- વાસદ-મહી, ગળતેશ્વર કિનારે નહાવા માટે સહેલાણીઓ ઉમટી પડયાં
- કોરોનાના કારણે 2 વર્ષ સુધી તહેવારની ઉજવણીને ગ્રહણ લાગ્યા બાદ ચાલું વર્ષે લોકોનો ઉત્સાહ બેવડાયો
હોળી પર્વના બીજા દિવસે લોકો દ્વારા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરતા હોય છે. શુક્રવારના રોજ ધૂળેટી પર્વ નિમિત્તે જિલ્લાના યુવાધન સહિત અબાલ-વૃધ્ધ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લોકોએ એકબીજા પર ગુલાલની છોળો ઉડાડી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. ખાસ કરીને પર્વને લઈ નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પિચકારી લઈ એકબીજા પર પાણી ઉડાડતા તેમજ રંગ છાંટતા નજરે પડયા હતા. કેટલાક લોકો એકબીજા સાથે ગુ્રપમાં મળીને મિત્રોના ઘરે જઈ રંગ છાટી એકબીજાને પર્વની શુભેચ્છા પાઠવી હતી. જો કે બપોર બાદ સોસાયટી, પોળ જેવા વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ પણ પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. સાંજના સમયે પર્યટન સ્થળો પર લોકો ફરવા નીકળી ગયા હતા. જેને લઈ હોટલ તેમજ રેસ્ટોરન્ટ સહિત ખાણી-પીણીની લારીઓ ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
ખેડા જિલ્લામાં હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીના ઉત્સવમાં નડિયાદ યુવારંગે રંગાયું હતું. શહેરના મુખ્ય વિસ્તારો વાણિયાવડ, કોલેજરોડ, કિડની હોસ્પિટલ સર્કલ, કોંકરણ, નહેર, ફતેપુરા રોડ, ડેરી ઓવરબ્રીજ, પારસ સર્કલ, સંતરામ સર્કલ પર નડિયાદના રહીશો ધુળેટી રમવા રોડ પર આવી ગયા હતા. જેને કારણે શહેરના રસ્તાઓ કલરફૂલ બન્યા હતા. ધુળેટીના દિવસે સવારથી યુવાધન હિલ્લોડે ચઢ્યું હતું. શહેરના બજારો, દુકાનો અને હોટલો-રેસ્ટોરંટ સાંજ સુધી બંધ રહ્યા હતા. મોડી સાંજે ખાણી-પીણીના કેન્દ્રો ધમધમ્યા હતા. મોડી રાત સુધી ખુલ્લા રહેલા આ હોટલો, રેસ્ટોરન્ટો અને લારીઓ પર લોકોની ભીડ જામી હતી. હોટલોમાં કલાકોના વેઇટીંગના લાંબા લીસ્ટ જોવા મળ્યા હતા.
આણંદ જિલ્લાના વેરાખાડી, વાસદ તેમજ મહીકાંઠાના ગામોના નદીકિનારે બપોર બાદ માનવમહેરામણ ઉમટયો હતો. બપોર સુધી મિત્રો અને સ્નેહીઓ સાથે અવનવા રંગોથી ધૂળેટીની મજા માણ્યા બાદ ન્હાવા માટે લોકો મહી કાંઠે ઉમટી પડયા હતા. કેટલાક સ્થળોએ ધૂળેટી પર્વને અનુલક્ષીને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જઈ કેટલાક લોકોએ જમવાની સાથે સાથે અન્ય કાર્યક્રમની મજા માણી હતી.
ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ ગળતેશ્વર તરફ વળ્યા હતા. ગળતેશ્વરમાં મહાદેવના દર્શન અને તે બાદ મહી નદીમાં સ્નાનનો મહિમા છે.જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા.
એ જ રીતે જિલ્લાના વડતાલના સ્વામિનારાયણ મંદિર ,ફાગવેલના ભાથીજી મહારાજ, લસુન્દ્રાના ગરમ પાણીના કુંડ, કપડવંજના ઊંટડીયા મહાદેવ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર, ખેડાના શંકરાચાર્ય નગર અને મેલડી માતાના મંદિરે પૂનમના દર્શન માટે માનવ મહેરામણ ઉમટયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4Ed5QPp
ConversionConversion EmoticonEmoticon