ભેગા કરેલા લક્ક્ડને પિરામીડ આકારમાં ગોઠવવામાં આવ્યા છે. તેના પર છાણાં તેમજ દહન થતી અન્ય વસ્તુઓ પધરાવવામાં આવશે. ખેડા જિલ્લામાં  આ વર્ષે ૧૩૦૦ કરતા પણ વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય કરવામાં આવશે. આ માટે હજારો મણ  લાકડાનો વપરાશ થનાર છે. હોળી પ્રાગટયના સ્થળોએ છેલ્લા બે અઠવાડિયાથી  લાકડાનો ઢગલો કરવામાં આવી રહ્યો છે.  ઢોલ-નગારાના નાદ વચ્ચે પૂજન કરી  પ્રાગટય કરાશે. આ પ્રસંગે હોળી માતાનો જયજયકાર કરવામાં આવશે.  

હોળીના પ્રસંગ નિમિત્તે ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૮૦૦ જેટલા પોલીસ કર્મીઓ, ૪૦૦ હોમગાર્ડઝના જવાનો પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત જાળવશે. નડિયાદ સહિત જિલ્લાભરમાં  પોલીસતંત્ર દ્વારા સધન બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. 

હોલીકા દહન માટેના પિરામીડમાં હોળૈયા અને પંતગો લગાવાશે

હોળીના દહન માટે બનાવવામાં આવેલા પીરામીડમાં જાત-ભાતની ડિઝાઈનવાળા હોળૈયા લગાવવામાં આવે છે. આ પરંપરા મોટાભાગે ગામડાઓમાં વધારે જોવા મળે છે. જેમાં છાણામાંથી વિવિધ ડિઝાઇનના સાથીયા, પીપળાનું પાન, પંખો વગેરે જેવી અવનવી ડિઝાઈનો બનાવી હોલીકાના દહન માટેના પિરામિડમાં પધરાવવામાં આવશે.

નડિયાદ શહેરમાં 110 થી પણ વધુ સ્થળોએ હોળી પ્રગટાવાશે 

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરની વિવિધ પોળ, મહોલ્લા તથા સોસાયટી વિસ્તારોમાં મળી આશરે ૧૦૦ કરતા પણ વધુ જગ્યાઓએ હોળીનું પ્રાગટય કરાશે. જેમાં  પીજ ભાગોળ, ચકલાસી ભાગોળ, વીકેવી રોડ, ખેતા તળાવ પાસે, દેસાઈ સંસ્કાર કેન્દ્ર પાસે, ખારાકૂવા, બારકોશીયા રોડ, અમદાવાદી બજાર વિસ્તાર, વાણિયાવડ વિસ્તાર, કોલેજ રોડ, સિવિલ રોડ, પેટલાદ ફાટક રોડ, મિલ રોડ, જવાહર નગર સહિત પશ્ચિમ વિસ્તારમાં પવનચક્કી, પીજ રોડ, વલ્લભનગર, માઈમંદિર રોડ  તથા આઈજી માર્ગ તથા વૈશાલી રોડ સહિત અન્ય વિસ્તારનો સમાવેશ થાય છે.  છેલ્લા બે અઠવાડિયાથી  ઉપરોક્ત  જગ્યાઓએ લાકડા ભેગા કરવાની કામગીરી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.  ટ્રેકટર, ઊંટગાડી તથા હાથલારી  વગેરે જેવા વાહનોમાં   લાકડાં અને છાણાં લાવી તેના મોટા ઢગલાં કરવામાં આવ્યા છે. જ્યાં ધાર્મિક રીતરિવાજ અનુસાર હોળીનું પ્રાગટય કરી તેનું પૂજન કરાશે. 

ખેડા જિલ્લામાં 10 સ્થળે વૈદિક હોળીનું આયોજન

છેલ્લાં કેટલા વર્ષોથી જિલ્લાવાસીઓમાં ઇકો ફ્રેન્ડલી હોળીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પર્યાવરણને બચાવવા માટે યુવાનો અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી હોળીનો આગ્રહ રખાય છે.આ વૈદિક હોળીમાં ગાયોના ગોબરથી તૈયાર થયેલા છાણનો ઉપયોગ કરવામાં આવે છે. ૫૦૦ થી ૧૦૦૦૦ જેટલા છાણાના ઉપયોગથી હોળી તૈયાર કરાય છે. ઉપરાંત તેમાં શુદ્ધ ઘી, જવ અને તલનો ઉપયોગ કરવામાં આવે છે. આનો મોટો ફાયદો એ છે કે વૃક્ષોનું નિકંદન અટકે છે અને આ હોળી ફક્ત ૩ થી ૫ હજાર રૂપિયામાં જ તૈયાર થાય છે. ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ૧૦થી વધુ સ્થળોએ વૈદિક હોળી કરવામાં આવનાર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rHa0Z3i
Previous
Next Post »