નડિયાદ
ઠાસરા તાલુકાના બાધરપુરા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલી ગામની પીવાના પાણીની જર્જરીત ટાંકી સંબંધિત સરકારી વિભાગ દ્વારા અડધી તોડીને છોડી દેવામાં આવી છે. આ ગમે ત્યારે પડુ પડુ થનાર ટાંકીને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ જોખમાયા છે. જેને કારણે એક મોટા ડર સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં આવે છે. ઉપરાંત આ રસ્તેથી પસાર થતા રાહદારીઓને પણ મોટા અકસ્માતની ભીતી સતાવી રહી છે.
બાધરપુરા પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮માં ૩૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત શાળામાં ૮ થી ૧૦ શિક્ષકો છે. આ શાળાના કમ્પાઉન્ડમાં ગામની જમીનથી ૩૦ થી ૧૫ ફૂટ ઊંચી પીવાના પાણીની ટાંકી આવેલી છે. ગ્રામ પંચાયતની આ ટાંકી કન્ડમ કરેલી છે. વળી ઘણાં વર્ષો જૂની આ ટાંકી જર્જરીત બનતા તે બિનઉપયોગી બની હતી. અને તેને તોડવા માટેનું કામ જે તે વિભાગ દ્વારા શરુ કરાયું હતું. પરંતુ આ કર્મચારીઓ દ્વારા ટાંકીના ઉપરના ભાગેથી તોડી નાંખી કામ અધુરુ રખાયું છે. વળી આ ટાંકીના ૧૬ થી ૧૭ ફૂટ ઊંચે આવેલા આરસીસીના ટેકા પણ જર્જરીત થઇ ગયા છે. ટાંકી તોડવાનું કામ અધૂરું રખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ ટાંકીની નજીકમાં જ રેલ્વે ટ્રેક આવેલો છે. આથી જ્યારે પણ આ ટ્રેક પરથી કોઇ ભારે માલવાહક ગાડી કે એક્સપ્રેસ ટ્રેન પસાર થાય ત્યારે શાળાની દિવાલો ધુ્રજારી મારે છે. અને ઉપરથી શાળાના કમ્પાઉન્ડમાંજ પડુ પડુ થતી ટાંકી પણ આ કારણે ગમે ત્યારે પડી જવાની સ્થિતિમાં છે. આથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભાવિ જોખમમાં મૂકાયું છે. વળી આ ટાંકીની આસપાસ રહેણાંક વિસ્તારો આવેલા છે. જેને કારણે જો આ અડધી તોડેલી ટાંકી ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.
આ અંગે ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને અવાર નવાર રજૂઆતો કરેલ છે. પરંતુ આ જર્જરીત ટાંકી ઉતારવા માટે કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GZdReI0
ConversionConversion EmoticonEmoticon