એસ.પી. યુનિ.ના કુલપતિ ડો. કુલકર્ણીનું રાજીનામુ મંજૂર


- સુપ્રીમ કોર્ટે નિમણૂક ગેરકાયદે ઠેરવી હતી

- આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો. નિરંજન પટેલને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિનો ચાર્જ સોંપાયા

આણંદ : સરદાર પટેલ યુનિવસટીમાં કુલપતિ ડો. શિરિશ કુલકર્ણીને સુપ્રીમ કોર્ટ ગેરલાયક ઠેરવ્યાના ૨૪ કલાક બાદ રાજ્ય સરકારે નોટીફીકેશન જાહેર કરીને તેઓનુ રાજીનામું મંજૂર કયા હોવાનો ઉલ્લેખ કર્યોે છે પરંતુ હકીકતમાં તેઓ ગેરલાયક ઠેરવાયા હોય તેઓનો હોદ્દો રહેતો નથી. છતાં સરકારે પોતાની આબરૂ બચાવવા માટે  રાજીનામું આપ્યું હોવાનું રટણ કયુ છે. 

શિક્ષણનગરી વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણીની નિમણુંકને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવતા શિક્ષણનગરીમાં હાલ ચૌરેને ચૌટે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પીઠબળ અને સોગઠાકીય યુક્તિ-પ્રયુક્તિમાં પાવરધા એવા કુલપતિએ પોતાના કાર્યકાળ દરમ્યાન કેટલાયને હાંસિયામાં ધકેલ્યા હતા ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઈ છેલ્લા ઘણાં સમયથી મૌન બેઠેલ અનેક સંગઠનો ખુલીને સામે આવ્યા છે.

 આજે વિદ્યાર્થી સંગઠનો સહિત યુનિ.ના કેટલાક કર્મચારીઓએ પણ છુપો આનંદ વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થી સંગઠનોએ યુનિ. ખાતે ફટાકડા ફોડી બોગસ વીસી હાય.. હાય..ના નારા લગાવ્યા હતા.

સ.પ.યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણીની નિમણુંક વર્ષ-૨૦૧૬માં કરાઈ હતી.ત્યારથી જ તેઓની નિમણુંક સામે અનેક સવાલો ઉઠયા હતા. પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ કુલપતિની નિમણુંક માટે જરૂરી હોવાના નિયમની અવગણના કરી પ્રો.શિરીષ કુલકર્ણીને બીજી ટર્મ માટે પણ કુલપતિ પદે નિયુક્ત કરાતા આણંદના એક અરજદારે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે અંગે ગઈકાલે સુપ્રિમ કોર્ટે યુજીસીના નિયમોને અવગણી કરાયેલ આ નિમણુંક અંગે ટીકા કરી નિયમો પ્રમાણે નવેસરથી કુલપતિની પસંદગી કરવાના આદેશ આપવા સાથે કુલપતિની પસંદગી માટે કરાયેલ સર્ચ કમિટિની પણ ઝાટકણી કાઢી હતી. કુલપતિની નિમણુંકને સુપ્રીમ કોર્ટે રદ કરી હોવાના સમાચાર શિક્ષણનગરીમાં વાયુવેગે ફેલાતા ઠેર-ઠેર ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. યુનિ. સંકુલમાં પણ ગરમાવો વ્યાપ્યો હતો અને કેટલાક સિન્ડીકેટ સભ્યો કુલપતિને મળવા માટે તેઓના બંગલે પહોંચી ગયા હતા. જો કે કેટલાક નજીકના સિન્ડીકેટ સભ્યોને જ મળ્યા બાદ તુરત કુલપતિએ વડોદરા તરફ વાટ પકડી હોવાનું જાણવા મળ્યું હતું. આજે શુક્રવારના રોજ પણ કુલપતિ વિદ્યાનગર ખાતે ન હોવાની અટકળો વહેતી થઈ હતી.દરમ્યાન છેલ્લા ઘણાં સમયથી અવાર-નવાર વિવાદોના વંટોળમાં ફસાયેલ યુનિ.ના કુલપતિની નિમણુંક રદ થતા વિદ્યાર્થી સંગઠનો ઘેલમાં આવી ગયા હતા અને આજે સવારના સુમારે વિવિધ વિદ્યાર્થી  સંગઠનોએ મોટી સંખ્યામાં યુનિ. ખાતે એકત્ર થઈ કેટલાક સિન્ડીકેટ સભ્યો, પૂર્વ સિન્ડીકેટ સહિતના અધ્યાપકોએ યુનિ. પરિસરમાં સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને દૂધ તથા ગંગાજળથી સ્નાન કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કુલપતિ ડો.કુલકર્ણીએ કરેલી નિમણૂકો સામે પણ સવાલ

વર્ષ-૨૦૧૬માં સ.પ. યુનિ. ના કુલપતિપદે નિમણુંક પામેલ પ્રો.શિરીષ કુલકર્ણીની નિમણુંકને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી છે ત્યારે તેઓના કાર્યકાળ દરમ્યાન યુનિ.માં થયેલ નિમણુંકો સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. યુનિ.  સંલગ્ન કોલેજો તથા કેટલાક ડીપાર્ટમેન્ટસમાં થોડા સમય પૂર્વે જ અધ્યાપકોની ભરતી કરવામાં આવી છે. જેમાં પણ રાજકીય પીઠબળ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

રાજ્યના શિક્ષણ વિભાગે રાજીનામું સ્વીકાર્યું

સુપ્રીમ કોર્ટે દ્વારા સ. પ.યુનિ. ના કુલપતિ ડો.શિરીષ કુલકર્મીની નિમણૂક રદ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડો.શિરીષ કુલકર્ણીનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે અને યુનિ.ના નવા કુલપતિની નિમણૂક ના થાય ત્યાં સુધી યુનિ.કુલપતિનો કાર્યભાર ફેકલ્ટી ઓફ આર્ટસ ના ડીન ડો.નિરંજન પટેલને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. કુલપતિ ના પદ નો કારભાર ડો.નિરંજન પટેલ ને સોંપાતા આર્ટસ ફેકલ્ટી સહિત યુનિ.કર્મચારીઓ એ રૂબરૂ તથા સોશિયલ મીડિયા ના માધ્યમ થકી શુભેચ્છાઓ નો ધોધ વહાવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/H3MBih0
Previous
Next Post »