- સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તા.૧૭ માર્ચ, ૨૦૨૨ને ગુરૂવારના રોજ હોળી તેમજ તા.૧૮ માર્ચ, ૨૦૨૨ને શુક્રવાર રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરાશે. આણંદ શહેર સહિતના જિલ્લાભરમાં ગુરૂવારના રોજ ૩૨૫ જેટલા ગામોમાં ૭૬૭ જેટલા સ્થળો પર હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ શુક્રવારના રોજ જિલ્લાભરમાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
પર્વને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના સંવેદનશીલ, અતિસંવેદનશીલ સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તા.૧૭મી માર્ચ, ૨૦૨૨ને ગુરૂવારના રોજ ૭૬૭ જેટલા સ્થળો પર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. જિલ્લાના વડા મથક આણંદ તાલુકામાં ૭૦ થી વધુ સ્થળોએ હોલીકા દહનના કાર્યક્રમ યોજાશે. ઉપરાંત પેટલાદ શહેર તેમજ ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે બોરસદ, પેટલાદ ગ્રામ્ય, ખંભાત શહેર, આંકલાવ, તારાપુર, ઉમરેઠ, સોજિત્રા સહિતના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવશે. આણંદ શહેરમાં હોળી-ધુળેટી પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બીવીએમ કોલેજ નજીક ઈકોફ્રેન્ડલી હોળીનું આયોજન કરાયું છે. આ હોળીમાં માત્ર છાણાનો ઉપયોગ કરાશે. આશરે ૧૧ હજાર જેટલા છાણાની સાથે સાથે કપુર તેમજ અન્ય આહુતિ પણ આપવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે આ જ હોળીની રાખ દ્વારા ધુળેટીના પર્વની પણ ઉજવણી કરાશે. આ હોળીની રાખ શરીરે લગાવવાથી ચામડીના રોગોમાં અનેક ફાયદા મળતા હોવાની માન્યતા છે.
મહિસાગર કિનારે ફાયરબ્રિગેડ અને તરવૈયા નજર રાખશે
શુક્રવારના રોજ ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી પ્રથા મુજબ જિલ્લાના ખેરડા, વહેરાખાડી તથા વાસદ નજીકથી પસાર થતી મહિસાગર નદી ખાતે મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે ઉમટી પડશે. જેને લઈ નદીકિનારે ફાયરબ્રિગેડની ટીમો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે.
3 ડીવાયએસપી, 8 પીઆઈ, 35 પીએસઆઈ ખડેપગે રહેશે
હોળી-ધુળેટીના પર્વને લઈ આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ૩ ડીવાયએસપી, ૮ પીઆઈ, ૩૫ પીએસઆઈ, ૬૦૦ પોલીસ જવાનો સહિત ૧૨૦૦ હોમગાર્ડ અને ૨૫૦ જીઆરડી જવાનો તૈનાત કરવામાં આવશે. સાથે સાથે સરકારી તેમજ ખાનગી મળી કુલ ૨૭ વાહનોમાં વીડીયોગ્રાફી સાથે સતત પેટ્રોલીંગ પણ કરી પરિસ્થિતિ ઉપર બાઝ નજર પણ રાખવામાં આવશે.
અતિસંવેદનશીલ ચિખોદરામાં એસઆરપી સહિતનો કાફલો
છેલ્લા કેટલાક સમયથી અતિસંવેદનશીલ ગણાતા એવા ચિખોદરા ગામે હોળી પર્વ ટાંણે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા હોલીકા દહન સ્થળે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે એક એસઆરપી સહિત એલસીબી, એસઓજી, પેરોલ ફર્લોની ટીમો તૈનાત કરવામાં આવનાર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tnvyQDN
ConversionConversion EmoticonEmoticon