સુધારાની ગતિ ગોકળગાય જેવી હોય છે


- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી

- વિશાલને આવી બધી ટીકા-કુથલી જેવી વાતોની સહેજ પણ જાણ નહોતી. એ આ બધી રીતરસમોથી હંમેશાં અટવાત રહેતો. પણ દાદાજીની તબિયત સુધરતાં એ ખુશ થઈ ગયો

ફે ન્ટાએ એના સ્વભાવ મુજબ, દાદાની તબિયતમાં સહેજસાજ પણ સુધારો જણાયો કે તરત રશ્મિને વડોદરામાં મોબાઈલ પર 'દાદાની તબિયત સુધરી રહી છે'ના સમાચાર આપી દીધા એ સમાચાર સાંભળતા જ રશ્મિના હૃદયમાં ભાવનાં અનેક સ્પંદનો ઉછળી રહ્યાં: 'હું સાસરે પહોંચીને તરત જ સહુથી પહેલા દાદાજીને મળીશ. એમનાં ચરણ સમક્ષ મારા લાડલાને ધરીશ. 'દાદા, આ તમારા આશીર્વાદની પ્રસાદીરૂપ દીકરો છે.''

દાદા માટે પેથાભાઈ પરિવારમાં જુદી જુદી વ્યક્તિઓના જુદા જુદા ભાવ હતા. મોટાં બા તો એમના ભૂતકાળમાં દાદા એને પ્રસંગે પ્રસંગે ઝાટકી નાખતા હતા, ન કહેવાનાં વેણથી એના હૃદયમાં ભારે સંતાપ અને દાઝે એવી બળતરા થતી હતી. એમણે કદીય દાદા માટે સદ્ભાવ રાખ્યો નહોતો.

પેથાભાઈએ પણ એમના બાપાના ઝાટકાનો અનેકવાર અનુભવ કર્યો હતો. એમનો ઝાંઝી સ્વભાવ એ ભૂલી ગયા નહોતા. પણ દીલે એનો એમને બહુ ઘા લાગતો નહોતો દાદાની ઉંમર થઈ, તબિયત બગડવા માંડી અને એ પહેલાં ગુસ્સામાં અને પછી નરમ થઈને ચૂપ રહેતા હતા. પેથાભાઈને હવે એ દયા પાત્ર લાગતા હતા. એમના દીકરાને તો દાદા જેવી કોઈ વડીલ વ્યક્તિ પરિવારમાં ય એનો વિચાર સરખો ય આવતો નહોતો.

ફેન્ટાને એમના પ્રત્યે દયા ઉપજતી હતી. જોકે એણેય દાદાનાં આકરા સ્વભાવનો કેટલીકવાર અનુભવ કરી લીધો હતો. વિશાલને દાદા પ્રત્યે દૂરથી સમભાવ હતો. એ કોઈ કોઈ વાર પ્રસંગે દાદાજી પાસે જતો. બેઘડી વાતો પણ કરતો. દાદા ય એને જોઈને ખુશ થઈ જતા હતા. એને માથે હાથ મૂકવા ઉત્સુક રહેતાં.

દાદાની તબિયતમાં સહેજસાજ પણ સુધારો જણાતા પરિવારમાં ઉત્સાહની ઝલક પ્રવર્તવા માંડી હતી. આ બધા માહોલમાં જેણે દાદાની તબિયત માટે વિજયાશંકર વૈદ્યરાજને તાબડતોબ ખેંચી આણ્યા હતા એ મંજરી હવે ખાસ કોઈના ધ્યાનમાં આવતી નહોતી.

માત્ર ભલી અને નિખાલસ ફેન્ટાને મનમાં ગ્લાનિ થયા કરતી હતી કે મંજરી જ ભગવાનની માયારૂપે મળી અને એણે જ વૈદ્યરાજને માવજત માટે પેથાભાઈને ત્યાં આગ્રહથી ખેંચ્યા.

ફેન્ટા એના આ મહદ્ ઉપકારની વાત કરવા માંડતી ત્યારે મોટાં બા ના કપાળે કરચલીઓ પડી જતી. મંજરીએ પડોશીવાળાએ જરા મદદ કરી તેમાં એટલું બધું શા માટે ? એમની પરી ને આપણા વિશાલે કેટલા બધા લાડ કર્યા છે, બધું પરસ્પર છે ! પરિવારના બીજા સભ્યોને એમાં ખાસ કશું અજાુગતું લાગતું નહોતું. અને દાદાજી હવે જરા સચેત થયા એટલે મંજરી ખ્યાલ બહાર જતી રહી.

ફેન્ટાએ ઘરની મર્યાદા મૂકીને પણ કુલગુરૂ પ્યારેલાલને મનમાં થયેલી લાગણીની વાત એકાંતે કરી પ્યારેલાલ જરાક હસ્યા: 'બહેન, આખો સમાજ ગરજ સરી એટલે વૈદ વેરી'ના રીતરસમ પ્રમાણે વર્તે છે.

