આણંદ શહેરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠી ચાર્જ


- એકાએક એસટીના અનેક રૂટ પરથી બસો ખેંચી લેવાતા હોબાળો

- અમદાવાદમાં વડાપ્રધાનના ખેલ મહાકુંભ સહિતના કાર્યક્રમમાં 22 થી વધુ એસ.ટી. બસ ફાળવી દેવાતા અનેક મુસાફરો રઝળી પડયાં : પોલીસ દમનનો ભારે વિરોધ

આણંદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે સરકારી કાર્યક્રમોમાં સતત બીજા દિવસે પણ આણંદ જિલ્લામાંથી ૨૨ જેટલી બસો ફાળવવામાં આવતા અનેક રૂટ ખોરવાતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આજે આણંદ શહેરના નવા બસ મથક ખાતે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જો કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈ ઘટના સ્થળે દોડી આવેલ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને શાંત કરવા હળવો લાઠીચાર્જ કરાયો હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરાયા છે.

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભ સહિતના વિવિધ કાર્યક્રમોને લઈ શુક્રવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. રોડ શો સહિતના કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરવા માટે ભાજપ સરકારે કોઈ કચાશ બાકી રાખી નથી અને રાજ્યના વિવિધ ડેપો ખાતેથી બસોની ફાળવણી કરી કાર્યકર્તાઓને અમદાવાદ-ગાંધીનગર ખાતે પહોંચતા કરાયા છે. ગતરોજ આણંદ જિલ્લામાંથી ૩૧ જેટલી એસ.ટી. બસો સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતા એસ.ટી.ની યોગ્ય સુવિધા ન મળવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હાલ વિવિધ કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી હોય વિદ્યાર્થીઓને જીવના જોખમે ના છુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા શહેરના નવા બસ મથક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આજે સતત બીજા દિવસે પણ આણંદ એસ.ટી. ડેપોમાંથી ૨૨ જેટલી એસ.ટી. બસો સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતા અનેક રૂટ કેન્સલ થયા હતા. જેને લઈ સવારના સુમારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નવા બસ મથક ખાતે એકત્ર થયા હતા અને યોગ્ય એસ.ટી. બસો મુકવા માટે ડેપોના કર્મચારીઓને રજૂઆત કરવા જતા ઉપસ્થિત કર્મચારીઓએ વિદ્યાર્થીઓ સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે. બીજી તરફ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ એસ.ટી. ડેપો ખાતે હલ્લાબોલ કરતા શહેર પોલીસની ટીમ નવા બસ મથક ખાતે દોડી ગઈ હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હોઈ વિદ્યાર્થીઓને શાંત પાડવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે ત્યારે આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે.

વિદ્યાર્થીઓએ બસોનો ઘેરાવો કરતા મામલો બિચક્યો

સરકારી કાર્યક્રમમાં બસોની ફાળવણી કરવામાં આવતા આજે સવારે તારાપુર તરફ કેટલાક રૂટો કેન્સલ થતાં તારાપુર તરફના અનેક વિદ્યાર્થીઓ નવા બસ મથકમાં અટવાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા ડેપોના કર્મચારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં એસ.ટી.બસ મુકવામાં ન આવતા આખરે વિદ્યાર્થીઓએ કેટલીક એસ.ટી. બસોનો ઘેરાવો કર્યો હતો. જેને લઈ મામલો ગરમાયો હતો અને શહેર  પોલીસની ટીમને બોલાવવાની ફરજ પડી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sWTaHVt
Previous
Next Post »