વિશાલને આવી બધી ટીકા-કુથલી જેવી વાતોની સહેજ પણ જાણ નહોતી. એ આ બધી રીતરસમોથી હંમેશાં અટવાત રહેતો. પણ દાદાજીની તબિયત સુધરતાં એ ખુશ થઈ ગયો. રશ્મિને દાદાજીના આશીર્વાદ ફળ્યા. એણે કુલગુરૂ પ્યારેલાલને જરાક હસવામાં કહ્યું... અન્કલ દાદાજીના આશીર્વાદ ફળ્યાને ? દાદાએ દીકરો જન્મે એવા આશીર્વાદ આપ્યા હતા. દાદાજી તો ભગવાનના માણસ છે.

કુલગુરૂ પ્યારેલાલ વિશાલના આ અતિશય ભોળપણ પર હસી ઉઠયા.

'વિશાલ !' તેમણે ખાસ એને સંબોધીને કહ્યું: 'તું લોટરીની ટિકીટોના સમાચાર વાંચે છે ને ? લાખો રૂપિયાની લોટરીની લાલચમાં ગણ્યા ગણાય નહિ એટલા બધા માણસો પૈસા પાણીમાં નાખે છે. લોટરી લાગશે એવી લાલસામાં લોકો ભ્રમણામાં ગોથાં થાય છે. વિશાલ કહે: 'પણ બધાને કંઈ લોટરી ઓછી લાગે.' મારે તને એ જ કહેવું છે. લાખો લોકો લખલૂંટ ધનની લાલસામાં લોટરીની ટિકીટ ખરીદે છે. એવું જ આર્શીવાદની બાબતમાં પણ બનતું હોય છે. પુત્રેષણાની ઇચ્છા ધરાવતી મહિલાઓ વડીલોના, વૃદ્ધોના આશીર્વાદ માગવા જતી હોય છે. એમના ભોળા મનમાં વડીલોના આશીર્વાદ ફળે એવી ખાસ ઇચ્છા રાખે છે.

ઘરના વડીલ કે કોઈ પવિત્ર માણસ એમનું મન પારખીને પુત્રવતી થજે એવા આશીર્વાદ 

આપે છે.

પુરાણ કાળમાં પણ ઋષિઓ પણ પુત્ર માટે જ આશીર્વાદ આપતા હતા કહેતા કે 'અષ્ટપુત્રની માતા થજે.' હવે અષ્ટપુત્રની વાત તો પુરાણી થઈ ગઈ એવા આશીર્વાદ કોને પોષાય ?

પણ પુત્ર જન્મશે એવા આશીર્વાદ અચૂક આપે છે.

આમ કેટલા બધા વડીલો પુત્ર જન્મે એવા આશીર્વાદ આપે છે.

એવા આશીર્વાદથી મહિલાના મનમાં આશા બંધાય છે.

પણ કેટલા વડીલોના આશીર્વાદ ફળે છે. જો બધાના આશીર્વાદ ફળતા હોય તો એ હસી પડયા.

વિશાલને કહે: ગણ્યા ગણાય નહિ એટલા બધા પુત્રજન્મના આશીર્વાદમાં જેમ લોટરીમાં એકાદ જણને જ ફળે છે તેમ કોઇકને જ પુત્ર જન્મના આશીર્વાદ ફળતા હોય છે.

જો વિશાલ સમજ દાદાજી પણ સામાન્ય વડીલોમાંના એક છે. એ કોઈ ભગવાનના એવા ભક્ત નથી કે એમના આશીર્વાદ ફળે. પણ રશ્મિનું અને તમારા પરિવારનું ભાગ્ય ઉજળું એટલે નસીબ ફળ્યું. જે થયું તે સારું જ થયું, પણ પુત્રજન્મના આશીર્વાદ સાચા જ પડે છે એ માન્યતા ભોળી છે. બધું જ નિયતી પર આધારિત છે કુલગુરૂ પ્યારેલાલે વિશાલની બુદ્ધિને અપીલ કરીને એને ભોળી માન્યતામાંથી બચાવ્યો.

વિશાલના બુદ્ધિ માનસને કુલગુરૂ દાદાની વાત સાંભળ્યા પછી પણ દાદા ભગવાનના જ ગણાય છે. એટલે જ એમના આશીર્વાદ ફળ્યા અને રશ્મિને દીકરો અવતર્યો.

કુલગુરૂ પ્રસંગોપાત કહેતા જ હતા ને કે મનમાં બદ્ધ થયેલા વહેમો કે જડ થઈ ગયેલી માન્યતાઓ દૂર કરવી આસાન નથી. સમાજમાં રૂઢ થયેલી પુરાણી માન્યતાઓને હજી સમાજ વળગી જ રહે છે ને.

સુધારાની ગતિ ગોકળગાય જેવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Y7GMku6
Previous
Next Post »